એન. આર. આઈ. સમાચાર
News of Friday, 12th February 2021

ખેડૂત આંદોલન દરમિયાન ઉપવાસ ઉપર ઉતરી ગયેલા ટિકૈતને NRI રોહિત અહલાવતએ બ્રિટનની ટેમ્સ નદીનું પાણી પીવડાવ્યું : ગાજીપુર બોર્ડર પર સરકારે પાણી પુરવઠો અટકાવતા પોતાના ગામમાંથી પાણી નહીં આવે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હતો : ખેડૂત નેતા ટિકૈતે ટેમ્સ નદીનું પાણી માથે ચડાવ્યું


ન્યુદિલ્હી : ખેડૂત આંદોલન દરમિયાન 26 જાન્યુઆરીના રોજ યોજાયેલી ટ્રેકટર રેલીના દિવસે હિંસા ફેલાતા સરકારે ગાઝીપુર બોર્ડર ઉપર પાણીનો પુરવઠો અટકાવી દીધો હતો.આથી ખેડૂત નેતા ટિકૈત રડી પડ્યા હતા અને જ્યાં સુધી પોતાના ગામમાંથી પાણી નહીં આવે ત્યાં સુધી પાણી નહીં પીઉં તેવી જીદ સાથે ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા.

આ દ્રશ્યનો વિડિઓ જોઈ દ્રવી ગયેલા લંડન સ્થિત NRI  રોહિત અહલાવત  સ્થાનિક ટેમ્સ નદીનું પાણી લઇ ભારત આવ્યા હતા.7 ફેબ્રુઆરીએ અહલાવતે પોતાના હાથે ટિકૈતને ટેમ્સ નદીનું પાણી પીવડાવ્યું. રોહિત છેલ્લાં 11 વર્ષથી લંડનમાં રહે છે. તેઓ હરિયાણાના ઝઝ્ઝર જિલ્લાના ઢાંડલાન ગામના રહેવાસી છે.

બાબાનાં આંસુ લંડનથી ભારત ખેંચી લાવ્યા- NRI રોહિતે જણાવ્યું હતું કે તેઓ શરૂઆતથી કિસાન આંદોલનને નજીકથી જોઈ રહ્યા છે. 28 જાન્યુઆરીની ઘટના મને આજે પણ યાદ છે, જ્યારે બાબા ટિકૈતે રડતાં રડતાં પ્રશાસનની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને ગામમાંથી પાણી મગાવ્યું હતું. ત્યારે મેં વિચારી લીધું હતું કે તેમના માટે ટેમ્સ નદીનું પાણી લઈ આવીશ. 7 ફેબ્રુઆરીએ હું દિલ્હી એરપોર્ટ પર ઊતર્યો અને પત્ની તેમજ ચાર વર્ષના પુત્રની સાથે પાણી લઈને ગાજીપુર બોર્ડર પહોંચ્યો.

આ પહેલાં ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકારે અમારી પાણીની સુવિધા બંધ કરી છે, પરંતુ અમે દિલ્હીથી પાણી નહીં લઈએ. ટિકૈતે વધુમાં કહ્યું હતું કે જો સ્થાનિક વહીવટી તંત્ર અથવા ઉત્તરપ્રદેશ સરકાર પાણી આપશે નહીં તો અમે અમારું બોરિંગ મશીન મગાવીને રસ્તા પરથી જ પાણી કાઢી લઈશું. અમે અમારા પાણીની વ્યવસ્થા જાતે જ કરી લઈશું.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાકેશ ટિકૈત પ્રદર્શન દરમિયાન રડી પડ્યા હતા અને તેમણે ખેડૂતોને આવવા માટેની અપીલ કરી હતી. ત્યાર બાદ પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને હરિયાણાનાં અનેક ગામોથી જાટ સમુદાયના ખેડૂતો મોટી સંખ્યામાં ગાજીપુર બોર્ડર પહોંચ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:51 pm IST)