એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 17th April 2021

અમેરિકાના ઇન્ડિયાનામાં ધાણીફૂટ ગોળીબાર : 4 શીખ સહીત 8 લોકોના મોત : હુમલાખોરે પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી

ઇન્ડિયાના : અમેરિકાના ઇન્ડિયાનામાં એક હુમલાખોરે ધાણીફૂટ ગોળીબાર કરી 8 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ 8 મૃતકોમાં 4 શીખ છે. માર્યા ગયેલામાં 3 મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામની ઓળખ હજુ બાકી છે. હુમલાખોરે પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળે છે.

ઇન્ડિયાનાપોલિસ એરપોર્ટ નજીક ફેડએક્સ સેન્ટરની બહાર બનેલી આ ઘટના અંગે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે દુ: ખ વ્યક્ત કર્યું છે અને મદદની ખાતરી આપી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોળીબારમાં શીખ સમુદાયના 4 લોકો માર્યા ગયા છે. જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. સ્થાનિક ઉદ્યોગપતિ ગુરિન્દરસિંહ ખાલસાએ આ અંગે માહિતી આપી છે.

માર્યા ગયેલા ભારતીયોની ઓળખ થઈ શકી નથી, પરંતુ ભારતીય મૂળના કાયદાની એક વિદ્યાર્થીએ અહેવાલ આપ્યો છે કે ગોળીબારમાં તેની દાદી અમરજીત કૌર જોહલની હત્યા થઈ હતી.આ મહિનાની શરૂઆતમાં, એટલાન્ટા વિસ્તારમાં આઠ લોકોને મસાજ કેન્દ્રો પર ગોળી વાગી હતી. અને કોલોરાડોમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ વર્ષે એકલા ઇન્ડિયાનામાં ગોળીબારની આ ત્રીજી ઘટના છે. જાન્યુઆરીમાં સગર્ભા સ્ત્રી સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(12:22 pm IST)