એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 20th February 2021

' યે દેશ હૈ વીર જ્વાનોકા ' : અમેરિકામાં FISANA ના ઉપક્રમે ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : દેશભક્તિ સભર બોલીવુડ ગીતોની રમઝટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે યુ ટ્યુબ ઉપર લાઈવ નિદર્શન કરાવાયું

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : નોનપ્રોફિટ ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન સિનિયર્સ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકા ( FISANA )  ના ઉપક્રમે ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ ગયો.
ટ્રીસ્ટેટમાં વસતા ઇન્ડિયન અમેરિકન સીનીઅર સિટીઝન્સને એક છત્ર  હેઠળ રાખતા મિડલસેક્સ કાઉન્ટીમાં કાર્યરત આ ઓર્ગેનાઇઝેશન સાથે ન્યૂજર્સીના વિવિધ 20 સીનીઅર એશોશિએશન  જોડાયેલા છે. જેની સાથે 10 હજાર ઉપરાંત ઈન્ડો અમેરિકન સિનિયર્સ જોડાયેલા છે.
2021 સાલમાં  FISANA  ના ઉપક્રમે  ' માવતર કી મહેક ' શીર્ષક હેઠળ દેશભક્તિ સભર ડિજિટલ કાર્યક્રમ યોજાયો હતો.જેને યુ ટ્યુબ તથા ફેસબુકના માધ્યમ દ્વારા 2 હજાર ઉપરાંત દર્શકોએ નિહાળ્યો હતો.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બોલીવુડના જૂની પણ એવરગ્રીન ફિલ્મોના દેશભક્તિ સભર ગીતો જેવા કે ' યે દેશ હૈ વીર જ્વાનોકા 'સહીત જુદાજુદા ગીતોની રમઝટ બોલાવાઇ હતી.ઉપરાંત સૃહ્રદમ એન્ટરટેઇનમેન્ટના શ્રી વિષ્ણુ પટેલ તથા ગાયકો શ્રી પ્રિયંકા બાસુ ,શ્રી મુખ્તાર શાહ ,શ્રી સાની શાહ ,શ્રી ગૌતમ કુમાર ,શ્રી નિલેશ વ્યાસ ,તથા શ્રી પારિષિ વર્માએ સંગીતના સથવારે સુમધુર અને કર્ણપ્રિય ગીતો રજૂ કર્યા હતા.

72 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ચેરમેન શ્રી દિપક શાહ ,પ્રેસિડન્ટ શ્રી રતિલાલ પટેલ ,તથા જનરલ સેક્રેટરી શ્રી વિષ્ણુ પટેલે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.તથા વોલન્ટિયર્સ ,સ્પોન્સર્સ , સમર્થકો , ઓર્કેસ્ટ્રા ,તેમજ દર્શકોનો આભાર માન્યો હતો.તેવું શ્રી વિજય શાહની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:11 pm IST)