ભાડુતી મારાને સોપારી આપી હત્યા કરાવ્યાનો આરોપ પુરવાર : યુ.એસ.ના ન્યુજર્સી સ્થિત ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન નરસન લિંગાલાને 50 વર્ષની જેલસજા તથા 2.50 લાખ ડોલરનો દંડ થઇ શકે : હત્યાના ષડયંત્રમાં સાથ આપનાર પ્રેમિકા પણ જેલમાં
ન્યુજર્સી : યુ.એસ.ના ન્યુજર્સીમાં ઇન્ડિયાના મુકામે રહેતા ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન નરસન લિંગાલા ઉપર ભાડુતી મારાને સોપારી આપી પત્નીની હત્યા કરાવ્યાનો આરોપ પુરવાર થયો છે. તેને વધુમાં વધુ 50 વર્ષની જેલસજા તથા 2.50 લાખ ડોલરનો દંડ થઇ શકે છે.
નરસનના લગ્ન 1995 ની સાલમાં સરોજ અલકાંતી નામક યુવતી સાથે થયા હતા.તેઓને એક પુત્ર અને એક પુત્રી છે. પરંતુ નરસનના અન્ય યુવતી સાથેના આડા સબંધ હોવાની જાણ થતા પતિ પત્ની વચ્ચે 2012 ની સાલમાં ખટરાગ થતા પત્ની અલગ રહેવા જતી રહી હતી.
નરસને છૂટાછેડા લેવા માટે બંને સંતાનોને ભથ્થું આપવા તૈયારી બતાવી હતી પરંતુ બાદમાં તેણે પોતાની આવકનો ખોટો અંદાજ લગાવાયો હોવાથી ભથ્થાની રકમ ઓછી કરવાનું કહેતા વાત અટકી ગઈ હતી.
બાદમાં તેને પોતાની પત્નીનું કાસળ કાઢી નાખવાનો નિર્ણય કર્યો હતો અને ભાડુતી મારા સાથે સોદો કરી પત્નીની હત્યા કરાવી નાખી હતી.પરંતુ ભાડુતી મારા પકડાઈ જતા ભાંડો ફૂટી ગયો હતો. નરસનને આ કામમાં સાથ આપનાર પ્રેમિકા સંધ્યા રેડ્ડીની પણ ધરપકડ કરાઈ હતી. તેને 2020 ની સાલમાં 63 માસની સજા ફરમાવાઈ છે. તેની પાસેથી ભાડુતી મારા સાથેની ચર્ચાનો વિડિઓ પકડાતા નરસનને પણ પકડી લેવાયો હતો. તેના ઉપરના આરોપો પુરવાર થતા તેને ઉપરોક્ત જેલસજા થઇ શકે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.