એન. આર. આઈ. સમાચાર
News of Monday, 23rd January 2023

સાત સમંદર પાર સોનેરી શહેર દુબઈમાં ઉજવાયો "દુબઈ કાઇટ ફેસ્ટિવલ" : “ડી વાઇન એન્ટરટેનમેન્ટ“ દ્વારા ઉત્તરાયણ નિમિતે કરાયું જાજરમાન આયોજન : માનવ મહેરામણ ઉમટ્યો

દુબઈ ના “નોરાસ” દરિયા કિનારે યોજાએલ આ કાર્યક્રમમાં સવારે ૧૦ થી સાંજે ૭ સુધી ૫૦૦૦ થી પણ વધુ લોકોએ આનંદ લૂટયો : ઉપસ્થિત લોકોએ એક તરફ રંગબેરંગી દોરીઓ, નાની મોટી ફીરકીઓ નો કમાલ અને બીજી તરફ માણી ગુજરાતી વાનગીઓ ની મિજબાની

દુબઈ : આપણે ગુજરાતીઓ માટે નવવર્ષની શરૂઆતમાં જ અનોખો પર્વ એટલે ઉત્તરાયણ ! કડકડતી ઠંડી, અડદિયા અને કચરીયાની આ મોસમમાં ગુજરાત અને ભારત ભરમાં ઉજવણી થાય એ તો સ્વાભાવિક છે, પણ આ વાત છે ગુજરાત થી દૂર સાત સમંદર પાર, જળહળતા સોનેરી શહેર દુબઈ ની.

ગુજરાતની અસ્મિતા, આપણી સંસ્કૃતિ, તહેવારોનો વારસો – એ બધુ જાળવવું એ આપણી ફરજ છે, એ મંત્ર સમજીને દુબઈ નિવાસી - ડો. વ્યાપ્તિ જોશી, શ્રી પ્રશાંત જોશી અને તેમની “ડી વાઇન એન્ટરટેનમેન્ટ“ સંસ્થાએ આ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. આ પહેલા પણ અનેક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો , દુબઈ ખાતે ઉજવવામા તેમનો વિક્રમ સ્થાપિત છે જ.

૧૫ જાન્યુઆરી ને રવિવારે "દુબઈ કાઇટ ફેસ્ટિવલ" નામે – અલ મમઝાર પાર્ક – દુબઈ ના “નોરાસ” દરિયા કિનારે યોજાએલ આ કાર્યક્રમ યુ.એ.ઈ. ખાતે એક જાહેર આયોજન હતું, જે સક્ષમ હતું ગુજરાતીઓ ને પોતાનું વતન તત્પૂરતું ભુલાવી દેવા માટે.

દિનાક ૧૫ જાન્યુઆરી એ દુબઈગરાઓ એ પણ મન ખોલીને અને દિલ ભરીને ઉત્તરાયણ મનાવી, એજ ઉમંગ, એજ ઉત્સાહ અને એજ ધગશ સાથે, જેમ ગુજરાત - ભારતમાં વર્તાય છે. અતિશય મૈત્રી ભર્યા વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં  દિવસ આખો – સવારે ૧૦ વાગ્યે થી સાંજે ૭ સુધી ૫૦૦૦ થી પણ વધુ ખેલૈયાઓ અને પતંગબાજો ને અવિરત મોજ માણતા જોવાનો એક અલગ જ માહોલ સર્જાયો હતો.

જાતજાત ના અને ભાતભાતના પતંગો – ભારતીય પરંપરાગત ઉપરાંત નવીન “ડિઝાઇનર” પતંગો પણ ઊંચા આકાશે ઉડાવા હરીફાઈ કરતાં દેખાયા. રંગ બેરંગી દોરીઓ, નાની મોટી ફીરકીઓ નો કમાલ એક તરફ અને ગુજરાતી વાનગીઓ ની મિજબાની બીજી તરફ. સહેલાણીઓ માટે તો બંને હાથે ઘી-કેળાં રૂપે બસ મજા, મસ્તી, હળવું - મળવૂ અને આનંદ જ આનંદ. અને એ આનંદને બમણો કરવા માટે હોંશીલા પતંગબાજોની હરીફાઈ પણ યોજાઈ, બહેનો માટે પણ અલગ હરીફાઈ ખરી. વિજેતાઓ ને અણમોલ ઇનામો, સોના અને ચાંદી ના સિક્કાઓ, અન્ય ભેટ વસ્તુઓ, અને પ્રાયોજકો તરફથી પહેરવેશોથી પણ નવાજાયા.

કાર્યકર્મ ની વિવિધતા વધારવા માટે – ભારતના અનેક પ્રાંતોના લોક-ગીતો અને નૃત્યો , આપણાં પોતાના ગરબા સુધ્ધાં એક તરફ અને સાંપ્રત સમયનું પાશ્ચયત સંગીત સાથે થંગનતા ડી જે  બીજી તરફ – સંગીત અને તલ ની પણ જાણે ડબલ સવારી પીરસાઈ હતી. મહત્વની વાત એ પણ ખરી કે આ કાર્યક્રમ માં ભારત ઉપરાંત અનેક વિદેશી મહેમાનોએ પણ ઉત્સાહ થી ભાગ લીધો અને આપણાં તહેવારની, પરંપરાગત પતંગોત્સવ ની, અને આલહાદ્ક વાનગીઓની તારીફ પણ કરી.

દુબઈના અલ મઝાઝ પાર્ક માં, લહેરાતો સમુદ્ર અને આલહાદક પવન, ખુલ્લા આસમાને પતંગબાજી, જેની સાથે સાથે ફાફડા , જલેબી, ઊંધિયું, પોંક, કચરિયું , તલસાંકળી જેવા ગુજરાતી અસસલ નાસ્તાપાણી, અને મનગમતા ઠંડા-ગરમ પીણાં, આ બધુ મળે પછી આપણને ગુજરાતીઓને બીજું શું જોઇએ ? "દુબઈ કાઇટ ફેસ્ટિવલ" ના સફળ આયોજન પછી, દુબઈગરાઓ સ્વાભાવિકપણે ઉત્સુક છે, ડો. વ્યાપ્તિબેન અને “ડી વાઇન એન્ટરટેનમેન્ટ“  ના આગામી કાર્યક્રમો વધાવવા માટે.

(10:14 pm IST)