એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 26th November 2022

અમેરીકામાં લોસ એન્જલસના નોર્વોક ખાતે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર માં ' દેવદીવાળી સંતરામ સત્સંગ ' નિમિત્તે ખાસ પાઠ યોજાયા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : સધર્ન કેલિફોર્નિયાના લોસ એન્જેલસના નોર્વોક સીટી ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી ‘રાધાકૃષ્ણ’ મંદિરમાં શનિવાર તા. ૧૨ નવેમ્બરના રોજ સાંજના ૫ઃ૦૦ થી ૭ઃ૦૦ દરમિયાન  બ્ર્હ્નલીન અષ્ટમ્ મહંત શ્રી નારાયણદાસ મહારાજશ્રી પ્રેરીત તથા પ્રાતઃ સ્મરણીય પ.પૂ શ્રી રામદાસજી મહારાજશ્રી ના શુભાર્શિવાદ સહ ‘દેવદિવાળી સંતરામ પાઠ’ યોજાયા હતા.

બરાબર સાંજના પાંચ પછી સંતરામ ભક્ત સમાજના સૌ કોઈ આવવા લાગ્યા હતા. શરૂઆતમાં રાધાકૃષ્ણ મંદિરના પ. પૂ. શ્રી ભરતભાઈ રાજગોરે સૌને આવકાર આપી ભજન કિર્તનની શરૂઆત કરી હતી. જેમાં શ્રી સંતરામ ચાલીસા, દત્તબાવની તથા  બ્રહ્મલીન અષ્ટમ્ મહંતશ્રી નારાયણદાસજી મહારાજશ્રી ના મુખે ગવાયેલ વિષ્ણુસહત્રનામ પાઠનું સમુહ પઠન કરવામાં આવ્યું હતુ.

કિર્તન બાદ બરાબર ૫ઃ૩૦ વાગે નડીઆદના પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર થી પ.પૂ શ્રી રામદાસજી એ ટેલિફોનીક માધ્યમ થી હાજર સૌ ને આશિર્વચન પાઠવ્યા હતા. અને જણાવેલ કે " પરદેશ ની ધરતી પર પણ આ રીતે " સંતરામ સ્ત્રોતમ્ અને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પાઠનું આયોજન થાય છે તે ખૂબજ સારી વાત છે. આપ સૌને આશિર્વાદ સહ જયમહારાજ "

ત્યાર બાદ  કેટલાક ભક્તો દ્વારા અન્ય ભજનો પણ ગવાયાં હતાં. આ કાર્યક્રમ માં સારી એવી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભક્તો ઉમંગભેર દેવદિવાળી સંતરામ પાઠમાં જોડાયા હતા. અંતમાં રાધાકૃષ્ણ મંદિરની સાયં આરતીમાં સૌ કોઈ ભાવપૂર્વક જોડાયા હતા.આરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સૌ કોઈ મહાપ્રસાદમાં ‘જય મહારાજ’ના નામોચ્ચાર સાથે જોડાયા હતા.મહાપ્રસાદ બાદ સૌ કૃતાર્થતા અનુભવી વિસરાયા હતા.તેવું માહિતી શ્રી ગુણવંતભાઈ પટેલ અને શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયાના તસ્વીર સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(9:16 pm IST)