એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 24th November 2021

"છેલ્લાજી રે પાટણના પટોળા લાવજો " : અમેરિકામાં સિનિયર ફ્રેન્ડ્સ ઓફ ન્યુ જર્સી - જર્સી સીટીનો મહા પંચોત્સવ ઉજવાયો : સ્વામિનારાયણ સ્તુતિ-વંદના, પ્રાચીન અને અર્વાચીન ગરબા ,જન્મદિવસ શુભ કામના ,સ્વાદિષ્ટ ભોજન, સહિતના આયોજનો કરાયા

 દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : સિનિયર ફ્રેન્ડ્સ ઓફ ન્યુ જર્સી ,જર્સી સિટીનો આઠમો વાર્ષિક ઉત્સવ દિવસ ,નવરાત્રી ,દિવાળી ,જન્મદિવસ - પંચોતસવ શનિવાર તા.30 ઓક્ટોબર 2021 ના રોજ સેવા ,સંભાળ, પ્રેમ,માનવતા અને સ્વાસ્થ્ય જેના પાયામાં છે તેવા નવનિર્મિત ક્લિફ્ટન સ્થિત "પરમ એડલ્ટ ડે કેર સેન્ટર "ના ઉપક્રમે ,યોજવામાં આવ્યો હતો.

ઉત્સવના ગ્રેટ ગ્રાઉન્ડ સ્પોન્સર હતા પરમ એડલ્ટ ડે કેરના જીવનસ્વપ્ન સેવી શ્રી વિપુલભાઈ અમીન અને શ્રી ભવભુતી ભાઈ પટેલ અને ઉદાર ,મહિમાવંત ગ્રાઉન્ડ સ્પોન્સર હતા બી.સી. બી .જર્સી સ્થિત બેન્કના શાખા મેનેજર સુશ્રી જિજ્ઞાસાબહેન પટેલ ,હડસન રિવર રેડિયોલોજીના શ્રી ફેર્સ જીલોડી ,સેલ્સમેન ફિઝિયોથેરેપી એન્ડ રિહૈબિલિશનના ફિઝિઓથેરેપીસ્ટ શ્રી ધવલ તલાટી તથા અન્ય મહાનુભવો હતા.

એશિયન મર્ચન્ટ એશોશિએશન જર્શી સિટીના શ્રી રાજુ પટેલ ,કરીઓન રેસ્ટોરન્ટ તથા પટેલ વિડિઓ ના શ્રી ભાવેશ પટેલ ,ડંકીનડોનરના શ્રી વિજયભાઈ શાહ ,પિન્ટો ફાર્મસી જર્શી સિટી,એડલ્ટ ડે કેર સેન્ટરના શ્રીમતી શકુન્તલાબેન પટેલ,નોર્થ બર્ગનના મીલેરી ,વિગેરે મહાનુભવો નો સહયોગ પ્રાપ્ત થયેલ .

હડસન કાઉન્ટી સિનિયર અફેર્સ સમિતિ સભ્યોના સહકારથી પ્રાપ્ત બસ સેવા દ્વારા સંસ્થા ના સભ્યોને પરમ એડલ્ટ ડે કેર સેન્ટર ક્લિફ્ટન પર વ્હાઇટ કેસલ જર્શી સીટી થી આવવા જવાની સુંદર બસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેનું સંચાલન શ્રી નાગજીભાઈ ખૂંટે સાંભળ્યું હતું સહુના શુભાગમન બાદ સભ્યોના રજિસ્ટ્રેશન અને સુંદર ગિફ્ટ ની વ્યવસ્થા શ્રી સુરેશ પટેલ ,શ્રી રજનીકાંત જૈન અને શ્રી સુબોધ શાહે સાંભળી હતી ,ત્યાર બાદ સ્વાદિષ્ટ અલ્પાહાર નું આયોજન સ્મરણીય હતું.

શ્રીમતી મયુરી પટેલના ભાવાર્થ કંઠે સ્વામિનારાયણ સ્તુતિ -વંદના થી કાર્યક્રમનું મંગલાચરણ થયું હતું . મેઘ છાંટણા બાદ રવિરાજે પોતાની તેજસ્વી કોરથી વાતાવરણને આહલાદ્ક કર્યું હતું.સંસ્થાના આદયસ્થાપક અને પ્રમુખશ્રી ડો.મહેન્દ્ર શાહના આવકાર પ્રવચન બાદ શ્રી વિપુલભાઈ અમીને પોતાના સ્વપ્ન સિદ્ધિ ની યાત્રાનો માર્ગ કંડારી પ્રસ્તુત એશોશિએશનને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા સદર એશોસિએશનના સમર્થક ,સેવાભાવી અને ખ્યાતિ પ્રાપ્ત ડો.જયેશ પટેલ સંસ્થાની પ્રવૃત્તિઓનું સમર્થન કરી ઉજ્જવળ ભાવિ વાંછયું હતું .અન્ય સિનિયર સીટીઝન એશોશિએશનના ટ્રસ્ટી મંડળના ભૂતપૂર્વ પ્રમુખ ડો.વિજયાબેન દેસાઈએ પ્રસ્તુત સંસ્થાના વખાણ કરી પોતાનું સમર્થન અને સહકાર વ્યક્ત કર્યા હતા.

શ્રી શશીકાંત અને સુશ્રી ચેતનાબેન કામદારના સાન્નિધ્યમાં ,સંગીતકાર શ્રી ગોવિંદભાઇ શાહ અને સુશ્રી મયુરીબેન પટેલના કંઠે માતૃ વંદના નિમિત્તે શક્તિ સ્વરૂપના વિવિધ વિવિધ ગુણ -રૂપ-વિરતાના "આરાતે સૂરથી ઉતર્યા " "પાવલી લઈને હું તો " વગેરે પ્રાચીન અને અર્વાચીન "છેલ્લાજી રે પાટણના પટોળા લાવજો " જેવા ગરબા -ગીતોના તાલ-લયથી વાતાવરણ મહેંકી ઉઠ્યું હતું .સુશ્રી શશી-ચેતના અને શ્રી નાગજીભાઈ ખુંટ -સુશ્રી હંસાબેન ખુંટ ની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર હતા.સુશ્રી શશી -ચેતના સાથે તાલીમબદ્ધ નર્તક બહેનોને ફોટોગ્રાફર શ્રી મહીપત મુલાણી અને સંગીતકાર શ્રી ગોવિંદભાઇ શાહ તરફથી આકર્ષક ભેટ આપવામાં આવી હતી. ગરબાની આરતી સાથે સમાપન કરવામાં આવ્યું હતું .શ્રી કાંતિભાઈ પટેલ -માયામી ગ્રોસર્સ તરફથી માતાજીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો .સહુએ આરતી-પ્રસાદનું સુખ માણ્યું હતું .

રાફેલ - બિંગો અમૃતની ધાર હતા,લકી ડ્રોમાં ઇનામો જીતનાર હર્ષના માર્યા ફૂલા સમાતા ન હતા . અકલ્પ્ય ,સુંદર,મૂલ્યવાન ઈનામોની કોઈ મર્યાદા ન હતી . સુશ્રી મયુરીબેન ની કોમેન્ટ અને અભિનયની અભિવ્યક્તિ ની હૈયા માં આનંદ હેલીના પૂર ચઢાવ્યા હતા .

સંસ્થાના પ્રમુખશ્રી ડૉ . મહેન્દ્ર શાહે સંસ્થાના હોદ્દેદારો -કારોબારીના સભ્યોની ચતુર્થ વર્ષીય સમય-મર્યાદા પૂર્ણ થઇ હોવાથી બંધારણ અનુસાર ચૂંટણી ની કાર્યવાહીની જાહેરાત કરી હતી.શ્રી ભીખુભાઇ પટેલે આ સાથે અસંમતિ દર્શાવતા પોતાનું નમ્ર સૂચન કરતા જણાવ્યું હતું કે બંધારણીય ચૂંટણીની પ્રક્રિયામાં ઉતરવા કરતા વહીવટી અને વિવિધ આયોજનોમાં તત્પર કુશળ સેવાભાવી અને નિષ્ઠાવાન સભ્યો ની પસન્દગી જ બહેતર વિકલ્પ રહેશે .સાથો-સાથ ડૉ .મહેન્દ્ર શાહે પણ સેવાની બીજી હરોળ તૈયાર કરવાની પોતાની અભિલાષા વ્યક્ત કરતા જ હાજર રહેલા સહુ સભ્યોએ સર્વસંમતિથી ડો.મહેન્દ્ર શાહની કાર્યશૈલી ,પ્રતિભા,વ્યક્તિત્વ ,કામ કરવાની ઉત્કંઠા ,ધગશ અને સમય કાઢીને વફાદારી પૂર્વકની સેવા ભાવના થી પ્રસન્ન થઇ એકી અવાજે સર્વ સંમતિથી ડો.શાહની આગ્રહપૂર્વક નિવૃત્તિની જાહેરાતને અવગણીને શ્રી ભીખુભાઇના સૂચન સાથે સંમત થઈને આ અંગેનો સર્વાનુમતે ઠરાવ પસાર કરી તેમની જ પસન્દગીના બંધારણીય હોદ્દાઓને બાજુ પર રાખીને નાનું કાર્યવાહક મંડળ બનાવી નિમણુંક કરવાની સત્તા -અધિકાર આપ્યો ,ડો.શાહે તેમની અનિચ્છા હોવા છતાંય સર્વેના આગ્રહને વશ થઇ તેનો સાભાર સ્વીકાર કર્યો.

શ્રી ભીખુદા ના આ સૂચનને ડો.શૂન્યમ,શ્રી રતિકાકા,શ્રી નિરંજન ગાંધી શ્રી અશ્વિન શાહ,શ્રી પુષ્પવદન ચોકસી ,ડો.વિજયા દેસાઈ,સુશ્રી મયુરી પટેલ વગેરેએ સમર્થન કર્યું હતું.

 

જુલાઈથી ડિસેમ્બર સુધીના મધ્યમાં આવતા તમામ સભ્યોના બર્થડે નિમિત્તે કેક કાપીને સર્વેનું મોં મીઠું કરાવવાનો ઉત્સવ પણ માધુર્ય ,મોજ,મહેક,અને મુક્તિને જન્મ આપવામાં સાર્થ કર્યો હતો .પ્રસન્નતા પરિપક્વતાએ પણ સહુના હ્રદયને શૈશવની સીમા સરહદે આળોટતી હતી,"બાર બાર યે દિન આયે ----" માં અભિવ્યક્તિ ભાવોની લહર સહુને સ્પર્શી ગઈ હતી . સહુએ ઉદાર હાથે જન્મદિન નિમિત્તે સંસ્થાને દાન આપ્યું હતું

સંયુક્ત અલ્પાહાર -લંચ શ્રી ક્રિષ્ના કેટરર્સ ના  સુશ્રી રશ્મિબેન પટેલના અનુભવ અને મુલાયમતાની કસોટીરુપ વેઢમી (પુરણપોળી -ડભોઇનો કિલ્લો ) અને અન્ય પકવાનોની જાહેરાત થતા સર્વત્ર પ્રસન્નતાનો પારાવર છલક્યો ,નિરાંત હૃદયે સહુએ અભિવર્ધક આતિથ્યનો આદર અને આતિથ્યની પ્રશંશા કરતા મિસ્ટાન્ન નો આસ્વાદ માણ્યો હતો.કસોટીના નિસ્કર્ષ પર સુશ્રી રશ્મિબેન પટેલ ,24 કેરેટના સુવર્ણ રેખાની જેમ પાર ઉતર્યા હતા.અલ્પાહાર અને લંચ નો પૂર્ણ આહારના આયોજનમાં શ્રીમતી ભાનુબેન શાહ,સુશ્રી દક્ષાબેન અમીન,સુશ્રી પ્રવિણા પંડ્યા ,સુશ્રી શકુન્તલા પટેલ,સુશ્રી ચેતના શાહ, સુશ્રી નિર્મળા શાહ,વગેરે બહેનોની મહેનત,કૌશલ્ય અને શિસ્ત વર્તાતા હતા.

પંચોતસવની પૂર્ણતા શ્રી મુલાણીના કેમેરાની કરામત વિના અધૂરી ગણાય.ઉત્સવની કોઈ પણ ક્ષણ કેમેરામાં ન કંડારાઈ હોય તેવું ભાગ્યેજ બને .સમૂહ હોય કે વ્યક્તિગત એક રેખા પણ છટકી ન શકે તેવી તીક્ષ્ણ દ્રષ્ટિ અને કૌશલ્ય ધન્યવાદને પાત્ર છે.

અંતમાં હાજર રહેલા સર્વ માનનીય સભ્યો ,મોંઘેરા મહેમાનો,બસની સેવા પુરી પાડનાર સિનિયર અફેર્સ ડિપાર્ટમેન્ટ એડલ્ટ ડે કેરના પદાધિકારીઓ ,નામી અનામી દાતાશ્રીઓ અને સભ્યોના આભાર સાથે આજની ઘડી રળિયામણી રે પરમ વિપુલે વ્હાલાની વધામણી જી રે ----ની સ્મૃતિઓ સાથે સહુએ વિદાય લીધી
- સંયોજક -
( ડો.મહેન્દ્ર શાહ )

(1:21 pm IST)