Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

નોરતુ ૮ મું: યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

માતા ખીર ભવાની મા

નિર્ગુણે નિષ્કલે નિત્યઃ

સત ચિત આનંદ રૂપીણે

નમોસ્તુ તે મહારાજ્ઞી

પાહીમાં શરણાગતમ

માતા ખીર ભવાની, માં નમોસ્તુતે,

ઉતર ભારત કાશ્મીર, હિમાલયની પર્વતમાળા બરફ આચ્છાદીત પહાડો મનોહર હરીયાલી જેવા કુદરતી સૌંદર્યથી ભરપુર પ્રદેશમાં ખીર ભવાનીમા બીરાજે છે.

માતા વૈષ્ણોદેવી બાબા બર્ફાની, અમરનાથ મહાદેવ અને માતા ખીર ભવાની શ્રધ્ધાળુ ભકતજનો માટે મહત્વના તિર્થક્ષેત્રો છે.

શ્રી નગરથી પચાસેક કી.મી. દુર ગંદરવાલ જિલ્લામાં આવેલુ નાનકડુ એવુ ગામ તુલમુલા છે આ ગામ વર્ષો પુરાણા ઉંચા ઉંચા વૃક્ષોની ધરાઓથી ઘેરાયેલું છે.

કુદરતી રમણીયતા નિહાળતા નિહાળતા તુલમુલા ગામ પહોંચીને ગામની વચ્ચે જ સુંદર હરીયાળા વાતાવરણ વચ્ચે ખીર ભવાની માતાના દર્શન કરીને શ્રધ્ધાળુ ભકતો ધન્યતા અનુભવે છે.

એમ કહેવાય છે કે પંડીત કૃષ્ણ શ્યામની ભકિતથી દેવી ભગવતી મા પ્રસન્ન થયા તેમણે કૃષ્ણ દયાળને નૌકામાં સવાર થઇ જલમગ્ન તીર્થસ્થાન શોધવા કહયુ઼ અને નૌકાને રાહ બતાવતો એક સાપ ત્યાં ઉભો રહેશે અને સાપ જયાં હશે તે સ્થાન દેવી ભગવતીની તીર્થધામ રહેશે.

કૃષ્ણ દયાળના આ સ્વપ્નની ઘટનાથી ભકતગણ તિર્થસ્થાનની શોધમાં નીકળ્યા ગંદરવાલ પહોંચતા જ જળ ઉપરએક સાપના દર્શન થયા ભકતો તેનું અનુસરણ પણ કરવા લાગ્યા અંતે સાપ-નાગરાજ તુલમુલા ગામની વચ્ચે વિશેષ સ્થાને પહોંચ્યા.

આ પછી આ જ સ્થળે ભકતજનોએ કુંડ બનાવી દ્વિપ કર્યો કુંડમાં જળ પધરાવ્યુ આજ સ્થળે દ્વિપની મધ્યમાં મહાદેવી મહારાજ્ઞી ભગવતીમાના ખીર ભવાનીનો અમૃતકુંડ નિર્ધારીત થયો.

માતા ખીર ભવાની મંદિરે દેશભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ આવે છે. માતાજીની માનતા રાખે છે. જેમણે ખીરની માનતા રાખી હોય તેઓ મંદિર પરીસરમાં જ રસોઇ કરી પ્રસાદ ધરે છે અને પછી મંદિરે દર્શનાર્થે આવેલા દર્શનાર્થીઓને ભોજન પ્રસાદી આપે છે. માતાજીની ચુંદડી, કંકુ મીઠાઇ વગેરે પણ ધરાવામાં આવે છે. આ મંદિર નજીકમાં જ માનસબલલોક જાણીતુ છે.

માતા ખીર ભવાની માનુ મંદિર વચ્ચે દ્વીપ કુંડમાં જલ ભરેલુ હોય છે. એટલે ભકતજનો એ કુંડની જગ્યાએ જઇને માતાજીને શીશ નમાવે છે અને તેમના આશીષ પ્રાપ્ત કરે છે.

સર્વ મંગલ માંગ્લ્ય શિવ સવાર્થ સાધિકે

શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે

દૈત્યના સંહારથી સંસારમાં ઉલ્લાસ છવાઇ ગયો....!

દેવો મહાદેવીને પુષ્પોથી વધાવી સ્તુતિ કરવા લાગ્યા

દૈત્યરાજની માયાવી શકિતને જગદંબાએ અદ્ભુત શકિતથી રોકી લીધી. આથી વધારે ક્રોધે ભરાયેલાં દુર્ગે વિશાળ વિન્દ્યાયાચળ પર્વતન શિખરો ઉખેડીને દેવી પર ફેંકવા લાગ્યો. જેને મહાદેવીએ વ્રજના પ્રહારથી ભાંગીને ભૂકકો કરી નાખ્યો.

દુર્ગની માયાવી શકિત ક્ષીણ થવા લાગી તેણે હાથીનું સ્વરૂપ ધારણ કર્યુ અને દેવી સામે દોડયો. પર્વતાકાર હાથીને જોઇને દેવીએ તેને પાટાથી બાંધીને તેની સુંઢ કાપી નાખી. કપાયેલ નાક વાળા દુર્ગે ભેંસનું રૂપ લીધું. અને શિંગડાથી પર્વતને ઉખેડવા લાગ્યો.

દૂર્ગના ઉપદ્રવથી સમગ્ર બ્રહ્માંડ વ્યાકુળ થયું. દેવી ભગવતીમા એ દાનવ ઉપર ત્રિશુલનો ઘા કર્યો. જેવું ત્રિશુલ ભેંસને લાગ્યુ કે ભેંસનું રૂપ ત્યજીને હજારો ભૂજાધારી પુરૂષનું રૂપ લઇ દાનવ દુર્ગ દેવીનો હાથ પકડી આકાશ તરફ લઇ જવા લાગ્યો. આકાશમાં ઉંચે લઇ જઇને તેણે જગદંબાનો હાથ છોડી દીધો...! અને ક્ષણ માત્રમાં બાણોની જાળ રચીને તેમાં ઘેરી લીધા એ વખતે મહાવીરોએ પોતાના બાણ વડે દૈત્યની બાણજાળને ભેદીને એક એવું મહાબાણ દુર્ગની છાતીમાં ખુંપી ગયું. તેની આંખે અંધારા આવવા લાગ્યા...

અત્યંત વ્યાકુળ થઇને તે જમીન પર જઇ પડયો, મહાપરાક્રમીને પૃથ્વી પર પડતો દેખીને દેવતાઓ દુદંભી બજાવવા લાગ્યા.

દુર્ગના સંહારથી સમસ્ત સંસારમાં ઉલ્લાસ છવાઇ ગયો.

દૈવી શકિતઓએ દૈત્યોની વિશાળ સેનાનો નાશ કર્યો.

સૂર્ય, ચંદ્ર અને અગ્નિએ ખોયેલું તે જ પાછુ મેળવ્યું. એ વખતે મહર્ષિઓ સાથે દેવો મહાદેવી પાસે આવ્યા. દેવીને પુષ્પોથી વધાવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા.

દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થયેલાં દેવી ભવાનીએ દેવતાઓને કહ્યું હે...! દેવગણ તમારો જે અધિકાર છીનવાઇ ગયો છે. તે હવે આજથી પહેલાની જેમ ભોગવો.

તમારી સ્તુતિથી પ્રસન્ન થઇ હું વરદાન આપું છું કે જે કોઇ મનુષ્ય પવિત્ર ભકિતભાવથી મારી સ્તુતિ દ્વારા સ્તવન કરશે તેના ઉપર ડગલે ને પગલે આવતી વિપતીઓનો નાશ કરીશ. અત્યંત દુર્ગમાં દુર્ગ એવો દૈત્યનો મેં સંહાર કર્યો છે. એથી હું દુર્ગા નામથી ઓળખાઇશ જે દુર્ગાના શરણે આવશે તેની કયારેય દુર્ગતિ થશે નહી આ પ્રમાણે વરદાન આપીને મહાદેવી અંર્ત ધ્યાન થયા...!

'ઓમ હ્રીં દું દુર્ગાયે નમઃ '

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:06 am IST)