Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

તમામ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટીએ 12A/12AA તથા 80Gની અરજી ફરી વખત કરવી પડશે

(1) ખાનગી ટ્રસ્ટ : જેમાં ફેમીલી અરેન્જમેન્ટ ટ્રસ્ટ, બેનીફીશીયરી ટ્રસ્ટ વગેરે આવે છે. જેને ચેરીટી કમિશનર ઓફિસમાં રજૂ કરવાનું હોતું નથી. ફકત સ્ટેમ્પ પેપર ઉપર ટ્રસ્ટ - ડીડ બનાવી પબ્લીક નોટરી સહી-સિક્કા કરાવવાના હોય છે. ત્યારબાદ પાન નંબર લઇ બેંકમાં ખાતું ખોલાવી શકાય છે.

(2) જાહેર (પબ્લિક) ચેરીટેબલ ટ્રસ્ટ : પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ બે પ્રકારના હોય છે.

(i)  જાહેર ધર્માદા ટ્રસ્ટો : જેને રીલીઝીયસ ટ્રસ્ટ અથવા ધાર્મિક ટ્રસ્ટો કહેવામાં આવે છે. તેમાં જ્ઞાતિઓના ટ્રસ્ટોનો પણ સમાવેશ થાય છે.

(ii) સામાજીક હેતુ માટેના ટ્રસ્ટો : જેમાં કેળવણી, માનવસેવા, મેડીકલ તેમજ માનવ ઉપયોગી પશુ સેવા તથા પાંજરાપોળો વગેરેનો સમાવેશ થાય છે. આ બધા ટ્રસ્ટોને 80Gની અરજી કરી હોય તો 80G પણ મળે છે.

બોમ્બે પબ્લીક ચેરીટી ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ નીચે ફરજીયાત બધા ટ્રસ્ટોએ નોંધણી કરાવવાની હોય છે. ત્યારબાદ તેઓએ ઇન્કમટેક્ષ કલમ 12A/12AA નીચે ૬ મહિનામાં સર્ટીફિકેટ મેળવવાનું હોય છે. જેને ઇન્કમટેકસ રજીસ્ટ્રેશન કહેવામાં આવે છે. જો આ રજીસ્ટ્રેશન ન હોય તો ટ્રસ્ટની કુલ આવકમાંથી ખર્ચ બાદ મળી શકતા નથી અને કુલ આવક ટેકસને પાત્ર બને છે. આવા ટ્રસ્ટોને ઇન્કમટેકસ કલમ ૧૧ થી ૧૩ નીચેનો કોઇપણ લાભ મળતો નથી.

૨૦૨૦ના નાણાકીય ધારા અન્વયે તમામ જાહેર ટ્રસ્ટ તેમજ સંસ્થાઓ જેમાં (યુનિવર્સિટી, કોર્પોરેશન વગેરે) આવે છે, તેઓએ ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ પહેલા ફરીથી અરજી કરી આપવાની હોય છે. કોરોનાને લીધે આ મુદ્દતમાં ૩૧મી ઓગસ્ટને બદલે ૩૧મી ડીસેમ્બર કરવામાં આવેલ છે.

બધા જ ચેરીટેબલ ટ્રસ્ટોએ 12A/12AA તથા 80Gની અરજી કમીશનર ઓફ ઇન્કમટેકસ (એકસેમ્શન) અમદાવાદને ઓનલાઇન એટલે કે કોમ્પ્યુટર દ્વારા અરજી મોકલવાની હોય છે.

દર પાંચ વર્ષના સમયગાળા બાદ ટ્રસ્ટ કે સંસ્થાએ

પુનઃ નોંધણી તેમજ માન્યતા માટેની અરજી કરવાની રહેશે!

ઉપરોકત 12A તેમજ 80G તથા કલમ 10(23C) વાળા તમામ ટ્રસ્ટ તથા સંસ્થાઓને હવેથી પ્રત્યેક પાંચ વર્ષે આ બધા સર્ટીફીકેટની માન્યતાની નવી અરજી કરવાની રહેશે. કારણ કે ઘણા ધાર્મિક ટ્રસ્ટો કે સંસ્થાઓ પોતે દર્શાવેલ ટ્રસ્ટના હેતું મુજબ ખર્ચ કરતા નથી, ફકત વ્યાજ, દાન વગેરેની આવક જમા કરી, કોઇપણ ખર્ચ ટ્રસ્ટના હેતુઓ માટે ન કરતા હોવાથી આવકવેરા ખાતું આવા ટ્રસ્ટોને હવેથી કદાચ 12A અથવા 80G ની અરજી પણ અમાન્ય કરે.

નવા ટ્રસ્ટ કે સંસ્થાને ત્રણ વર્ષ માટે 12A અથવા 80G આપવામાં આવશે

જે ટ્રસ્ટ અથવા સંસ્થા પાસે 12A અથવા  80G ન હોય અને હમણા ટ્રસ્ટ રજીસ્ટ્રર થયા હોય તેઓએ પણ 6 માસની અંદર આવી અરજી પ્રિન્સિપાલ કમીશ્નર ઓફ ઇન્કમટેકસ (એકસેમ્શન) ને કરી આપવાની હોય છે. જે ત્રણ વર્ષ માટે આપવામાં આવશે અને ત્રણ વર્ષ દરમિયાન ફરીથી ઉપરોકત જણાવેલ તમામ વિગતો સાથે અરજી કરવાની રહેશે. જે કદાચ પાંચ વર્ષ માટે રીન્યુ થઇ શકશે.

ઇન્કમટેકસ વિભાગ તમામ ટ્રસ્ટોને આવક-ખર્ચની વિગતો તેમજ ટ્રસ્ટ જે હેતુ માટે બનેલ છે. તે હેતું માટે ઉપયોગ કરેલ છે કે નહિં તેની બરોબર ચકાસણી કરશે. જો કોઇ ટ્રસ્ટે હેતુઓની વિરૂદ્ધ ખર્ચ કરેલ હોય અથવા આવકવેરા કાયદા માન્યતા વિરૂદ્ધ ફાજલ રકમનું રોકાણ કરેલ હશે જ તો તેઓને પણ માન્યતા મળવામાં મુશ્કેલી પડશે.

ઉપર જણાવ્યા મુજબ તમામ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટો જેઓ કલમ 12A/12AA અને 80G નીચે અગાઉ સર્ટીફીકેટ મેળવેલ હોય તથા સંસ્થાઓ જેવી કે તમામ યુનિવર્સિટીઓ, કોર્પોરેશન, નગર પંચાયત, નગર પાલીકા વગેરેઓએ પણ આવકવેરા કાયદા મુજબ સંપૂર્ણ વિગતો તથા દસ્તાવેજી પુરાવા સાથે અરજી કરવાની છે.

પ્રીન્સીપલ ચીફ કમીશનર ઓફ ઇન્કમટેક્ષ (એકઝેમશન) ની આખા ગુજરાત માટે એક જ ઓફીસ અમદાવાદમાં આવેલ છે કે જયાં ગુજરાતનાં તમામ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટોનું આવકવેરા અંગે કારભાર થાય છે. સામાન્ય રીતે અરજી કર્યા બાદ છ માસમાં સર્ટીફીકેટ આવે છે. પરંતુ તે દરમિયાન જે કાંઇ કચેરીઓ સાથે તેનો જવાબ તથા દસ્તાવેજી પુરાવાઓ પણ ઓનલાઇન સચોટ રીતે-સ્પષ્ટ આપતો હોવાથી 12A/12A, 80G તથા 10 (23) નીચેની અરજી અનુભવી નિષ્ણાત ચાર્ટડ-એકાઉન્ટ દ્વારા કરવાથી, આવકવેરા ખાતા તરફથી પ્રશ્નો ઉપસ્થિત ન થાય અથવા જરૂરી અન્ય વિગત માટે તેનો પ્રત્યુતર આપે. આમ ડીસેમ્બર-ર૦ર૦ની રાહ જોયા વિના અત્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં જ અરજી કરી આપવી જોઇએ.

: આલેખન :

નીતિન કામદાર

ચાર્ટડ એકાઉન્ટન્ટ

રાજકોટ.

M. 98252 17848

Email:info@nitinkamdar.com

(2:47 pm IST)