Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વીલ એટલે કે વસીયતનામા અંગે જાણકારી દરેક ૫૦ થી ૬૦ વર્ષની ઉંમરની વ્યકિતએ વીલ બનાવવું જરૂરી છે

વીલ બનાવવાથી પોતાના જીવનસાથીના હક્કો જળવાઇ રહે છે

વીલ બનાવવાથી કૌટુંબીક ઝઘડાઓ ઓછા થાય છે, વીલ બનાવ્યા પછી મનને શાંતિ મળે છે

સ્થાવર, જંગમ કે પોતાના ધંધા તથા વ્યવસાયમાં રોકાણ કરેલ દરેક વ્યકિત જેમની ઉંમર ૫૦ થી ૬૦ વર્ષથી વધારે હોય તેઓએ પોતાના આખરી ઇચ્છાને વસીયતનામાથી કરી શકે છે. જેથી તેમના અવસાન બાદ તેમના કુટુંબીજનોને મુશ્કેલી ન પડે. વસીયતનામુ કરનાર પોતાની જિંદગીમાં કમાયેલ તથા રોકાણ કરેલ મીલ્કતનું જ વસીયતનામુ કરી શકે છે. જેમાં અંગતનામે અથવા સંયુકત નામે આવેલ સ્થાવર મીલ્કતો તથા જંગમ મીલ્કતોનું વસીયતનામુ કરી શકે છે. -તે સબરજીસ્ટ્રાર કચેરીએ રજીસ્ટર કરાવી અથવા પબ્લીક નોટરી રૂબરૂમાં સહી-સિક્કા કરાવે તો સારૃં.

સામાન્ય રીતે મોટાભાગની ૫૦થી ઉપરની વ્યકિતઓ વસીયતનામા અંગે વિચારે છે પરંતુ પછી કરીશ - હજુ હમણાં તો જરૂરી નથી તેમ માનીને વાત ટાળે છે. પરંતુ આ કોરોના-૧૯ના કાળમાં બધાને જણાયું છે. જિંદગી તદ્દન અનિશ્ચિત છે અને તેમાં અવસાન પામેલ અનેક વ્યકિતઓએ વસીયતનામુ નહી કરેલ હોય, જેથી તેમના વારસદારોમાં અનેક મુશ્કેલીઓ આવશે. કૌટુંબીક વાદ-વિવાદો થશે અને કુટુંબીજનોમાં કોર્ટ સુધીના વિવાદો ઉદ્ભવ થશે.

વ્યકિતગત વસીયતનામાના મુખ્ય મુદ્દાઓ

(૧) વસીયતનામુ કોરા કાગળ ઉપર બે વ્યકિત તેમની પરિચિત હોય તેની રૂબરૂમાં પણ થઇ શકે. પણ આવા વસીયતનામાથી અનેક કાયદાકીય મુશ્કેલીઓ આવેલ હોય તેથી વસીયતનામુ જેમાં સ્થાવર મિલ્કતો વ્યકિતના પોતાના નામે અથવા ભાગમાં હોય તેમણે સબરજીસ્ટ્રાર કચેરીમાં જમીન - મકાન દસ્તાવેજની જેમ રજીસ્ટર કરાવવું જેથી તે સરકારી રેકર્ડ બની જાય છે. તેનાં મૃત્યુ બાદ જ વારસદાર સિવાય અન્ય કોઇને તેની ખરી નકલ આપવામાં આવતી નથી તેમજ વસીયતનામુ બે સાક્ષીની રૂબરૂમાં પબ્લીક નોટરીની સહી - સિક્કા કરાવી રાખવી.

(ર) કોઇ વ્યકિતએ અત્યારે બનાવેલ વીલમાં પોતાની આખરી જિંદગી સુધી તેમાં સુધારા - વધારા - ફેરફાર, કુટુંબની પરિસ્થિતિ તથા સ્થાવર - જંગમમાં વધારો ઘટાડો વિગત પણ જણાવી શકે છે તેમજ કોઇ મિલ્કત વેચાણ કરેલ હોય તેની પણ વિગત નવા વીલમાં જણાવી શકે છે. તેમજ કુટુંબની પરિસ્થિતિને અનુરૂપ મીલ્કતોની વહેંચણીમાં ફેરફાર અથવા કોઇ વંશ વારસને મીલ્કતમાંથી ભાગ નહી આપવાનું પણ જણાવી શકે છે.

(૩) હિન્દુ લો મુજબ દિકરા તેમજ દિકરીઓનો પણ માતા કે પિતાની મીલ્કતોમાં પુરેપુરો હક્ક છે. ભલે તે દીકરી ઘણા વર્ષો પહેલા પરણાવેલ હોય અને તેઓ સાધારણ અથવા સુખી હોય તેમનો હક્ક ઉભો રહે જ છે. જો દિકરી અથવા દિકરો અવસાન પામેલ હોય તો તેનાં વંશ વારસો દાદા અથવા નાનાની મિલ્કતોમાં હક્ક માંગી શકે છે. કોર્ટમાં કેઇસ કરી શકે છે, પ્રોબેટ અટકાવી શકે છે. આમ વીલ અનુભવી એડવોકેટ - સી.એ. પાસે તમામ ખુલાસાઓ - સ્પષ્ટતા દર્શાવતું કરવું. જેથી ભવિષ્યમાં વંશ-વારસોમાં વીખવાદ ન થાય.

(૪) સામાન્ય રીતે પતિ પોતાના અવસાન બાદ પત્નીને તમામ સ્થાવર તથા જંગલ મિલ્કતો આપવાનું તેમજ પત્ની પોતાના વીલમાં તેણીના નામે આવેલ મિલ્કતો પતિને આપવાનું જણાવતા હોય છે. જેથી એકબીજાના જીવનસાથી દુઃખી ન થાય. અને બંનેના અવસાન બાદ તેમના વંશજનોને કઇ રીતે મિલ્કત સોંપવી તેવું બનાવે છે. આમ કરવાથી જીવનસાથીનો હક્ક તમામ સ્થાવર - જંગમ મિલ્કતો ઉપર આજીવન હક્ક તથા માલીકી રહે અને એકબીજાની ગેરહાજરીમાં દુઃખી ન થાય.

આવા વીલ પતિ તથા પત્ની અલગ-અલગ પણ બનાવી શકે તેમજ બંનેનું એક સાથે સંયુકત - જોઇન્ટ વીલ પણ બનાવી શકાય જેથી બંનેમાંથી કોઇપણ એકનું અવસાન થાય તો આજીવન જીવીત વ્યકિતનો હક્ક રહે - તેઓએ બંનેના અવસાન બાદ કઇ રીતે બટવારો - ભાગ પોતાના વંશને આપવા તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. આવું વીલ અત્યારે ખૂબ ઉપયોગી છે. કારણ કે પતિના અવસાન બાદ તેમની મિલ્કતો તેમના દિકરા - દિકરીઓ લઇ જાય તો પત્નીનો કાંઇ હક્ક રહેણાંકના મકાન કે અનય સ્થાવર - જંગમ મિલ્કતોમાં રહેતો નથી તેમજ દિકરા તેની પત્નીઓ (પુત્રવધૂઓ) મીલ્કત પચાવી પાડે છે અને પત્નીને વૃધ્ધાશ્રમનો સહારો લેવો પડે તેવું ન બનવું જોઇએ.

(૫) હિન્દુ સંયુકત કુટુંબ (એચયુએફ) નામે મિલ્કત અંગે : ઘણા મોટા કુટુંબમાં સ્થાવર મિલ્કતો એચયુએફના નામે ખરીદાયેલ હોય છે. હિન્દુ લો મુજબ એચયુએફની માલિકીની મિલ્કતમાં કર્તા તેમજ તેની પત્નિ તથા બધા દિકરા-દિકરીઓ (ભલે તે પરણાવેલ હોય)નો ભાગ ગણાય છે. કુટુંબના બધા સભ્યોનો સરખો હિસ્સો ગણાય છે. તે ઉપરાંત દીકરા તથા દિકરીઓના વંશનો પણ હક્ક આવે છે. કર્તાના અવસાન બાદ આવી એચયુએફની મિલ્કતના પ્રોબેટ લેવામાં અનેક પ્રશ્નો ઉદભવ થાય છે.

આથી અમારી સલાહ છે કે એચયુએફના નામે મિલ્કત ખરીદવી નહી અને જો હોય તો તે વેંચી દેવી અથવા કુટુંબના જે કોઈ સભ્યને નામે વેચાણ અથવા ગીફટ દસ્તાવેજથી વ્યકિતગત માલિકી, કર્તાની હયાતીમાં જ કરી આપવી ખાસ જરૂરી છે કારણ કે મિલ્કત વેચાણ અથવા કોઈના પણ નામે ગીફટ કરો ત્યારે એચયુએફ કુટુંબના તમામ સભ્યોની સંમતિ કે સહીની જરૂરીયાત પડે છે. ઘણા કુટુંબમા કર્તાના અવસાન બાદ અનેક મિલ્કતો કુટુંબના વાદ-વિવાદને લીધે તથા અનેક પ્રશ્નો ભાગ-બટવારાને લીધે કોર્ટ કેસ થયેલ છે અને કોર્ટમાં આવા કેસનો ચુકાદો આવતા સામાન્ય રીતે ૧૫થી ૨૫ વર્ષનો સમય મુદતો તથા બન્ને પક્ષોની દલીલોમાં જાય છે છતે મિલ્કતે પણ વારસદારો મિલ્કત વેચી શકતા નથી.

આમ દરેક વ્યકિતએ પોતાનું વીલ યાને વસીયતનામું ગમે તેટલી ઉમર હોય તેમણે કુટુંબના પતિ-પત્ની તથા વંશ વારસોનાં સુરક્ષા માટે બનાવવું જ જોઇએ. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ગમે તેટલી મીલ્કતો હોય પણ ત્રીજી પેઢીએ ખલાસ હોય આવું ઘણાએ જોયું પણ  છે. પારસીની વસ્તી ભારતમાં ખૂબ જ ઓછી છે. પરંતુ તેઓ પોતાનાં વીલમાં પોતાના  દિકરાઓને કાંઇ જ નથી આપતા. પણ પૌત્ર મોટી ઉમરનાં કે નાની ઉમરનાં હોય તેમનાં નામેજ વીલ બનાવે છે અને પૌત્ર કે પૌત્રીનાં માતા-પિતાને બાળક ૧૮ વર્ષનો મેજર ન થાય ત્યાં સુધી ફેર દેઇકર એટલે કે મીલ્કત સાચવવાની જવાબદારી સોંપે છે. પોતાના દીકરા કે દીકરીઓને વીલથી કોઇપણ સ્થાવર કે જંગલ મીલ્કતો આપતા નથી.  કારણ કે ત્રીજી પેઢીએ મીલ્કતો પુરી ન થઇ જાય. અને વંશ-વારસો સુખી રહે.

ટૂંકમાં વીલ બનાવવું ઘડવું તે ખૂબ જ આવશ્યક છે. પરીસ્થિતિને અનુરૂપ ભવિષ્યમાં ફેરફાર પણ નવા વીલથી કરવા આ માટે ખૂબ જ વિચારી તાત્કાલીક વીલ અત્યંત અનુભવી પાસે જ કરવું જોઇએ. પરંતુ ઉમર અથવા ઘડપણની રાહ જોયા વિના, મૃત્યુ ગમે ત્યારે આવશે જે કોઇના હાથમાં નથી તેમ વિચારીને પણ વીલ બનાવી પોતાની આખરી ઇચ્છા કુટુંબના હીતાર્થે કરવું.(૨૧.૩)

વીલ અંગે અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબત

.  વીલ હંમેશા સ્ટેમ્પીંગ કરેલ અથવા સ્ટેમ્પ ખરીદેલ પેપર્સ સાથે પબ્લિક નોટરી સમક્ષ વીલ કરનાર તથા બે સાથીની રૂબરૂમાં સહી-સિક્કા કરાવવા

.  મોટું કુટુંબ કે વંશવારસો વધુ હોય અને સ્થાવર મિલ્કતો હોય તો વીલ રજીસ્ટર રજુ કરાવવું જોઈએ. વીલ કરનારથી નાની ઉંમરની વ્યકિતને સાક્ષી તરીકે રાખવા - કારણ કે કોર્ટ સાક્ષીઓને પણ બોલાવે છે તેથી મોટી ઉંમરની વ્યકિત - વૃદ્ધ સાક્ષીઓ હોય તે સાક્ષી વીલ બનાવનાર પહેલા ગુજરી જાય તો ફરી નવા જુવાન સાક્ષીઓવાળુ વીલ બનાવવુ પડશે.

.  વીલમાં તમામ સ્થાવર મિલ્કતની સંપૂર્ણ વિગત રાખવી, ખરીદ કિંમત, દસ્તાવેજ નંબર તથા તારીખ મિલ્કતની વિગત, ચો.વાર કે મીટર કયાં આવેલ છે વગેરે

.  ઘણા મોટી ઉંમરની વ્યકિતઓ વીલ યાને વસીયતનામુ બનાવવાને બદલે પોતાના વંશ-વારસો એટલે કે દીકરાઓના નામે પોતાની હયાતીમાં જ બીનઅવેજ બક્ષીસ દસ્તાવેજ કરી, તેના નામે મિલ્કત કરે છે. આવી ભૂલ કદી કરવી નહી કારણ કે બક્ષીસ દસ્તાવેજ કેન્સલ થતા નથી. વીલ કરનાર વ્યકિત પોતાની માલિકીની મિલ્કત ઉપર હક્ક ચાલ્યો જાય છે. તેના કરતા અવસાન બાદ વીલની રૂઈએ માલિકી હક્કો આપવા વધુ હીતકારક છે. વીલ કરનાર તેમજ તેના લગ્નસાથીનો હક્ક પોતાની હયાતી સુધી રાખવો. તેઓ બન્નેના અવસાન બાદ વારસોને મળે.

.  વીલ એ માણસની આખરી ઇચ્છા છે. તેથી પોતાની પાસે માલીકીની જે કાંઇ મીલ્કતો હોય તેની સંપૂર્ણ વિગત લખવી તેમજ જંગમ મીલ્કતોમાં પોતાની પાસે ખાનગીમાં અથવા ચોપડે દેખાડેલ અથવા નહી દેખાડેલ દર-દાગીના - જવેલરીની પણ વિગત વજન તથા ડાયમન્ડ કેરેટ (વજન) પણ લખી શકે છે. જે તેમણે પોતાના વંશજો અથવા ઇન્કમટેક્ષ રીર્ટન - સરવૈયામાં ન દર્શાવી હોય પણ ખાનગી રાખેલ છે તેનો ઉલ્લેખ સ્પષ્ટતા કરી શકાય છે. ઘણા શ્રીમંત કુટુંબમાં માતા-પિતા પોતાના વૃધ્ધા અવસ્થામાં કોઇ દીકરા-દીકરી ન સાચવે તો આવા ખાનગીમાં રાખેલ સોના દાગીના જવેલરી વગેરે વેચીને પણ આખરી જીંદગી ગાળી શકે. સામાન્ય રીતે આવકવેરા ખાતુ વીલ જો યોગ્ય હોય તો કાંઇ પગલા કુટુંબની આવકો તથા મોભા મુજબ સ્વીકારે છે.

નિતીન કામદાર (CA)

૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

canitinkamdar@gmeil.com

(આપના પ્રતિભાવ આવકાર્ય)

(10:54 am IST)