Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

શ્રાવણ સત્સંગ

સાચો સાધુ...

સત્ય સ્વરૂપ સાધુતા, જેણે સ્વેચ્છાએ શુદ્ધ અને સાત્વિક વિચાર સાથે મોહ, મમતા છોડેલ છે તે જ સાચો સાધુ.

સત્ય સ્વરૂપ સાધુતાનો અર્થ એ છે કે તે જીવનના કોઈપણ જાતના વિષાદથી, દુઃખથી, ચિંતાથી, ઉદ્વેગથી મુકત થઈ જવુ. સમતા, સમત્વ ધારણ કરી અને સ્વસ્થતા, પ્રસન્નતાપૂર્વક પરમ આનંદ સાથે જીવવું.

આ રીતે જ પરમ તત્વ પરમાત્માના મિલનના પંથે આગળને આગળ આંતરીક સાધના કરી શુદ્ધ થતા આગળ વધવું. પરમ તત્વને મળવુ એટલે મનથી મુકત થવુ, શૂન્ય થવું, નિર્વિચારમાં સ્થિર થવું. આ માટેની આંતર સાધના શરૂ કરવી એ પરમ મૌનતા ધારણ કરવી.

જેમ જેમ માનવીય સંબંધો વિશે વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે, સાંસારિક માનવી રાગદ્વેષ, અહંકાર, વાસનામાં સ્થિર હોવાને કારણે જ કે સાંસારિક સંબંધો માનવીને કેટલા બધા પરમ શાંતિ અને આનંદથી દૂર રાખે છે, છતાં તે તેમાંથી મુકત થઈ શકતો નથી અને પદાર્થની પક્કડ ઘેરી કરાવી જીવે છે, જેથી તે ચિંતા અને તનાવગ્રસ્ત જીવન જીવે છે. તેમાંથી મુકત થઈ શકતો નથી. તે આજના યુગના માનવીની વાસ્તવિકતા છે.

માનવ જીવનમાં કશું પણ મેળવવુ એ તો સંસારનોે ભાવ છે એટલે તેમાંથી મુકત થઈ અને કોઈને પણ બતાવાય નહિ તેવી વૃત્તિમાંથી મુકત થવુ તેનુ નામ જ સંસારી સત્ય સ્વરૂપ સાધુતા છે. માનવ જીવનમાં બે પ્રકારની સાધુતા અસ્તિત્વ ધરાવે છે. માનવ જીવનમાં આવી સ્થિતિ ઘરબાર છોડીને પણ થઈ શકે અને સંસારમાં રહીને પણ થઈ શકે છે. એ વ્યકિતએ પોતે પસંદ કરવાનુ રહે છે.

માનવ જીવનમાં લોકો સાથે બનાવટ કરો નહી, આત્મિક સત્યમાં સ્થિર થઈને સત્યાચરણમાં સ્થિર થાવ એ જ સાચી સાધુતા છે અને એ જ જીવનનું સત્ય સ્વરૂપ છે. મોક્ષના દ્વારે પહોંચવા માટેની શુદ્ધ વિધિ છે.

પ્રસન્નતાપૂર્વક પરમાત્માને જીવન અર્પણ કરીને નિષ્કામ અંતરના ભાવ સાથે કોઈને પણ બતાવ્યા વગર જીવવુ એનુ નામ સાધુતા છે.

પણ આવા સાધુ પાંચ 'પ'ની પાછળ દોડવાનું શરૂ કરે એટલે કે પૈસો, પ્રતિષ્ઠા, પદ, પ્રચાર અને પ્રપંચ. આ પાંચ 'પ' સાથે જ્યારે સાધુનો નાતો બંધાય ત્યારે તેનામાં સાધુતા રહેતી નથી.

આમ સાધુતા એ અંતરનો ભાવ છે. બહાર ના દેખાય કે વર્તન સાથે તેને કોઈ સંબંધ નથી. આંતરિક ભાવની શુદ્ધતા, આત્મિયતા અને પવિત્રતા જાળવાવી જોઈએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:13 am IST)