વિવિધ વિભાગ
News of Wednesday, 24th July 2019

લોકમાન્ય તિલકની ૧૬૩મી જન્મજયંતિએ અમદાવાદ સાબરમતી જેલમાં ભાવાંજલી અર્પણ

ગુજરાત રાજયના જેલ અને સુધારાત્મક વહીવટના પોલીસ મહાનિર્દેશક મોહન ઝા (આઇપીએસ), અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડો. એમ. કે. નાયક (આઈપીએસ), નાયબ અધિક્ષક પી. બી. સાપરા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેદ્યાણીની વિશેષ ઉપસ્થિતિઃ બંદીવાન ભાઈઓ દ્વારા ગાંધી-મેઘાણી-ગીતો થકી સ્વરાંજલિ અર્પણઃ આઝાદીની લડત સમયે ૧૯૦૮માં બાલ ગંગાધર તિલકને સાબરમતી જેલમાં રખાયા હતા

રાજકોટ, તા.૨૪: અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, ચિંતક, શિક્ષણવિદ્, પત્રકાર લોકમાન્ય બાલ ગંગાધર તિલકની ૧૬૩મી જન્મજયંતીએ અમદાવાદ સ્થિત ઐતિહાસિક સાબરમતી જેલ (અમદાવાદ મધ્યસ્થ જેલ) ખાતે ભાવાંજલિ અર્પણ થઈ. આઝાદીની લડત સમયે ૧૯૦૮માં લોકમાન્ય તિલકને અહિ રખાયા હતા જે ખાસ ઉલ્લેખનીય છે.      ગુજરાત રાજયના જેલ અને સુધારાત્મક વહીવટના પોલીસ મહાનિર્દેશક મોહન ઝા (આઈપીએસ), અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડો. એમ. કે. નાયક (આઈપીએસ) અને નાયબ અધિક્ષક પી. બી. સાપરા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગ ડાભી, જીતુભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં બંદીવાન ભાઈઓની હાજરી રહી.  પોલીસ મહાનિર્દેશક મોહન ઝા અને ઉપસ્થિત સહુએ લોકમાન્ય તિલકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેલના સંગીત શિક્ષક વિભાકરભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ બંદીવાન ભાઈઓએ ગાંધી-મેદ્યાણી-ગીતો થકી અનોખી સ્વરાંજલિ અર્પણ કરી હતી. આઝાદીની લડતમાં લોકમાન્ય તિલકના અનન્ય યોગદાનની રસપ્રદ વાતો પિનાકી મેઘાણીએ કરી હતી.   ઝવેરચંદ મેઘાણીને સરદાર યાર્ડમાં આવેલ જે ખોલીમાં રખાયા હતા ત્યાં 'જેલ સ્મૃતિ કુટિર'ની સ્થાપના ગુજરાત રાજયના જેલ પ્રશાસન અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા હાલમાં થઈ હતી. એવી જ રીતે ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજ અને અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની ખોલીનો પણ સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ થશે. પોલીસ લાઈન અને પોલીસ પરિવારમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી — ૨૮ ઓગસ્ટના રોજ — સાંજે ૪થી ૬ ગુજરાતની દરેક જેલમાં 'મેઘાણી વંદના' સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમ પોલીસ મહાનિર્દેશક મોહન ઝાએ જણાવ્યું હતું. બંદીવાન ભાઈઓ-બહેનોના લાભાર્થે નવીન કલ્યાણકારી યોજનાઓ વિશે પણ જાણકારી આપી હતી.

આલેખન :પિનાકી નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(4:03 pm IST)