વિવિધ વિભાગ
News of Monday, 4th January 2021

સરકારી મહેમાન

સ્થાનિક ચૂંટણી, અંદાજપત્ર અને રસીકરણ; રાજ્યના વહીવટી તંત્ર માટે કસોટીનો સમય

દેશમાં અમદાવાદ એવું મોટું શહેર બન્યું છે કે બીજા શહેરો કરતાં ઘણી સસ્તી પ્રોપર્ટી મળે છે : ગુજરાતમાં ભ્રષ્ટાચાર બેકાબૂ બન્યો: પ્રત્યેક બે દિવસે લાંચ લેવાનો એક કેસ નોંધાઇ રહ્યો છે : સોમવાર અને મંગળવારે CMએ તેમની મુલાકાતનો દરબાર બગીચાની લોનમાં કરવો જોઇએ

કોરોના સંક્રમણમાં ખતમ થયેલા 2020ના વર્ષ પછી નવા શરૂ થયેલા 2021ના વર્ષને લોકો આશાનું વર્ષ કહી રહ્યાં છે. વર્ષે કોરોના સંક્રમિતોની સંખ્યા નહીં પણ વેક્સિનેશનના ડોઝ ગણવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે વર્ષમાં ત્રણ નવા પડકાર છે જે પૈકી રસીકરણનો પડકાર એવો છે કે જેને સરકારે પ્રાથમિકતા આપવી પડે તેમ છે. બીજો મોટો પડકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો છે. કોરોના સંક્રમણનો સમય હજી પૂર્ણ થયો નથી ત્યારે ફેબ્રુઆરીમાં આવી રહેલી જિલ્લા-તાલુકા પંચાયતો, પાલિકા અને મહાનગરોની ચૂંટણી સરકાર અને મતદારો માટે ચેલેન્જ બની છે. આમ તો ફેબ્રુઆરી એટલે બજેટનો મહિનો કહેવાય છે પરંતુ સ્થાનિક ચૂંટણી જો મહિનામાં થશે તો બજેટ સત્ર પાછું ઠેલવું કે કેમ તેની પર ગંભીર વિચારણા ચાલી રહી છે. હંમેશા એક મહિના સુધી ચાલતા વિધાનસભાના બજેટ સત્રમાં વખતે વિલંબ થઇ શકે છે. નાણાં વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે જો સ્થાનિક ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાશે તો બજેટ સત્ર માર્ચમાં જઇ શકે છે પરંતુ હજી સરકાર સાથે અંગે કોઇ પરામર્શ થયો નથી. અમને એવી સૂચના છે કે બજેટની કામગીરી અને વિભાગની ફાળવણીની પ્રક્રિયા ચાલુ રાખવી. એટલે કે સંપૂર્ણ બજેટની તૈયારીઓ અમે કરી રહ્યાં છીએ. બજેટ સત્ર ક્યારે યોજાશે તેની ચર્ચા કેબિનેટની બેઠકમાં થશે અને ત્યારબાદ રાજ્યપાલને આહવાન માટે દરખાસ્ત મોકલવામાં આવશે.

જનતા દરબાર તો બગીચાની લોનમાં હોય...

સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં સોમવાર અને મંગળવારે એટલી બઘી ભીડ એકત્ર થઇ જાય છે કે મુલાકાતીઓને બેસાડવાની વ્યવસ્થા ખોરવાઇ જતી હોય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સ્વભાવ છે કે તેઓ મળવા માટે કોઇને ઇન્કાર કરતા નથી પરંતુ તેમની ઓફિસમાં જગ્યાની ગીચતાનો મોટો પ્રશ્ન ઉભો થાય છે. સ્વર્ણિમ સંકુલ ઘણીવાર મુલાકાતીઓની સંખ્યા સામે નાનું લાગે છે તેવા સમયમાં મુખ્યમંત્રી જો તેમના નિવાસસ્થાનના બગીચાની લોનમાં કે મંત્રીમંડળ નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી સેન્ટર જેવી વિશાળ જગ્યાનો ઉપયોગ કરે તો મુલાકાતીઓને મુક્તમને તેઓ મળી શકે તેમ છે. ગુજરાતમાં જ્યારે માધવસિંહ સોલંકીનું શાસન હતું ત્યારે તેઓ તેમનો જનતા દરબાર તેમના નિવાસસ્થાનની લોનમાં કરતા હતા. અમરસિંહ ચૌધરી, ચીમનભાઇ પટેલ અને કેશુભાઇ પટેલ પણ તેમના બંગલાની લોનમાં મુલાકાતીઓને સહેલાઇથી મળતા હતા. સાત દિવસ પૈકી સોમવાર અને મંગળવાર એવા બે દિવસો છે કે જ્યારે મુલાકાતીઓ, સાંસદો, ધારાસભ્યો અને રાજકીય પાર્ટીના નેતાઓ સ્વર્ણિમ સંકુલમાં આવતા હોય છે. એક ધારાસભ્યની સાથે 10 થી 15 કાર્યકરો જોવા મળે છે. ઘણીવાર સલામતી રક્ષકોની મૂંઝવણ એટલા માટે વધી જાય છે કે તેઓ સ્થળ સંકોચના કારણે એકત્ર ભીડને કાબૂમાં રાખી શકતા નથી.

અફોર્ડેબલ હાઉસિંગના કારણે મકાનો સસ્તાં...

ગુજરાતમાં અફોર્ડેબલ હાઉસિંગના કારણે ઘરનાં ઘર સસ્તાં બન્યાં છે. ખાસ કરીને અમદાવાદ જેવા મેગાસિટીમાં સસ્તાં મકાનો મળે તે આશ્ચર્યજનક છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના એક રિપોર્ટમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભારતના મુખ્ય શહેરો પૈકી અમદાવાદ એક એવું શહેર છે કે જ્યાં અન્ય શહેરોની સરખામણીએ મકાનો સસ્તાં મળી રહ્યાં છે. સમગ્ર દેશમાં મુંબઇ સૌથી મોંઘુ શહેર છે. સસ્તાં મકાનોની યાદીમાં પૂના અને ચેન્નાઇ પણ આવે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મકાનોના ભાવમાં ઘટાડો અને હાઉસિંગ લોન પર નીચા વ્યાજદરના કારણે લોકો રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. જો કે દેશની રાજધાની દિલ્હીમાં પણ મુંબઇ જેવી મોંઘી પ્રોપર્ટી જોવા મળી રહી છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે --- સરકારે જ્યારથી એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ મૂકી છે ત્યારથી રિયલ એસ્ટેટમાં મિલકતોના ભાવમાં ઘટાડો થયો છે, જો કે જમીનની કિંમતમાં વધારો થયો હોવાનો એકરાર તેમણે કર્યો છે અને કહ્યું છે કે જમીન વધતી નથી તેથી હવે રિયલ એસ્ટેટમાં બહુમાળી ઇમારતોનો કન્સેપ્ટ લાગુ કરવાની આવશ્યકતા છે.

સુરત શહેરમાં 2600 કરોડનું ડાયમન્ડ બુર્સ...

સુરતનું નામ પડે એટલે ડાયમન્ડ અને ટેક્સટાઇલ બજાર યાદ આવી જાય છે. બન્ને બિઝનેસ એવા છે કે જેણે સુરતને નવું નામ આપ્યું છે પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સપનાનું ડાયમન્ડ બુર્સ જ્યારે શરૂ થશે ત્યારે સુરતની સૂરત બદલાઇ જશે તે પણ નક્કી છે. પંચતત્વની થીમ પર બની રહેલા ડાયમન્ડ બુર્સનો ખર્ચ 2600 કરોડ રૂપિયા છે. 2021માં બુર્સ શરૂ થશે ત્યારે એક સાથે 4200 ઉદ્યોગજૂથો એકસાથે વ્યાપાર કરશે. બુર્સમાં વર્ષે અઢી લાખ કરોડ રૂપિયાના બિઝનેસ સાથે 1.50 લાખ લોકોને રોજગાર મળવાની ધારણા રાખવામાં આવી છે. છેલ્લા અઢી વર્ષથી બુર્સનું બાંધકામ થઇ રહ્યું છે. ટ્રેડીંગ પર્પઝથી જે ઉદ્યોગો સુરતથી મુંબઇમાં સ્થળાંતર થયાં છે તે ફરી સુરતમાં આવે તેવી આશા બંધાઇ છે. બુર્સના ટાવર કેમ્પસમાં 22 કિલોમીટરનું અંતર છે જે અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ મોટો વિસ્તાર છે. કુલ 66 લાખ ચોરસફૂટમાં 11 માળના નવ ટાવર કાર્યાન્વિત થઇ રહ્યાં છે. બુર્સમાં 10 હજાર ટુ-વ્હિલર્સ અને 5000થી વધુ મોટરકારનું પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે.

ખાનગી એપીએમસી એટલે મોટું નુકશાન...

ગુજરાતમાં ખાનગી એપીએમસીનો રાફડો ફાટ્યો છે. સરકારે છેલ્લા 13 વર્ષમાં 31 એપીએમસીને કારોબારની મંજૂરી આપી દીધી છે જેમાં ભાજપના નેતાઓએ પણ લાભ લીધો છે. ખાનગી એપીએમસી ધરાવતા જિલ્લામાં બનાસકાંઠાનો સમાવેશ થાય છે. જિલ્લામાં સૌથી વધુ 13 એપીએમસી આવેલી છે. સરકારનો દાવો છે કે ખાનગી એપીએમસીથી ખેડૂતોને મોટો ફાયદો થશે પરંતુ હકીકત એવી છે કે તેનાથી સહકારી ક્ષેત્રને મરણતોલ ફટકો પડશે. સરકાર કહે છે કે ખાનગી એપીએમસીમાં વેપારીને બે ટકા સેસ ચૂકવવો નહીં પડે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે. માર્કેટમાં તંદુરસ્ત હરિફાઇ થશે અને ખેતરમાંથી સીધી ખરીદી થશે. બીજી તરફ સહકારી આગેવાનો કહે છે કે અમારા ક્ષેત્રને સૌથી વધુ નુકશાન થશે. ખરીદી ચાર્જ નાબૂદ થતાં કરોડો રૂપિયાનું નુકશાન થશે. રાજ્યની 45 એપીએમસીની આવક શૂન્ય થઇ જશે. સહકારી ક્ષેત્રની એપીએમસીમાં કામ કરી રહેલા કર્મચારીઓની નોકરી જોખમાઇ રહી છે. ભાવમાં કાર્ટેલ રચાશે તો ખેડૂતોને પોષણક્ષણ ભાવ નહીં મળે.

ભ્રષ્ટ તંત્રને અટકાવવાનો મોટો પડકાર...

ગુજરાતમાં પ્રત્યેક બીજા દિવસે કોઇને કોઇ અધિકારી કે કર્મચારી લાંચ લેતાં પકડાઇ રહ્યો છે તે જોતાં ભ્રષ્ટ તંત્રને અટકાવવાનો મોટો પડકાર ઉભો થયો છે. સંજોગોમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ની કામગીરી સરાહનિય છે પરંતુ છીંડે ચઢ્યો તે ચોર.. ઉક્તિ સામે રાખીએ તો ભ્રષ્ટ તંત્રમાં 100માંથી માત્ર પાંચ કેસ પકડાય છે. 2020ના આંકડા પ્રમાણે એસીબીએ 200 જેટલા ગુના દાખલ કર્યા છે અને 310 આરોપીઓને પકડ્યા છે. કોરોના સંક્રમણની મહામારી વચ્ચે પણ આટલા કેસ થાય તે આશ્ચર્ય ઉપજાવે છે. બ્યુરોના ઇતિહાસમાં પસાર થયેલા એક વર્ષમાં સૌથી વધુ 38 જેટલા અપ્રમાણસર મિલકતના ગુના બન્યાં છે જે અગાઉના વર્ષમાં ક્યારેય જોવા મળ્યા નથી. ગુનામાં ક્લાસ-1ના ત્રણ અને ક્લાસ-2ના 11 ગુના સામેલ છે. વર્ષના અંતે સૌથી વધુ 50 લાખ રૂપિયાની લાંચ લેવાનો એક ગુનો આરઆર સેલના હેડ કોન્સેબલનો બન્યો છે. આણંદની એક રેસ્ટોરન્ટમાં તેઓ લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. સરકારની પ્રત્યેક ઓફિસના દ્વાર પર એવું બોર્ડ છે કે લાંચ લેવી ગુનો છે પરંતુ લાંચ આપવી પણ ગુનો છે તેવા કાયદાનો જ્યારે પ્રારંભ થશે ત્યારે દૂષણમાં નિયંત્રણ આવી જશે.

અમેરિકા જવું હોય તો બે પ્રશ્નો સામે આવશે...

વિશ્વના દેશોમાં કોરોના સંક્રમણના કારણે પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે પરંતુ સૌથી વધુ કોરોના કેસ છે તેવા અમેરિકામાં જવા માટે ગુજરાતીઓ કપરાં સમયમાં પણ ઉત્સુક બન્યાં છે. ફરવા માટે વિઝીટર વિઝા ધરાવતા નાગરિકો અમેરિકા તો જાય છે પરંતુ ઇમિગ્રેશનના નિયમોનું પાલન નહીં થતાં તેમને પાછા મોકલી દેવામાં આવે છે. કોરોના સંક્રમણના સમયમાં અમેરિકામાં ફરવા જવું હિતાવહ નથી તેવી ચેતવણી છતાં જે પરિવારો જાય છે તેમને ખરાબ અનુભવ થાય છે અને અમેરિકન ઓથોરિટીના એરપોર્ટ પર ઉતરતાં પાછા મોકલી દેવામાં આવે છે. ઇમિગ્રેશન સેન્ટર પર કડક ચેકીંગ શરૂ કરવામાં આવેલું છે. જે લોકો વિઝીટર વિઝા પર અમેરિકા જવા માગતા હોય તેમણે અમેરિકન એમ્બેસીમાં એક ઇમેઇલ કરવાનો હોય છે જેમાં ક્યા કારણથી આવી રહ્યાં છો અને ક્યારે પાછા ફરશો... તે બન્ને પ્રશ્નના જવાબ આપીને રિટર્ન ટિકીટ બતાવવાની હોય છે. ઇમેઇલની પ્રિન્ટ કોપી ભારતમાંથી અમેરિકા જનારા નાગરિકોએ અમેરિકન ઇમિગ્રેશન અધિકારીને બતાવવી ફરજીયાત છે. નિયમથી અજાણ નાગરિકોને પાછા મોકલી દેવામાં આવે છે. સમય ફરવાનો નથી તેવું ગુજરાતી નાગરિકોએ સમજી લેવાની જરૂર છે, નહીં તો કારણ વિના પરેશાની ભોગવવી પડી શકે છે.

વિસરાયેલી ફાઉન્ટન પેનની આત્મકથા...

હું ફાઉન્ટન પેન છું...

આજની નવી પેઢી કદાચ મને નહીં ઓળખે,

આમ તો અનાદિકાળથી મારું અસ્તિત્વ છે.

મારા સૂર્યમંડળમાં નવ ગ્રહો છે

નીબ, સેકશન, ફીડ, બેરલ, કેપ, કાર્ટ્રીજ, કન્વર્ટર, કલેકટર.

અને ધબકતી પૃથ્વી જેવો મારો આત્મા, એટલે મારી શાહી,

મારા શાહી ઠાઠ-માઠની જનેતા શાહી છે

મે કેટલીય ક્રાંતિ જોઈ છે. રાજ તારાજ થતાં જોયાં છે,

તખ્ત પલટતાં જોયા છે, તો દિલ ધડકતાં પણ જોયા છે

મારી નીબ મારી જબાન છે, મારી બેરલ મારી ઉર્જા છે,

મારી શાહી મારું બયાન છે...

ગુજરાતના વહીવટની ચડતી-પડતી મેં જોઈ છે.

હિતેન્દ્ર દેસાઇ, બાબુભાઇ પટેલ, માધવસિંહ સોલંકી

બધા મને લાડથી રાખતાં.

જેમ હું તમોને ગમતી, એમ નમોને ગમતી...

હા, હું બહું વગદારછું.

સીએમ થી લઇ પીએમ ની કોટીના પોકેટ સુધીની હું પહોંચ ધરાવું છું.

ઉચ્ચ અધિકારીઓના ડેસ્ક ઉપર હું વટથી બીરાજમાન છું.

વકીલોની બ્રીફકેસમાં હજુ મે મારું સ્થાન છે.

ન્યાયાધીશ અણગમતો ચુકાદો આપે, તો મારી નીબ મરડી નાખીને...

તેમની વેદના વ્યકત કરતાં પણ મે જોયા છે...

--- અને ચુકાદાની સંવેદનાય મે અનુભવી છે.

હું આજે તમારી સામે અડીખમ ઊભી છું. હું ફાઉન્ટન પેન છું.

જો મારી શાહી ભીની હશે તો કોઈક મારા હસ્તાક્ષર મીટાવી શકશે,

પણ મારી હસ્તી મીટાવવાની કોઈની તાકાત નથી...

~ રિનીશ ભટ્ટ, કર્મયોગી

સ્થાનિક ચૂંટણીમાં માત્ર બે પાર્ટી નહીં હોય...

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીઓમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ 10થી વધુ પાર્ટીઓ વચ્ચે સ્પર્ધા હશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક ચૂંટણી થવાની છે. ચૂંટણીમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, પ્રજાશક્તિ અને અન્ય મળીને કુલ 20 પાર્ટીઓના ઉમેદવારો મેદાનમાં ઝૂકાવશે. રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને 51 નગરપાલિકાની ચૂંટણી થવાની છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:27 am IST)