વિવિધ વિભાગ
News of Tuesday, 25th June 2019

આઝાદીની લડત વખતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ઐતિહાસિક સાબરમતી જેલની જે ખોલીમાં રખાયા હતા, ત્યાં 'જેલ સ્મૃતિ કુટિર'ની સ્થાપના

રાજયના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી,ગુજરાત રાજયના જેલ અને સુધારાત્મક વહીવટના પોલીસ મહાનિર્દેશક મોહન ઝા (આઈપીએસ)ની વિશેષ ઉપસ્થિતિ. કેદીઓની મોટી સંખ્યામાં હાજરી. ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી.

આઝાદીની લડત વખતે ૨૯ એપ્રિલ ૧૯૩૦ થી૮ માર્ચ ૧૯૩૧ દરમિયાન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને અમદાવાદ સ્થિત ઐતિહાસિક સાબરમતી જેલ (હાલ અમદાવાદ મધ્યસ્થ જેલ)માં રખાયા હતા. ફાંસીખાના અને ફાંસી-તુરંગની પડોશમાં આવેલી ખોલી ત્યારે તેમનું નિવાસ બની હતી. જેલમાં એમના સાથીઓ હતા. સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર વ્યાસ મહારાજ, અબ્બાસ અલી તૈયબજી, મહાદેવભાઈ દેસાઈ, દેવદાસ ગાંધી અને બીજા મહાનુભાવો. જેલવાસ દરમિયાન કોઈનો લાડકવાયો, સૂના સમદરની પાળે, અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં જેવાં અમર ગીતોની રચના કરી હતી. જેલવાસના અનુભવો પર આધારિત પુસ્તક જેલ ઓફિસની બારી જેલમુકિત બાદ, ૧૯૩૪માં પ્રગટ થયું હતું. આની સ્મૃતિમાં ઝવેરચંદ મેઘાણીને સાબરમતી જેલના સરદાર યાર્ડમાં આવેલ જે ૧૦ -૧૦ ફૂટ ખોલીમાં રખાયા હતા ત્યાં 'જેલ સ્મૃતિ કુટિર'ની સ્થાપના ગુજરાત રાજયના જેલ પ્રશાસન અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થઈ છે. ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્તાક્ષર કોતરેલી ગ્રેનાઈટની કલાત્મક તકતી તેમજ ઝવેરચંદ મેઘાણીની દુર્લભ તસ્વીરો અને ઈતિહાસને આલેખતું રસપ્રદ-માહિતીસભર પ્રદર્શન અહિ મૂકાયા છે. પ્રાંગણમાં આવેલ ઐતિહાસિક લીંબડો જેની નીચે બેસીને ઝવેરચંદ મેઘાણી જેલવાસ દરમિયાન લખતા-વાંચતા, ત્યાં સ્મૃતિરૂપે 'મેઘાણી-ઓટલો' સ્થાપિત કરાયો છે. બાજુમાં આવેલ ખોલીમાં જયાં ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજને રખાયા હતા તેમાં પણ સ્મૃતિ ઊભી કરાઈ છે. જેલનાં કેદીઓ મેઘાણી-સાહિત્યથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી જેલનાં પુસ્તકાલય માટે સમગ્ર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત સાહિત્ય પણ સ્વ. કુસુમબેન મેઘાણીની પુણ્યસ્મૃતિમાં ભેટ અપાયું છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઊજવણી થઈ રહી છે ત્યારે આનું સવિશેષ મહત્વ છે.  ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય' તરીકે ગૌરવ અનુભવે છે જે ખાસ ઉલ્લેખનીય છે.     

ગુજરાત રાજયના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ગુજરાત રાજયના જેલ અને સુધારાત્મક વહીવટના પોલીસ મહાનિર્દેશક મોહન ઝા (આઈપીએસ), રેલ્વેના નાયબ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર (આઈપીએસ), અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક એમ. કે. નાયક (આઈપીએસ) અને નાયબ અધિક્ષક પી. બી. સાપરાની વિશેષ ઉપસ્થિત રહી. જેલનાં કેદીઓની પણ મોટી સંખ્યામાં હાજરી રહી. લાગણીથી પ્રેરાઈને આવેલા વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી. અહિ ઉપસ્થિત કેદીઓને સમૂહ-ગાન પણ કરાવ્યું હતું. સાબરમતી જેલમાં અગાઉ સ્થાપિત થયેલ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને લોકમાન્ય તિલકના સ્મૃતિ સ્થળોની ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત લઈને ભાવાંજલિ અર્પણ કરી હતી. જેલના તમામ વિભાગોની પણ ગૃહ મંત્રીએ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી તથા કેદીનાં લાભાર્થે ચાલતી વિવિધ પ્રવૃત્ત્િ।ઓને નિહાળીને રાજીપો વ્યકત કર્યો હતો.  ગુજરાત રાજયના જેલ અને સુધારાત્મક વહીવટના પોલીસ મહાનિર્દેશક મોહન ઝા (આઈપીએસ), મધ્યસ્થ જેલના અધિક્ષક એમ. કે. નાયક (આઈપીએસ), નાયબ અધિક્ષક પી. બી. સાપરા અને સાથીઓનો લાગણીભર્યો સહયોગ રહ્યો હતો. તકતી અને ચિત્ર પ્રદર્શનની પરિકલ્પના પિનાકી મેઘાણીની છે. ફિટીંગ મિસ્ત્રી વાલજીભાઈ પિત્રોડા – વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) તથા તકતીનું નિર્માણ ધર્મેન્દ્ર શર્મા – ગીતા મૂર્તિ ભંડાર (અમદાવાદ) દ્વારા થયું છે.

 આલેખન 

પિનાકી નાનકભાઈ મેઘાણી,

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:26 pm IST)