વિવિધ વિભાગ
News of Tuesday, 27th July 2021

કેન્દ્રના મંત્રાલયોમાં ૧૦ લાખ સાથે દેશભરમાં સરકારી ઓફિસોમાં ૬૦ લાખ જગ્યાઓ ખાલી

બ્યુરોક્રેસી માટે ગુજરાતમાં જે ચીમનભાઇ પટેલે કર્યું હતું તેવું પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે કર્યું છે : ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ જિલ્લા વહીવટી : તંત્રના વડા તરીકે પ્રમોટી IAS ઓફિસર નિમાયા છે : બાબુ થી નેતા બનેલા એકે શર્મા હવે ઉત્ત્।રપ્રદેશના જિલ્લા ફરીને ભાજપના કાર્યકરોને શિક્ષણ આપે છે

દેશમાં પ્રતિવર્ષ બેરોજગાર યુવાનો વધતા જાય છે અને તેમને સરકારી નોકરી નસીબ નથી ત્યારે તાજેતરમાં બહાર આવેલા એક સર્વેક્ષણમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. એવું કહેવાય છે કે સરકારને પણ મોંઘવારી નડી રહી છે, કારણ કે સરકારી કચેરીઓમાં નિવૃત્ત્િ।ની સામે નવી ભરતીનો ગુણોત્ત્।ર જળવાઇ શકતો નથી. સર્વેમાં સામે આવેલી હકીકત પ્રમાણે કેન્દ્ર અને રાજય સરકારોના વિભિન્ન વિભાગોમાં ૬૦ લાખથી વધુ પદ ખાલી પડ્યાં છે જે પૈકી ૧૦ લાખ પદ માત્ર કેન્દ્ર સરકારના વિભાગોમાં ખાલી છે. કોરોના સંક્રમણના સમયમાં ચોંકાવનારી બાબત એવી છે કે દેશના હેલ્થ સેકટરમાં ૧.૬૮ લાખ જગ્યાઓ ખાલી પડી છે. અખિલ ભારતીય રાજય સરકાર કર્મચારી મહાસંઘના આંકડા પ્રમાણે વિભિન્ન રાજય સરકારોમાં ખાલી પડેલી જગ્યાનો આંકડો ૩૦ લાખથી પણ વધી ચૂકયો છે. સર્વે પ્રમાણે દેશભરમાં સરકારી ઓફિસોમાં ખાલી જગ્યાની સંખ્યા ૬૦૮૨૧૩૦ છે. આજે દેશમાં બેકારીની સમસ્યા તેની ચરમસિમા પર છે ત્યારે આટલી મોટી સંખ્યામાં ખાલી જગ્યા હોવી એ નિરાશાજનક ચિત્ર છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં છેલ્લી સ્થિતિ પ્રમાણે ૩૯.૯૯ લાખ પૈકી ૯.૧૦ લાખ પદ ખાલી છે. ઓલ ઇન્ડિયા બેન્ક એપ્લોઇઝ એસોસિયેશનના મહાસચિવ સીએચ વૈંકટચલમ કહે છે કે બેન્કોમાં બે લાખ કરતાં વધુ જગ્યાઓ ખાલી પડી છે જેના કારણે હયાત કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જતું હોવાથી કાર્યક્ષમતામાં ઘટાડો થયો છે. મોટાભાગના કર્મચારીઓ ફ્રસ્ટ્રેશન, સ્ટ્રેસ અને મેન્ટલી પ્રેશરનો સામનો કરી રહ્યાં છે. સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાત સરકારના વિવિધ વિભાગો તેમજ જિલ્લા વહીવટી તંત્રમાં કર્મચારીઓની નિવૃત્ત્િ।ના કારણે પ્રતિવર્ષ ૧૬૦૦૦ થી ૧૮૦૦૦ જેટલી જગ્યા ખાલી પડે છે. આજે ખાલી જગ્યાનો આંકડો ૫૦ હજારને પાર થઇ રહ્યો છે, બીજી તરફ રાજયમાં ૩૧૩ આઇએએસ પૈકી ૭૧ અને ૨૦૮ આઇપીએસ પૈકી ૫૦ જગ્યા ખાલી પડી છે.

એક મુખ્યમંત્રી આવા પણ છે જે ધમકી આપી શકે છે

દેશના રાજયોમાં શાસન કરતા મુખ્યમંત્રી પૈકી એવાં પણ છે કે જેઓ અધિકારીઓને આદેશની અવહેલના બદલ ધમકી પણ આપી શકે છે. ભૂતકાળમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલે આદેશનું પાલન નહીં કરતા એક સિનિયર અધિકારીએ કહી દીધું હતું કે તમારે આ વિભાગમાં રહેવું હોય તો મારા આદેશનું પાલન કરવું પડશે અન્યથા આ વિભાગ માટે બીજા ઓફિસરો લાઇનમાં ઉભા છે. અન્ય એક કિસ્સામાં  એક અધિકારીએ ચીમનભાઇને કહી દીધું હતું કે સાહેબ, આપ જે કામ કરવાનું કહો છો તેનો કોઇ જીઆર નથી ત્યારે ચીમનભાઇએ વળતા પ્રહારમાં કહ્યું હતું કે — ચીમન પટેલ બોલે એ જીઆર... તમારે આ કામ કરવું જ પડશે. અત્યારે આવા મુખ્યમંત્રી પંજાબને મળ્યા છે. કેપ્ટન અમરિંદરસિંહે તાજેતરમાં જ એક સિનિયર આઇપીએસ ઓફિસર હરપ્રીતસિંહને પાઠ ભણાવ્યો છે. આ ઓફિસરની નિયુકિત એટીએફના ચીફ તરીકે કરવામાં આવી હતી પરંતુ આ નિયુકિતમાં વિવાદ ઉભો થતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જો ઓફિસર ખુશ નથી તો તે રાજય છોડીને ડેપ્યુટેશન પર કેન્દ્રમાં જઇ શકે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજયમાં જનહિતમાં કરવામાં આવતી બદલીઓ એ મુખ્યમંત્રીના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને તમામે તેનું પાલન કરવાનું રહેશે. મારા આદેશનું ઉલ્લંઘન થવું ન જોઇએ.

જે કામ ગુજરાતે કર્યું તે કામ હવે રાજસ્થાન કરે છે

ગુજરાતમાં જયારે નરેન્દ્ર મોદીનું શાસન હતું ત્યારે તેમણે ધીમે ધીમે જીએએસ કેડરના ઓફિસરોને જિલ્લા વહીવટી તંત્રમાં નિયુકિત આપવાનું શરૂ કર્યું હતું જેઓ આજે મોટાભાગના જિલ્લાઓમાં વહીવટ ધરાવે છે. તેમનો આશય એવો હતો કે જિલ્લામાં ભારતીય વહીવટી સેવાના અધિકારીઓ હશે તો તેમને કામ સમજવામાં મુશ્કેલી પડશે. આમ પણ જિલ્લા વહીવટી તંત્રમાં કે જે કામગીરી થાય છે તે સીધી સ્થાનિક જનતાને અસર કરે છે. સ્થાનિક ઓફિસર લોકોના પ્રશ્નો સરળતાથી સમજી શકે છે તેથી આ બદલાવ જરૂરી છે. ગુજરાતની બ્યુરોક્રેસીમાં આ બદલાવ પછી તામિલનાડુ અને હવે રાજસ્થાન સરકારે પણ આ પ્રયોગ શરૂ કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજયના ૩૩ જિલ્લા પૈકી ૧૫ જિલ્લાનની કમાન પ્રમોટી આઇએએસ ઓફિસરોને સોંપી દીધી છે. ગુજરાત વહીવટી સેવા (જીએએસ) ની જેમ રાજસ્થાનમાં પણ આરએએસ કેડર છે. આ કેડરમાં પ્રમોશન મેળવીને આઇએએસ થયેલા અધિકારીઓને હવે જિલ્લા કલેકટરની પોસ્ટ પર મૂકવામાં આવી રહ્યાં છે. જો કે ગુજરાતમાં આ બદલાવ ૧૯૯૫માં આવ્યો હતો કે જયારે કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા પરંતુ તે સમયે ગણતરીના ઓફિસરોને જિલ્લાની કમાન સોંપવામાં આવી હતી. આજે ગુજરાતના જિલ્લા કલેકટરના પદપર મોટાભાગના ગુજારાતી ઓફિસરોનો દબદબો જોવા મળે છે.

એકે શર્મા ભાજપના કાર્યકરોને એકસપર્ટ એડવાઇઝ આપે છે

અરવિંદકુમાર શર્મા એટલે કે એકે શર્મા કે જેઓ ગુજરાતમાં અને દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂકયાં છે તેમને હવે ઉત્ત્।રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ હોવાથી તેમની પાસે ભાજપના કાર્યકરોને પાઠ ભણાવવાનું કામ આવ્યું છે. હાલ તેઓ વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરીને ભાજપના કાર્યકરોને એકસપર્ટ એડવાઇઝ આપી રહ્યાં છે. ૧૯૮૮ બેચના ગુજરાત કેડરના આ નિવૃત્ત્। અધિકારી બાબુ મટી પોલિટીશ્યન બની ચૂકયાં છે. સરકારી નોકરી છોડી તેમણે ઉત્ત્।રપ્રદેશના રાજકારણમાં એન્ટ્રી લીધી છે. તેમણે મોદી સાથે ૨૦ વર્ષ સુધી કામ કર્યું છે. એકે શર્માની એમએલસીની નિયુકિત સામે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાંઘો લીધો હતો અને તેમને કેબિનેટમાં સ્થાન આપવાનો સ્પષ્ટ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. આ અવગણના પછી ભાજપના હાઇકમાન્ડે તેમને સંગઠનમાં મહત્વનું પદ આપ્યું છે અને હવે તેમને રાજયના વિવિધ જિલ્લાઓમાં પરિભ્રમણ કરવાનું કહ્યું છે. ગુજરાતમાં જયારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે ૨૦૦૧માં એકે શર્મા ચીફ મિનિસ્ટર કાર્યાલયમાં જોડાયા હતા. મોદી જયારે વડાપ્રધાન બન્યા ત્યારે એકે શર્મા ૨૦૧૪માં પ્રાઇમ મિનિસ્ટર કાર્યાલયમાં જોડાયા હતા. તેમનું મૂળ વતન ઉત્ત્।રપ્રદેશ છે અને તેઓ ભૂમિહાર સમાજમાંથી આવે છે અને આ સમાજનું પૂર્વાંચલ વિસ્તારમાં પ્રભુત્વ છે. ૧૯૮૮માં તેમની પસંદગી આઇએએસમાં થયા પછી તેમને ગુજરાત કેડરમાં મૂકવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ચર્ચામાં ખૂબ ઓછા રહેતા એકે શર્મા વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટમાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂકયાં છે.

માર્ગના ઠેકાણાં નહીં છતાં ટોલટેકસની ઉઘરાણી

ગાંધીનગર થી હિંમતનગરના નેશનલ હાઇવે અત્યંત ભંગાર હાલતમાં છે અને અનેક ડાયવર્ઝનથી તે ભયજનક બન્યો છે છતાં વાહનચાલકો પાસેથી નિયમથી વિપરિત ટોલટેકસ ઉઘરાવવામાં આવે છે. આ નેશનલ હાઇવેનું રિનોવેશન ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે પરંતુ હંમેશા અધુરૃં રહેવા પામ્યું છે. આ માર્ગ ઉપરાંત હિંમતનગરથી શામળાજી જતા હાઇવેની પણ આવી જ હાલત છે છતાં ટોલટેકસ વસૂલ કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજય સરકારના માર્ગ સલામતિના કાયદા આ હાઇવે પર લાગુ કરવામાં આવતા નહીં હોવાથી ઘણીવાર વાહનચાલકો અને ટોલટેકસ ઉઘરાવતી કંપની વચ્ચે ઘર્ષણના બનાવો પણ બની રહ્યાં છે. પોતાની પ્રાઇવેટ કારમાં ગાંધીનગરથી શામળાજી જવું હોય તો બે ટોલટેકસ પર વાહનચાલકને ૧૩૫ રૂપિયાનો ટોલટેકસ ચૂકવવો પડે છે. જો ફાસ્ટટેગથી ટેકસ વસૂલ નહીં થાય તો વાહનચાલક પાસેથી બમણો એટલે કે ૨૭૦ રૂપિયાનો ટેકસ વસૂલ કરવામાં આવે છે. રાજયના માર્ગ-મકાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે જે ટોલરોડ પર મોટાપાયે મરામત થઇ રહી હોય ત્યારે તે સમય દરમ્યાન ટોલટેકસ લેવાનું મુલતવી રાખવું જોઇએ, કેમ કે વાહનચાલકને વિધ્ન વિના સુવિધા મળે તો જ તે ટોલટેકસ ભરવાને હક્કદાર છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(11:44 am IST)