વિવિધ વિભાગ
News of Saturday, 19th December 2020

હિસાબી ચોપડાઓની જંજટ વગર

વ્યાવસાયિક - પ્રોફેશન વ્યકિતઓ અંદાજીત આવકથી ઇન્કમટેક્ષ રીટર્ન ભરી શકે છે

સામાન્ય રીતે વ્યાવસાયિક આવક મેળવતા પ્રોફેશન વ્યકિતઓ જેવા કે વકીલ, આર્કીટેક, વેલ્યુઅર ડોકટરો, ઇન્ટીરિયર ડેકોરેશન, ચાર્ટડ એકાઉન્ટન્ટ, બ્યુટી પાર્લર, એકાઉન્ટન્ટો, કંપની સેક્રેટરીઓ, એકટર, સીંગર, સ્ટોરી રાઇટર તેમજ અન્ય વ્યાવસાયિક વ્યકિતઓ કે જેઓ પોતાની સ્વ.આવડતથી આવક કમાતા હોય તેઓને નીયમીત હિસાબી ચોપડાઓ રાખવાની મેતાજી પાસે ચોપડાઓ લખવાની પળોજણ ગમતી નથી તેમજ હિસાબી ચોપડાઓ લખવા માટે આવક તથા ખર્ચના પુરાવાઓ સાચવી શકતા નથી તેઓ માટે આવકવેરા દ્વારા ખાસ કલમ ૪૪એ તથા ૪૪એ.ડી. હેઠળ અંદાજીત આવક ખૂબ જ સરળ રીતે ગણત્રી કરી ઇન્કમટેક્ષ રીટર્નનું ફોર્મ 'સુગમ' ભરી શકે છે. જે તદ્દન સહેલુ, સરળ તથા કાયદેસર છે. તેમજ સામાન્ય રીતે તેમાં કોઇપણ નોટીસ આવતી નથી. એટલે કે સ્ક્રુટીની આવતી નથી આમ અંદાજીત આવકનાં આંકડા તેના ઇન્કમટેક્ષ વકીલ કે સીએ ને આપી રીટર્ન ભરાવી શકે છે.

આ કાયદા નીચે સામાન્ય રીતે ઉદ્ભવ થતા પ્રશ્નોત્તરી નીચે મુજબ છે.

પ્રશ્ન-૧ : ઉપરોકત પ્રોફેશનલ વ્યકિત તથા એચ.યુ.એફ. કઇ રીતે પોતાની આવક દર્શાવી શકે ? તેનો શું કાયદો છે ?

જવાબ : ગ્રોસ આવક રૂ. ૫૦,૦૦,૦૦૦ લાખ સુધીની આવક ચેક અથવા રોકડેથી થયેલ આવકના ૫૦ ટકા અંદાજીત કરને પાત્ર આવક ગણી શકે. આ ઉપરાંત તેમાંથી જો રોકાણ કરેલ હોય તો કલમ ૮૦સી નીચે રૂ. ૧,૫૦,૦૦૦ મેડીકલેઇમ પ્રીમીયમ રૂ. ૨૫૦૦૦ તથા હાઉસીંગ લોન વ્યાજ રૂ. ૨,૦૦,૦૦૦ સુધી એટલે કે કુલ રૂ. ૩,૭૫,૦૦૦ સુધી બાદ મેળવી શકે છે.  આમ કોઇ પ્રોફેશનલ કુલ વાર્ષિક આવક રૂ. ૧,૬૦,૦૦૦ દર્શાવે  તો તેના ૫૦ ટકા રૂ. ૮,૦૦,૦૦૦ આવકમાંથી ઉપરોકત બાદને પાત્ર રૂ. ૩,૭૫,૦૦૦ બાદ કરતા નેટ આવક રૂ. ૪,૨૫,૦૦૦ જે કરમુકત છે. આવી જ રીતે નાના વ્યવસાયની વાર્ષિક આવક રૂ. ૯,૫૦,૦૦૦ હોય તો તેના ૫૦ ટકા એટલે રૂ. ૪,૭૫,૦૦૦ થાય જે કરપાત્ર લીમીટ નીચે આવે. આમ અંદાજીત વાર્ષિક આવક ૯ થી ૧૦ લાખ હોય તેના ૫૦ ટકા લેખે ગણતા કરમુકત મર્યાદા રૂ. ૫,૦૦,૦૦૦ નીચે આવતા કોઇ ટેક્ષ ભરવાનો થતો નથી.

પ્રશ્ન-૨ : કોઇપણ ડોકટર કે એન્જીનિયર અન્ય વ્યવસાયીક તરીકે નોકરી કરે છે. તેનાં પગાર આવક ગણત્રી તથા ટી.ડી.એસ. માલીક કરે છે. તે ઉપરાંત તે પ્રાયવેટ પ્રેકટીશ, વ્યવસાય કરે તો તેને ૫૦ ટકાનો લાભ મળે ? 

જવાબ : નોકરીની આવક સેલેરીનાં હેડ નીચે આવશે. જ્યારે પ્રાયવેટ પ્રેકટીશમાં થતી આવકમાં અંદાજીત આવકનાં ૫૦ ટકા સુધી બીઝનેસ - પ્રોફેશનલ આવક તરીકે ગણત્રી કરી શકો છો.

પ્રશ્ન-૩ : હું એક બ્યુટી પાર્લર છું. મને હીસાબ - કિતાબ ફાવતા નથી. પણ મારી અંદાજીત આવક વર્ષે રૂ. ૧૩,૦૦,૦૦૦ થાય છે. તે ઉપરાંત હું પીપીએફમાં રૂ. ૧,૫૦,૦૦૦ તથા મેડીકલ વિમા પ્રીમીયમ રૂ. ૨૫૦૦૦ ભરૂ છે.

જવાબ : અંદાજીત આવકના ૫૦ ટકા એટલે કે રૂ. ૬,૦૦,૦૦૦માંથી રૂ. ૧,૭૫,૦૦૦ બાદ કરતા નેટ આવક રૂ. ૪,૨૫,૦૦૦ થશે જે કરમુકતી મર્યાદામાં છે.

પ્રશ્ન-૪ : હું એક મેડીકલ પ્રેકટીશનર છું. મારી આવક રૂ. ૨૫,૦૦,૦૦૦ છે. હું પીપીએફમાં રૂ. ૧,૫૦,૦૦૦ માતા-પિતાના તથા અમારા ફેમીલી મેડીકલ વિમા પ્રીમીયમ રૂ. ૫,૦૦,૦૦૦ હાઉસીંગ લોન વ્યાજના રૂ. ૨,૦૦,૦૦૦ ચુકવું છું. તે મારી કરપાત્ર આવક કેટલી થશે ?

જવાબ : ગ્રોસ આવક રૂ. ૨૫,૦૦,૦૦૦નાં ૫૦ ટકા લેખે રૂ. ૧૨,૫૦,૦૦૦માંથી તમે જણાવેલ તમામ રોકાણ - ખર્ચનો સરવાળો ૬,૫૦,૦૦૦ બાદ કરતા કરને પાત્ર આવક રૂ. ૬,૦૦,૦૦૦ થશે.

આમ, ઉપરોકત જણાવેલ તમામ વ્યવસાયિક - પ્રોફેશનલ વ્યકિતઓએ પોતાની અંદાજીત આવકનાં ૫૦ ટકા લેખે ગણત્રી કરી કોઇપણ હિસાબી ચોપડાની જંજટ વિના આવક રીટર્ન ભરવાથી પોતાની ભવિષ્યમાં રોકાણ કે લોન લેવામાં સરળતા રહેશે તે સલાહ ભર્યું છે.

વધુ માહિતી તથા સ્પષ્ટતા અંગે રૂબરૂ સંપર્ક સાધશો.

નીતીન કામદાર

ચાર્ટડ એકાઉન્ટન્ટ

કહાનનગર એપાર્ટમેન્ટ,

૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

info@nitinkamdar.com

www@nitinkamdar.com

(2:09 pm IST)