વિવિધ વિભાગ
News of Saturday, 4th September 2021

શ્રાવણ સત્સંગ

પરમાત્માના માર્ગે આગળ વધો....!

માનવીને કર્મ પ્રમાણે જ ભોગવટો ભોગવવાનો હોય છે. વિશ્વના તમામ ધર્મો એમ કહે છે કે, કર્મનું ફળ તો ભોગવવું જ પડે. આ માટે કર્મો ને માત્ર તમારા પોતાના સત્યના આધારે જ કરો, એ જ સર્વોત્તમ માર્ગ છે. અને જીવનમાં જેવું બનવું હોય તેવા જરૂર બનો. જીવનમાં નકકી કરીને ચાલો  એ જ સત્ય ધર્મ છે. આટલું જ જીવનમાં પરમ આનંદથી જીવશો. અને મોક્ષ તમને ગોતતું આવશે.

ભગવાન બુધ્ધે કહ્યું છે કે, દુઃખો માંથી કાયમી મુકત થવા સત્ય માર્ગને જાણીને આષ્ટાંગ માર્ગ ને અનુસરો અને તૃષ્ણા ત્યાગો આપ આંતર શુધ્ધિ દ્વારા જ મૂકિત મેળવીને નિર્વાણ પ્રાપ્ત કરો.

આમ બુધ્ધ પણ સ્વની તેમજ આત્માને શાશ્વત તત્વ તરીકે સ્વીકારતા નથી. એક વિજ્ઞાન પ્રવાહ જ માને છે. આમ તે આત્મા જ છે.

સુખ, દુઃખ, લાભ - હાની, અનુકુળ પ્રતિકુળ પરિસ્થિતિ કે ઘટના બને તો તેમાં રાગદ્વેષ રહીત બની સંતુષ્ઠ રહેવું. પ્રસન્ન રહેવું આપણી દિનચર્યા પ્રમાણે અધ્યાત્મ સુખ માટે આ આયોજન જરૂરી છે.

માનવ મનમાં આપણે સૌ એ આનંદમાં રહેતા શીખવુ જોઇએ. શકય હોય ત્યાં સુધી કોઇને તકલીફ આપવી નહી તૃષ્ણાથી વધુ કોઇ વ્યાધિ નથી દયાથી  ઉપર કોઇ ધર્મ નથી અને શાંતિ સમાન કોઇ તપ નથી સંતોષથી ઉપર કોઇ સુખ નથી.

દરેક માર્ગની પોતાની મંઝીલ હોય છે. અને તે કયાંક જઇને અટકે છે. જીવન એક મુસાફરી સમાન છે. આપણે જયારે નીકળીએ ત્યારે ૪ માર્ગ મળે પ્રથમ માર્ગ દુઃખ તરફનો બીજો સુખનો ત્રીજાની મંઝીલ આત્મા સુધી જયારે ચોથો પરમાત્મા સુધી પહોંચે છે.

પરંતુ મોટા ભાગના લોકો આજીવન જાણી શકતા નથી માટે જ જીવનમાં જે માર્ગે ચાલતા હો, પણ સાચો માર્ગ પસંદ કરી લો.

દરરોજ સવારે આપણે એક ચાર રસ્તા પર ઉભા હોઇ એ અને નકકી કરવાનું હોય કે આપણો રસ્તો કયાં છે. મંઝીલ કઇ હશે. દરેક માર્ગ પર થોડી ઘણી કમાણી થઇ જશે.

દુઃખના માર્ગની કમાણીનું નામ નર્ક છે. સુખના માર્ગ માર્ગની કમાણીનું નામ સ્વર્ગ છે. જયારે આત્માના માર્ગે જે કમાણી થાય તે આનંદ છે.

પરમાત્માના માર્ગે જે મંઝીલ પર આગળ વધીએ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા એટલે દરરોજ સવારે જાગીને પછી ચાર માર્ગ પરથી કયા માર્ગે જવાનું છે. તે નકકી કરવાની જરૂર નથી. પરમ કૃપાળુ પરમાત્માના નામે જ આગળ વધો.

પરમકૃપાળુ પરમાત્મા આપણા સૌમાં છે

પરમ કૃપાળુ પરમાત્મા આપણા સૌમાં વસેલા છે આપણે તેનો ઉપયોગ કરી સંપૂર્ણ લાભ કઇ રીતે લઇ શકીએ તે આપણા પર આધારિત છે.

ઇશ્વરને સમજવાનો તેમને જીવન સાથે જોડવાનો મોટો ફાયદો એ છે કે ભકત નિર્ભય બની જીવનની દરેક પરિસ્થિતિ સામે લડવા તૈયાર થઇ જાય છે.

વિભિષણ જે રાવણ સામે નજર મીલાવી શકતા નહોતા  તે જ વિભિષણ જયારે શ્રી રામચંદ્રજી સાથેજોડાયા પછી એ જ રાવણ સાથે લડયા.

ભગવાન મહાદેવે તેમના પત્ની પાર્વતીને કહ્યું હતું કે, હે ! ઉમા શું વિભિષણ કયારેય રાવણની સામે આંખ ઉંચીકરી શકતા નહોતા  પણ રામચંદ્રજીનો પ્રભાવ જુઓ કે તેમના શરણમાં ગયા પછી વિભિષણ હવે તેની સામે કાળ બની લડી રહ્યા છે.

ઇશ્વરની કૃપા તેના પ્રભાવથી ભકતને લડવાની શકિત તો મળે જ છે તેમ છતાં કેટલીવાર કુકર્મો સાથે લડતા લડતા ભકત થાકી પણ જાય વિભિષણે રાવણ સાથે ઘણી લડાઇ કરી પરંતુ રાવણથી મોટો કોઇ દુર્ગુણી હોઇ શકે ખરો !

અંતે લડતાં લડતાં કંટાળી હનુમાનજી તરફ જોયુ, પરંતુ હનુમાનજી તો સંકટ મોચક જેવી એમની દ્રષ્ટિ વિભિષણ પર પડી, વિભિષણને થાકેલા જોઇ હનુમાનજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પર્વત ઉઠાવી દોડી ગયા.

રાવણના રથ ઘોડા અને સારથીનો નિકાલ કયાં પણ તેની છાતી પર જોરથી લાત મારી દુશાશન ઉભા તો રહ્યા પરંતુ હનુમાનજીના પ્રહારથી તેનુ આખુ શરીર કંપવા લાગ્યું.

ઇશ્વર સાથેનું જોડાણ તેનામાં વિશ્વાસ આપણને દરેક સંકટમાંથી બચાવી શકે એક વાર આપણે આપણી ભીતરમાં વસેલા પરમાત્માને ઓળખી લઇએ તેને ઉજાગર કરી લઇએ.

પરમકૃપાળુ પરમાત્મા આપણા સૌમાં સમાન રીતે વસેલ છે તેનો ઉપયોગ કરી પુર્ણ લાભ લઇએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:16 am IST)