વિવિધ વિભાગ
News of Monday, 22nd March 2021

સરકારી મહેમાન

'નીર છે તો નૂર છે બાકી દુનિયા ધૂળ છે' : ૧૫ વર્ષમાં ૩૦ ટકા જળ સમાપ્ત થઇ જશે

ભારત અને ગુજરાતમાં ૧૦ પૈકી બે વ્યકિતને પીવા માટે સ્વચ્છ પાણી મળી શકતું નથી : પૃથ્વીની સપાટીના ૭૧ ટકા ભાગ પર પાણી છે પરંતુ તેનો ૯૭.૨ ટકા હિસ્સો સમુદ્રમાં છે : ગુજરાતમાં બોરવેલ અનિયંત્રિત પરંતુ નર્મદાજળ ૫૦ ટકા વિસ્તારની તરસ છીપાવે છે

'વેલ્યુઇંગ વોટર' એટલે કે 'મૂલ્યવાન પાણી'એ વિશ્વ જળ દિવસ ૨૦૨૧ની થીમ છે. આ દિવસે પાણી બચાવવાના સંકલ્પ લેવાય છે પરંતુ બીજા દિવસથી જ સંકલ્પ તોડવામાં આવે છે. પૃથ્વી પરના પાણીને માનવીએ દૂષિત કરી નાંખ્યું છે. જળ સ્ત્રોત સમાપ્ત કરી દીધા છે. 'કુદરત પાસેથી લેવામાં આવ્યું છે પરંતુ પાછું આપવામાં આવ્યું નથી પરિણામે જળસંકટનો સામનો કરવો પડી રહ્યો છે.' વિશ્વમા દોઢ અબજ લોકો એવાં છે કે જેમને પીવા માટે શુદ્ઘ પાણી મળતું નથી. ભારતની ધરતી પર ભૂગર્ભ જળમાં ફલોરાઇડ, નાઇટ્રેટ, આસ્રેનિક, લેડ જેવા ઝેરી તત્વો અને ઉદ્યોગોનું કેમિકલયુકત પ્રદૂષણ ભળતું જાય છે તેથી તે પાણી પીવા લાયક રહ્યું નથી. સરફેસ વોટર બઘી જગ્યાએ ઉપલબ્ધ નથી. મોટા શહેરોમાં લીકેજના કારણે ૧૭ થી ૪૪ ટકા પાણી વેડફાઇ જાય છે. દેશ અને ગુજરાતમાં ૧૦ પૈકી બે વ્યકિતને શુદ્ઘ પાણી મળતું નથી. મનુષ્યને પ્રતિદિન ત્રણ લીટર અને પશુને ૫૦ લીટર પાણીની જરૂરિયાત પડે છે. ૧૯૯૩માં સંયુકત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ ૨૨મી માર્ચના દિવસને વિશ્વ જળદિન તરીકે ઘોષિત કર્યો હતો ત્યારપછી દર વર્ષે જળદિનની ઉજવણી કરવામાં આવે છે પરંતુ બીજા દિવસથી જ પાણીનો વેડફાટ શરૂ થઇ જાય છે. આ દિવસની ગંભીરતા વર્તમાન સરકાર અને લોકો સમજી શકતા નથી.

પાણીમાં ઓકિસજન અને હાઇડ્રોજન પરમાણું છે

પાણી એ એક રાસાયણિક પદાર્થ છે જેની રાસાયણિક સંજ્ઞા એચટુઓ છે. પાણીના એક અણુમાં ઓકિસજન અને બે હાઇડ્રોજન પરમાણું હોય છે જે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. પ્રકૃતિમાં પાણી અનેક અવસ્થામાં મળી આવે છે. આકાશમાં પાણી વરાળ અને વાદળાં સ્વરૂપે, દરિયાના પાણી, ધ્રુવીય સમુદ્રમાં હિમશિલા સ્વરૂપે, પર્વત પર હિમનદી અને નદી સ્વરૂપે, ધરતી પર વિવિધ જળ સ્ત્રોત અને ભૂગર્ભમાં જળ સ્વરૂપે મળે છે. પાણી એ સ્વાદ અને ગંધરહિત છે તથા તાપમાન અને દબાણની પ્રમાણભૂત સ્થિતિમાં પ્રવાહી છે. પાણી પારદર્શક છે તેથી સૂર્યપ્રકાશ પસાર થઇ શકે છે. વિશ્વના મોટાભાગના પાણીનું નિર્માણ સ્ટાર (તારા) નિર્માણની ઉપપેદાશ તરીકે થયું છે. જયારે કોઇ સ્ટાર જન્મે છે ત્યારે વાયુ અને રજકણોની એક મહા લહેર બહાર તરફ ફેંકાય છે, જયારે આ બહાર તરફ ફેંકાતો પદાર્થોનો જથ્થો છેવટે વાયુ સાથે અથડાય છે જેમાંથી પેદા થતી આઘાતી તરંગો વાયુ પર દબાણ આપે છે અને વાયુ ગરમ થઇ જાય છે. ગરમ અને ગાઢા વાયુમાં પાણી ઝડપથી બને છે. વૈજ્ઞાનિકોને તો તારાઓની વચ્ચેના વાદળમાં પણ પાણી મળી આવ્યું છે. પૃથ્વીની સપાટીના ૭૧ ટકા ભાગ પર પાણી છે પરંતુ તેનો ૯૭.૨ ટકા ભાગ સમુદ્રમાં સમાયેલો છે. એન્ટાર્કટિકાની હિમચાદરમાં પૃથ્વીના મીઠા પાણીનો લગભગ ૬૧ ટકા ભાગ આવેલો છે.

પીવા માટે સૌથી તંદુરસ્ત પાણી ઝરણાંનું છે

પૃથ્વીની સપાટી પર કે સપાટીની નીચે મળી આવતા પાણીના સમગ્ર જથ્થાને જળાવરણ કહે છે. પૃથ્વી પર પાણીનું કુલ કદ ૧૩૬૦૦૦૦૦૦૦ ઘન કિલોમીટર કે ૩૨૬૦૦૦૦૦૦ ઘન માઈલ છે. પ્રવાહી સ્વરૂપે પાણી સાગર, તળાવ, નદી, ઝરણા,ઘેર, સરોવર કે ખાબોચિયામાં મળી આવે છે. પાણી ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે વાતાવરણમાં મળી આવે છે. ભૂગર્ભ તળાવ સ્વરૂપે તે જમીન નીચે પણ અસ્તિત્વ ધરાવે છે. વરસાદનું કેટલુંક પાણી નિશ્યિત સમયગાળા માટે તળાવ જેવા જળાશયોમાં ભરાઇ જાય છે. શિયાળા દરમિયાન ઊંચાઇ પર અને દૂર ઉત્ત્।ર અને દક્ષિણમાં હિમવર્ષા હિમશિખરો અને હિમનદીઓમાં એકત્ર થાય છે. પાણી જમીનમાં પણ ઉતરી જાય છે અને પેટાળમાં ચાલ્યું જાય છે. આ ભૂગર્ભીય પાણી પાછળથી ઝરણા તરીકે ફુવારા કે ગરમ પાણીના ઝરા સ્વરૂપે સપાટી પર બહાર આવે છે. જમીનમાં રહેલું પાણી કૃત્રિમ રીતે કૂવાઓમાં બહાર કાઢી શકાય છે. આ પાણીના સંગ્રહસ્થાનો મહત્વપૂર્ણ છે. સૌથી સ્વચ્છ અને તંદુરસ્ત પાણી ઝાકળ પછી ઝરણાંનું હોય છે.

માનવ સભ્યતાનો વિકાસ નદી પાસે થયો છે

નદીઓ અને મોટા જળમાર્ગો આસપાસ માનવ સભ્યતાના વિકાસનો ઇતિહાસ રહ્યો છે. સભ્યતાનું પારણું ગણાતું મેસોપોટેમિયા તાઇગ્રીસ અને યુક્રેટિસ નદીની વચ્ચે આવેલું હતું. પ્રાચિન ઇજિપ્તનો સમાજ સંપૂર્ણપણે નાઇલ નદી પર નિર્ભર હતો. મોટા શહેરો જેમ કે રોટરડેમ, લંડન, મોન્ટ્રીયલ, પેરિસ, ન્યુયોર્ક, બ્યુનોસ એર્સ, શાંઘાઇ, ટોકયો, શિકાગો અને હોંગ કોંગની સફળતા જળમાર્ગ તથા તેના કારણે વ્યાપારના વિકાસને આભારી છે. સિંગાપોર જેવા સુરક્ષિત બંદરમાર્ગ ધરાવતા ટાપુનો આ કારણથી જ વિકાસ થયો છે. ઉત્ત્।ર આફ્રિકા અને મધ્ય પૂર્વ જેવા સ્થળોએ જયાં પાણીની અછત છે ત્યાં માનવ વિકાસમાં પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થાએ મહત્વની ભૂમિકા ભજવી છે. વિકાસશીલ દેશોમાં ૯૦ ટકા જેટલું ગંદુ પાણી શુદ્ઘ કર્યા વગર પાણીના પ્રવાહમાં છોડી દેવાય છે. લગભગ ૫૦ દેશ અથવા વિશ્વની કુલ વસ્તીનો ત્રીજા ભાગનો હિસ્સો પાણીનો મધ્યમ અથવા ઉચ્ચ વપરાશ કરે છે. ૧૭ દેશ તેમની કુદરતી પાણી વ્યવસ્થામાં રિચાર્જ થતા પાણી કરતા વધુ પાણી જમીનમાંથી ખેંચે છે.

કેટલું પાણી પીવું જોઇએ તેનું માપ નથી

માનવ શરીરમાં લગભગ ૫૫ ટકાથી ૭૮ ટકા હિસ્સો પાણીનો હોય છે જેનો આધાર શરીરના કદ પર રહેલો છે. યોગ્ય રીતે કામ કરવા માટે શરીરને ડિહાઇડ્રેશનથી બચવા માટે દરરોજ એકથી સાત લીટર પાણીની જરૂર પડે છે. ચોક્કસ કેટલા પાણીની જરૂર પડશે તેનો આધાર પ્રવૃત્ત્િ।, તાપમાન, ભેજ અને અન્ય કેટલાક પરિબળો પર રહેલો છે. તંદુરસ્ત વ્યકિતએ દરરોજ કેટલું પાણી પીવું જોઇએ તે વિશે હજુ સ્પષ્ટતા થઇ શકી નથી, છતાં મોટા ભાગના લોકો હાઇડ્રેશનનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવા માટે રોજના છ થી સાત ગ્લાસ પાણી પીવાની હિમાયત કરે છે. કેટલું પાણી પીવું જોઇએ તે વિશે ૧૯૪૫માં નેશનલ રિસર્ચ કાઉન્સિલના ફુડ એન્ડ ન્યુટ્રિશન બોર્ડ દ્વારા કરવામાં આવેલી ભલામણ પ્રમાણે, સાધારણ ધોરણે વ્યકિતએ દરેક કેલેરીના આહાર સામે એક મિલીલિટર પાણી પીવું જોઇએ. મોટા ભાગનો જથ્થો રાંધેલા ખોરાકમાં હોય છે.

૧૫ વર્ષમાં ૩૦ ટકા પાણીનો ઘટાડો થશે...

યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ રિસર્ચ કાઉન્સિલએ સામાન્ય ભલામણ (ખોરાકના સોર્સ સહિત)માં જણાવ્યું છે કે મહિલાએ દરરોજ સરેરાશ ૨.૭ લિટર પાણી પીવું જોઇએ જયારે પુરૂષો માટે આ પ્રમાણ ૩.૭ લિટરનું છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓએ તેમના શરીરમાંથી ઓછા થઇ રહેલા પ્રવાહીને સરભર કરવા માટે વધારે પાણી પીવું જોઇએ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસીનએ ભલામણ કરી હતી કે મહિલાએ ૨.૨ લિટર અને પુરુષે ૩.૦ લિટર પાણી પીવું જોઇએ. એ બાબતની પણ નોંધ લેવાઇ છે કે સામાન્ય રીતે ૨૦ ટકા જેટલું પાણી ખોરાકમાંથી મળતું હોય છે જયારે બાકીનું પ્રવાહી પાણીમાંથી અથવા અન્ય પીણામાંથી (ચા-કોફી સહિત) મળે છે. યુનાઇટેડ નેશન્સનો એક અહેવાલ સૂચવે છે કે દુનિયામાં પ્રત્યેક વ્યકિત માટે પુરતું પાણી ઉપલબ્ધ છે પરંતુ ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને કારણે તેની પ્રાપ્યતામાં અવરોધ ઉભો થાય છે. વર્લ્ડ વોટર એસેસમેન્ટ પ્રોગ્રામનો યુએન વોટર વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ સૂચવે છે કે આવનારા ૧૫ વર્ષમાં લોકોને ઉપલબ્ધ પાણીમાં ૩૦ ટકાનો ઘટાડો થશે.

રાજયમાં ૫૦ ટકા લોકો નર્મદાનું પાણી પીવે છે

એક સમય હતો જયારે ગુજરાતમાં ૧૮૫ કરતાં વધુ નદીઓ જીવંત હતી અને જીવસૃષ્ટી નદી કિનારે જોવા મળતી હતી પરંતુ સમય જતાં નદીઓ લુપ્ત થતી ગઇ છે અને હવે નાની-મોટી મળીને ૬૦ જેટલી નદીઓ રહી છે જે પૈકી પાણીનો જીવંત પ્રવાહ માત્ર આઠ થી દસ નદીમાં જોવા મળે છે. રાજયની સૌથી મોટી નર્મદા નદીમાં સરદાર સરોવર બંઘના નિર્માણની સાથે સાથે નર્મદાની પાઇપલાઇનના થયેલા કામો પછી આજે સ્થિતિ એવી છે કે રાજયના અંદાજે ૫૦ ટકા વિસ્તારના લોકો નર્મદાના પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે. રાજયના ૧૭૮૪૩ ગામો પૈકી ૯૩૬૦ ગામડામાં નર્મદાની પાઇપલાઇન મારફતે પાણી મળે છે.  રાજયમાં જયાં સરફેસ વોટર મળતું નથી ત્યાં બોરવેલના પાણી પીવાય છે અને પાણીનું વિકૃત રીતે દોહન થઇ રહ્યું છે, જે આવનારી પેઢી માટે ખતરો છે, કારણ કે ગમે ત્યાં અને ગમે ત્યારે બોરવેલ બનાવવામાં આવે છે પરંતુ વરસાદનું પાણી ઉતારવા માટે રિચાર્જીંગ વેલની વ્યવસ્થા થતી નથી. સરકારે બનાવેલા કાયદાનો ભંગ થઇ રહ્યો છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

(9:54 am IST)