વિવિધ વિભાગ
News of Monday, 15th February 2021

સરકારી મહેમાન

કૃષિને ‘ઉદ્યોગ' બનાવવો હોય તો રોકાણની તક ઉભી કરી યુવાનોને જમીન સોંપી તાલીમ આપો

રાજયમાં નવી પેઢી ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી રીતે વિવિધ પાક ઉત્‍પાદન કરી શકે છે : સ્‍થળાંતરિક થયેલા સંતાનોને ગામડામાં પાછા બોલાવી ખેતરનો કાર્યભાર સોંપી દેવો જોઇએ : સરકારે ઉદ્યોગનો દરજ્જો તો આપ્‍યો પરંતુ ઉદ્યોગની જેમ ઇન્‍વેસ્‍ટમેન્‍ટના પ્રયાસ કર્યા નથી

‘કૃષિ પ્રધાન ગુજરાતમાં ખેતીવાડી ક્ષેત્રે યુવાનોનો જયારે પ્રવેશ થશે ત્‍યારે ભારત અને ગુજરાત સાચા અર્થમાં એગ્રીકલ્‍ચર કન્‍ટ્રી બનશે.' તેવો આશાવાદ વ્‍યક્‍ત કરી નિવૃત્ત સંયુક્‍ત ખેતી નિયામક એએ કટેશિયાએ સરકારને એવી અપીલ કરી છે કે ‘કૃષિને ઉદ્યોગનો દરજ્જો તો આપ્‍યો છે પરંતુ હકીકતમાં કૃષિને ઉદ્યોગ બનાવવો હોય તો મૂડીરોકાણની તકો આપીને યુવાનોને ખેતી કરવા માટે જમીન સોંપી તેમને તાલીમ આપવાની આવશ્‍યકતા છે. યુવાનોને ખેતીવાડીમાં સ્‍વતંત્ર નિર્ણય લેવાની સત્તા પણ આપવી જોઇએ, કારણ કે યુવાનો પ્રવર્તમાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ ઉત્‍પાદન આપી શકશે.' આ નિવૃત્ત કૃષિ અધિકારી કહે છે કે ભારત અને ગુજરાત એ કૃષિપ્રધાન પ્રદેશ છે. દેશ અને રાજયની ૬૦ ટકા વસતી કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલી છે આમ છતાં ૧૯૭૦ થી ૧૯૯૦ સુધીના ગ્રીન રિવોલ્‍યુશન સમય પછી પણ કૃષિક્ષેત્રે વિકાસદર જોવા મળતો નથી. કેન્‍દ્ર અને રાજય સરકારના અનેક પ્રોત્‍સાહન છતાં કૃષિ ક્ષેત્રે દેશ અને ગુજરાતમાં પરિવર્તન આવી શક્‍યું નથી. ખેડૂતોના પ્રશ્નો અટકેલા છે. સરકારની સહાય યોજનાઓનો ખેડૂતો પુરતો લાભ લઇ શકતા નથી, કારણ કે નવી પેઢી પરંપરાગત ખેતીથી દૂર ભાગી રહી છે. હકીકતમાં સરકારે આ ક્ષેત્રમાં વધુને વધુ યુવાનો આકર્ષિત બને તેના પ્રયાસ કરવા જોઇએ.

 ખેડૂત પરિવારની નવી પેઢી શહેરોમાં જઇ વસી છે

ગુજરાતમાં નાના શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલા ઉદ્યોગોના કારણે કૃષિક્ષેત્રે મજૂરોની અછત ઉભી થઇ છે. શહેરીકરણના કારણે ખેડૂત પરિવારોના સંતાનો શહેરોમાં જઇને વસ્‍યાં છે. તેમને પાછા બોલાવીને ખેતરો તેમને સોંપી દેવા જોઇએ કે જેથી કૃષિમાં ચમત્‍કારિક પરિણામો મળી શકે. રાજયમાં ૬૨ ટકા ખેડૂતો નાના અને સિમાંત છે. આ ખેડૂતોને ગુજરાન ચલાવવા માટે નાનું લેન્‍ડ હોલ્‍ડીંગ અપૂરતું છે તેથી તેઓ અન્‍ય વ્‍યવસાયમાં જોડાઇ રહ્યાં છે. બીજી તરફ સામાજીક મૂલ્‍યોમાં આવેલા પરિવર્તનના કારણે આજે ખેડૂત પરિવારના સંતાનો શહેરોમાં સ્‍થળાંતરિત થઇ રહ્યાં છે. ખેતીવાડીમાં મર્યાદિત રોકાણ હોવાથી ખેડૂત પરિવારો ભાંગી રહ્યાં છે. બાપ-દાદાની ખેતી છોડીને તેઓ અન્‍ય વ્‍યવસાય અથવા તો નોકરી પસંદ કરી રહ્યાં છે. આ માનસિકતા બદલવી હોય તો યુવાનોના હાથમાં ખેતીનું સુકાન સોંપી દેવું જોઇએ. ગુજરાતમાં દર બે વર્ષે વાયબ્રન્‍ટ ઇન્‍વેસ્‍ટર્સ સમિટ થાય છે પરંતુ વાયબ્રન્‍ટ ઇન્‍વેસ્‍ટર્સ એગ્રી સમિટનો અભાવ વર્તાઇ રહ્યો છે તેથી કૃષિ ક્ષેત્રે ઉદ્યોગો જેટલું સમૃદ્ધ મૂડીરોકાણ થતું નથી.

ખેડૂતોની સમસ્‍યા અપરંપાર છે, બદલાવ જરૂરી છે

કટેશિયા કહે છે કે ગુજરાતમાં કેટલાક ખેડૂતો તેમની રીતે સંશોધન કરીને વધુને વધુ પાક લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ વૈશ્વિક ટેકનોલોજીના બદલાવને તેઓ સ્‍વિકારી શકતા નથી. આ હુન્નર નવી પેઢીમાં છે પરંતુ તે ખેતીથી દૂર થતી ગઇ છે. જો આમ જ ચાલ્‍યું તો ખેતીવાડીમાં આપણે નવી કેડર ઉભી કરી શકીશું નહીં અને ખેતીની જમીન ઘટતી જશે, છેવટે અનાજમાં આપણે સ્‍વાવલંબી બની શકીશું નહીં. ગુજરાતમાં ફાર્મ મેકેનાઇઝેશન માટે ઓછું લેન્‍ડીંગ એ મુખ્‍ય સમસ્‍યા છે. નવી સારી વધુ ઉત્‍પાદન આપતી જાતોનો અભાવ વર્તાઇ રહ્યો છે. પાક વીમા યોજના હેઠળના દાવા ચૂકવવામાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે પરિણામે ખેડૂતોની આર્થિક સ્‍થિતિ કફોડી બની રહી છે. મહત્‍વની બાબત એવી છે કે ટેકનોલોજી ક્ષેત્રે સરકારી સંસ્‍થાઓની ઇજારાશાહી ચાલે છે. ખાનગી ક્ષેત્રની સારી ટેકનોલોજી પ્રાપ્‍ય બનતી નથી. ગુજરાતમાં ખાતરીબંધ સિંચાઇ વ્‍યવસ્‍થાનો વ્‍યાપ પણ મર્યાદિત છે. પ્રતિકૂળ વાતાવરણની સાથે પાવર સપ્‍લાયની ખામીના કારણે ખેતીના પાકોને ભારે મોટું નુકશાન થાય છે.

ખેતી મોંઘી બની રહી છે અને આવકના સ્ત્રોત ઓછાં

ગુજરાતમાં ખેતી મોંઘી બની રહી છે અને આવકના સાધનો ઓછાં પડી રહ્યાં છે. મોટા ખેડૂતો નુકશાન સહન કરી શકે છે પરંતુ  નાના અને મધ્‍યમ ખેડૂતો નુકશાન થતાં જીવનનો અંત આણવા મજબૂર બને છે. સરકારની સહાય યોજનાઓ પણ ખરા અર્થમાં ખેડૂતો સુધી પહોંચતી નથી. સરકારી કચેરીઓ ખેડૂતોને ધક્કા ખવડાવે છે. ડીઝલના ભાવવધારાના કારણે ખેડૂતોની ઉપજનો સૌથી મોટો હિસ્‍સો ટ્રાન્‍સપોર્ટેશનમાં જતો રહે છે. પાકમાં વપરાતી દવાઓ, બિયારણ અને આવશ્‍યક ચીજવસ્‍તુઓના દિન-પ્રતિદિન વધતા ભાવ ખેડૂતો માટે મોટી સમસ્‍યા છે. કૃષિનું તાંત્રિક જ્ઞાન અને ડીગ્રી નહીં ધરાવતા વિતરકો અને વ્‍યાપારીઓ દ્વારા આપવામાં આવતી ભૂલભરેલી સમજ અને સલાહના કારણે ખેડૂત ગેરમાર્ગે દોરાય છે અને નુકશાન કરી બેસે છે. ખેતીની જમીનમાં સેન્‍દ્રીય ખાતરોના અભાવે ફળદ્રુપતા ઘટતી જાય છે. સોઇલ હેલ્‍થ બગડી રહ્યું છે અને જમીન મૃતપ્રાય બનતી જાય છે. સરફેસ વોટરના અભાવે જમીનમાં ખારાશનું પ્રમાણ વધતું જાય છે. સેન્‍દ્રીય કાર્બનનું પ્રમાણ ભયજનક રીતે ઘટી રહ્યું છે. જંતુનાશકોના વપરાશના કારણે પર્યાવરણને તો નુકશાન થાય છે પરંતુ તેની સાથે કૃષિપાકોમાં પોઇઝન વધી રહ્યું છે.

નાના અને મધ્‍યમ ખેડૂતોની હાલત કફોડી છે

નિવૃત્ત કૃષિ અધિકારી કહે છે કે આજે ખેડૂતો જાતે ખેતરમાં કામ કરવાને બદલે બહારથી આવેલા મજૂરો પાસે ખેતી કરાવે છે તેથી ઉપજનો ત્રીજો કે અડધો હિસ્‍સો મજૂરી પેટે આપવો પડે છે. ખેડૂત પાસે ખેતીનો અનુભવ છે અને જ્ઞાન છે છતાં તેઓ તેનો ઉપયોગ કરી શકતા નથી. ખેડૂત સતત હાજરી આપતો નહીં હોવાથી ખેતી કાર્યોમાં ગુડ એગ્રીકલ્‍ચર પ્રેક્‍ટાયસીસનો અમલ થતો નથી. ઘણાં ખેડૂતો પાસે કુવા અને ટ્‍યુબવેલનો અભાવ હોય છે. ટપક અને ફુવારા પદ્ધતિથી ખેતી કરવી છે પરંતુ ખેડૂત પાસે મૂડીરોકાણ નથી. નાના ખેડૂતો ટ્રેક્‍ટર કે અન્‍ય નવી ટેકનોલોજીના સાધનો વસાવી શકતા નથી. ગ્રીનહાઉસ અને નેટહાઉસ જેવી સુવિધા મોટા ખેડૂતોને મળે છે. રાજયની એપીએમસી ખેડૂતોના હિતોનું રક્ષણ કરી શકતી નથી. ભાવ અને તોલમાપમાં પારદર્શકતા હોતી નથી તેથી ખેડૂત છેતરાય છે. ગુજરાતમાં કોન્‍ટ્રાક્‍ટ ફાર્મિંગ શરૂ થયું છે પરંતુ તેનો વ્‍યાપ ખૂબ ઓછો છે. સ્‍થાનિક બજારમાં ગ્રેડીંગ, પેકીંગ અને પ્રોસેસિંગનો અભાવ છે. સિનિયર ખેડૂતો પાસે જે જ્ઞાન છે તે વર્ષો જૂનું છે અને નવું તેઓ અપનાવી શકતા નથી તેથી અસલામતી અને ડર હોય છે.

યુવાનોને ખેતી અને જમીન સોંપવાના ફાયદા છે

કટેશિયા કહે છે કે યુવાનોને ખેતી અને જમીન સોંપીને તેમને યોગ્‍ય તાલીમ આપવામાં આવે તો ખેડૂત પરિવારોની આર્થિક હાલત સુધરી શકે છે. યુવાનોને આવકની ખાત્રી આપવી પડશે. જમીન તેમના નામે કરવી પડશે. ખેતીની જમીન માટે યુવાનોને ખેડૂત બનાવવા જૂના કાયદાઓ બદલવા પડશે. યુવાનોને નિર્ણય લેવાની છૂટ આપવી પડશે. જમીનના નાના ટુકડાઓને રેવન્‍યુ રેકર્ડમાં નામ ફેર કર્યા વિના એક સાથે જોડીને વચ્‍ચેના પાળા દૂર કરી મોટા ફાર્મ તૈયાર કરવા પડશે. યુવાનોના ગ્રુપને ખેતીવાડીમાં અપનાવવા પડશે. ખેતર થી ખાનાર વ્‍યક્‍તિ સાથે સીધું જોડાણ ઉભું કરવાથી યુવાનો તેમની નિર્ધારિત આવક કમાઇ શકશે. માર્કેટીંગ કંપનીઓ, કોન્‍ટ્રાક્‍ટ ફાર્મિંગ અને માળખાકીય સુવિધાઓ આપવી પડશે. ગ્રામીણ વિસ્‍તારમાં ખેત આધારિક લધુ ઉદ્યોગોની સ્‍થાપના કરવાનો સમય આવી ગયો છે. યુવાનોને શહેરમાં રહીને નજીકના ગામમાં ૨૫ થી ૩૦ કિલોમીટરના અંતરે જમીન આપો કે જેથી તે ખેતી કરવા જઇ શકે અને પાછો સરળતાથી શહેરમાં આવી શકે. સરકારે પણ ખેતી કરવા યુવાનોને સ્‍પેશ્‍યલ દરજ્જો આપવો જોઇએ. કૃષિમાં કોઇપણ વ્‍યક્‍તિ કુદરત અને પ્રકૃત્તિ સાથે જોડાઇ રહે છે તેથી તેની હેલ્‍થમાં પણ ચોંકાવનારો વધારો થાય છે. શહેરોમાં માનસિક તાણ વચ્‍ચે કામ કરતા યુવાનોને ખેતી તરફ વાળવાનું કાર્ય સરકાર જ કરી શકે છે. આજે ગામડામાં પણ શહેરો જેવી સુવિધા છે ત્‍યારે યુવાનો સ્‍માર્ટ વિલેજમાં એગ્રીકલ્‍ચર બિઝનેસ કરે તો તેનાથી ખેડૂત પરિવારમાં ખુશીઓની રોનક આવી શકે છે.

 

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

 

(10:47 am IST)