Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોરોના મહામારીમાં છેલ્લા ૧૦ માસથી શાળા-ટયુશન બંધ રહ્યા બાદ

શાળામાં ધો. ૯ અને ૧૧ તેમજ ટયુશન કલાસીસમાં પ્રત્‍યક્ષ શિક્ષણનો પ્રારંભ

રાજકોટ શહેર-જિલ્લાની ૮૯૫ શાળા અને ૪ હજાર ટયુશન કલાસીસમાં ૭૦ હજારથી વધુ છાત્રોનું શિક્ષણ કાર્ય શરૂઃ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદઃ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજશે શાળાઓ

રાજકોટ, તા. ૧ :. કોરોનાની મહામારીની અસર તમામ ક્ષેત્રને પડી છે, પરંતુ શિક્ષણ જગતને વિશેષ અસર થઈ હતી. કોરોના મહામારીમાં છેલ્લા ૧૦ માસથી શાળા-કોલેજો બંધ હતી તે હવે કોરોનાના કેસ ઘટતા કોરોનાની ગાઈડલાઈન મુજબ ફરી શરૂ થઈ રહ્યા છે. ૧૫ દિવસ પૂર્વે ધો. ૧૦-૧૨ના વર્ગો શાળામાં શરૂ થયા બાદ આજથી ધો. ૯ અને ધો.૧૧ તેમજ ટયુશન કલાસીસમાં પ્રત્‍યક્ષ શિક્ષણ શરૂ થઈ રહ્યુ છે.

છેલ્લા ૧૦ માસથી સુમસામ ભાસતુ શાળા સંકુલ તેમજ રાજમાર્ગો સવારથી વિદ્યાર્થીના કિલ્લોથી ગુંજી ઉઠયુ હતું. શાળા, ટયુશન કલાસીસ શરૂ થતા જ હવે કોરોનાનો માહોલ ઘણે અંશે ઓછો જોવા મળતો હતો.

રાજકોટ, જામનગર, સુરેન્‍દ્રનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, મોરબી, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રભરમાં આજથી ધો. ૯ અને ધો. ૧૧ની ખાનગી, સરકારી અને ગ્રાન્‍ટેડ શાળાઓમાં શરૂ થયા છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્‍ટાફ પરિવારમાં ઉત્‍સાહ જણાતો હતો.

રાજકોટ શહેર-જિલ્લાની ૮૯૫ શાળા અને ૪ હજારથી વધુ નાના-મોટા ટયુશન કલાસીસમાં ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ કોરોના સામેની માર્ગદર્શિકાનું પાલન કરીને શરૂ કર્યુ છે.

શાળાઓમાં વિદ્યાર્થીઓને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ, માસ્‍ક, એક બેન્‍ચ ઉપર એક જ વિદ્યાર્થીની બેઠક વ્‍યવસ્‍થા, સેનેટાઈઝ સહિતની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. શાળામાં સમૂહ પ્રાર્થના, રીસેસ, રમતગમત સહિત અનેક સામુહીક પ્રવૃતિ હાલ બંધ રાખવાની સૂચના આપી છે. ટયુશન કલાસીસ અને શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વાલીઓનું સંમતિપત્રક લાવવાનુ શાળાએ જરૂરી કર્યુ છે. શાળાના પ્રવેશ દ્વારા થર્મલગન દ્વારા છાત્રોનું ટેમ્‍પરેચર ચકાસીને પ્રવેશ અપાશે.

 

(3:29 pm IST)