Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સદગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.ની ર૪મી દિક્ષા જયંતિ

૧૯૯૮માં વસંત પંચમીના સંયમ સ્વીકારી ગુરૂદેવ જગદીશમુનિના ચરણોમાં જીવન સમર્પિત કર્યું

રાજકોટ,તા.૧: ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં કૃપાપાત્ર સુશિષ્ય સદગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મહારાજ સાહેબની આજે તા. ૧ નાં ૨૪ મી દીક્ષા જયંતિનો અવસર છેે.

સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબનું મૂળવતન રાજકોટ થી કાલાવડ (શીતલા) જતા ૩૦ કી.મી. પર નિકાવા ગામ આવે છે તે છે. રત્નકુક્ષિણી માતા ઈન્દુબેન તથા પુણ્યશાળી પિતા જયંતિભાઈ મહેતા, દાદા ભાઈચંદભાઈ ડાયાભાઈ મહેતા, નાના-ભગવાનજી રૂપશી પટેલ સરપદડ, જન્મનું સંસારી નામ-પારસ રાખવામાં આવ્યું. જન્મ સમયે નાળ મસ્તક પર સર્પાકાર વીંટળાયેલ હતી. જન્મ ૧૬/૧ર/૧૯૭૯ બે નાનાભાઈ મિલનભાઈ તથા કેોશિકભાઈ , ગોંડલ સંપ્રદાયના પારસમૈયા પૂ. રંભાબાઈ મહાસતીજીનાં સુશિષ્યા પૂ. વસંતબાઈ મહાસતીજી (સંસાર પક્ષે ફૈબાસ્વામી), પૂ. લાભુબાઈ મહાસતીજી નાં સુશિષ્યા પૂ. પ્રફુલ્લાબાઈ મહાસતીજી નાં શિષ્યા પૂ. જયોત્સનાબાઈ મહાસતીજી (સંસાર પક્ષે માસીસ્વામી) અને પૂ. કાંતાબાઈ મહાસતીજી નાં સુશિષ્યા પૂ. ઉષા -વીણાબાઈ મહાસતીજીનાં શિષ્યા પૂ. જાગૃતિબાઈ મહાસતીજી (સંસાર પક્ષે મોટાબેનસ્વામી) છે.

સદગુરૂદેવને વૈરાગ્ય પ્રગટીકરણ ૧૯૯૬ માં પૂ. પ્રફુલ્લબાઈ મહાસતીજીની પ્રેરણાથી થયેલ. તા. ૧/ર/૧૯૯૮ ના નિકાવા ગામમાં ભવ્યાતિભવ્ય દીક્ષા યોજાયેલ. મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબ ની પરમ પાવન કૃપાથી તેમના ચરણમાં સમર્પિત બની સાધના આરાધના દ્વારા સંયમજીવનને સફળ બનાવતા રહ્યા સ્પષ્ટ અને સત્ય વકતા છે.

૩ર આગમ, પાંચકર્મ ગ્રંથ ૧રપ થોકડા તત્વાર્થાભિગમ સૂત્ર, પ્રાકૃતવિજ્ઞાન પાઠમાળા, સંસ્કૃત મન્દિરાન્ત પ્રવેશિકા, પ્રમાણનય તત્વાલોક, ષડદર્શન સમુચ્ચય, સ્યાદવાદ મંજરી, વિદુરનિતિ, ચાણકયનિતિ, ભર્તૃહરિ વૈરાગ્ય શતક આદિ આગમો ગ્રંથો નો ધાર્મિક અભ્યાસ કર્યો. સંસ્કૃત મન્દિરાન્ત પ્રવેશિકાની ગાઈડ, ઘરને ઘર રહેવા દો, 'માં' એ જ મહાશકિત, હસ્તુ જીવન હસ્તુ મરણ પુસ્તકનું સંપાદન કર્યું હતું.

પૂ. સદગુરૂદેવને ર૦૦૪ ની સાલથી ચા,દૂધ,કોફી, મિઠાઈ, દાળ-ભાત, કેરીનો આજીવન ત્યાગ છે. ર૦૧૬ થી મગના આજીવન ત્યાગ કરેલ છે. ૨૧/૧/૨૦૨૧થી અનાજ અને ફરસાણ અને ગરમશાલ વગેરે ઓઢવાનો પણ કાયમી ત્યાગ છે. ગુરૂદેવને પૂછતા ગુરૂદેવ કહે કે 'શુષ્ક ગોચરી પુષ્ટ સંયમ''

મહારાષ્ટ્રનાં મનોરના જંગલ વિસ્તારોમાં આદિવાસી લોકોના બાળકોને સમજાવી માંસાહાર છોડાવી, હિંસાચાર છોડાવવાનું કાર્ય ર૦૦૯ પૂ. ગુરૂદેવ 'ઓમ યુવા ગ્રુપ'' નાં ભાઈઓ બહેનોના માધ્યમથી કરી રહ્યા છે. પ૦૦૦ થી વધુ બાળકો આજે પણ નવકાર મંત્ર બોલીને જમે છે. સ્કૂલો અને આશ્રમ શાળાઓમાં માંસાહાર પૂ. ગુરૂદેવની પ્રેરણાથી સદતંર બંધ કરવામાં આવ્યો. સદગુરૂદેવ સ્વયં આશ્રમ શાળામાંઓમાં આદિવાસી બાળકો સાથે રહી તેમની પરિસ્થિતિને જાણે છે અને તેની દુઃખદ પરિસ્થિતિ દૂર કરવા બાળકોને પ્રેરિત કરે છે.પૂજય ગુરુદેવ જગદીશમુનિ મ. સા. ની કૃપા- પ્રેરણા થી ૭ વર્ષ સુધી દર વર્ષે મૌન એકાંત ધ્યાન સાધના કરી, પૂજય હસમુખમુનિ મ.સા.ની પ્રેરણા થી તારીખ ૬/૬/૧૭ થી છ મહિના સુધી અખંડ મૌન જપ તપ ધ્યાન સાધના કરી, હમણાં જ શ્રી જંગલીદાસ મહારાજની પ્રેરણાથી તા. ૦૧/૧૨/૨૦૨૦ થી તા. ૨૧/૦૧/૨૧ સુધી ૫૧ દિવસની સાધના કરેલ તેમા ૩૧ ઉપવાસ , ૨૦ એકસણા ( જેમા સળંગ ૧૧ ઉપવાસ ) રોજ ૭ કલાકની ધ્યાનસાધના છેલ્લા દિવસે ૧૨ કલાકની ધ્યાનસાધના કરેલ.

સદગુરૂદેવ સમીપે રડતો આવનાર હસતો પાછો ફરે છે. કયારેય મારા તારાનો ભેદ નહિં, શ્રીમત કે ગરીબનો તફાવત નહીં. સદાય પ્રસન્ન અને પાસે જનારને પણ પ્રસન્ન બનાવી દે છે.પૂ. સદગુરૂદેવ દીક્ષા જયંતિ ઉજવતા નથી. ગુરૂદેવ કહે છે કે મહાપુરુષોની જયંતિઓ ઉજવાય આપણે તેવું સ્વ-પર કલ્યાણ શું કર્યું ? આવી તો પૂ. સદગુરૂદેવ ની લઘુતા છે. ખરેખર કોઈએ સાચુ જ કહ્યું છે. કે લઘુતામાં જ ગુરૂતા વસે છે. આવા સાચા સદગુરૂનું શરણ સ્વીકારી સ્વયંના આત્માને તારીએ.

સદગુરૂદેવનું જીવન વિશેષ નિર્મળ, ત્યાગ પ્રધાન, ચારિત્રવાન અને હૃદયને સ્પર્શ કરવાવાળુ સરળ છે. જે સિધ્ધ પુરૂષસમ દેખાય છે. જેની પરમ પ્રસન્ન મુખમુદ્રા તેજોમય લલાટ, સકારાત્મક ઊર્જાવાન આભા , પ્રેમ- વાત્સલ્યમયવાણી અંતરમન ને સ્પર્શ કરનારી છે. આવા સર્વ નાં હ્રદયમાં બિરાજમાન અને સર્વ આત્મા ને પોતાના હ્રદયમાં પરમાત્મભાવે સ્થાન આપનાર સદગુરૂદેવ નાં ચરણોમાં અર્પણ સમર્પણ થઈ જીવન ધન્ય બનાવીએ.

(11:13 am IST)