Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોરોના વેકસીન ૧૦૦ ટકા સલામત : અફવાઓથી બચો : રેમ્‍યા મોહન

કોરોના મહામારી સામેના જંગમાં પ્રથમ હરોળના યોધ્‍ધાઓના કોરોના વેકસીનેશનના બીજા તબક્કાનો રાજકોટ જિલ્લામાં પ્રારંભ : કોઇપણ આડઅસર વગરની કોરોના વેકસીન માટે સકારાત્‍મક અભિગમ કેળવીએ : ડીએસપી બલરામ મીણા : મ્‍યુ. કમિશનર ઉદીત અગ્રવાલ - ડીડીઓ અનિલ રાણાવસીયા સહિત વહિવટી અને પોલીસ તંત્રના અધિકારીઓ - કર્મચારીઓએ કોરોના વેકસીનેશનમાં ભાગ લીધો

ગઇકાલે બીજા તબક્કામાં રાજકોટ શહેર - જિલ્લામાં હાઇલેવલ અધિકારીઓને કોરોના વેકસીન અપાઇ હતી, તસ્‍વીરમાં કલેકટર શ્રી રેમ્‍યા મોહન, ડીએસપી શ્રી બલરામ મીણા, મ્‍યુ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, ડીડીઓ શ્રી રાણાવસીયા, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા વિગેરે કોરોના વેકસીન લેતા નજરે પડે છે.

રાજકોટ તા. ૧ :  કોરોના વાયરસને નાથવાના પ્રયાસોમાં ભારતમાં જ બનેલી અમોઘ શસ્ત્ર સમાન વેક્‍સિન કોવિશિલ્‍ડના ફ્રન્‍ટલાઇન વોરીર્યસને રસીકરણ ઝૂંબેશના બીજા તબક્કાનો આજથી શુભારંભ કરવામાં આવ્‍યો છે. જે અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લામાં કલેક્‍ટરશ્રી રેમ્‍યા મોહન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસિયા, પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, રાજકોટ મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ, નિવાસી અધિક કલેકટરશ્રી પરીમલ પંડયા સહિત વહિવટી તંત્ર, પોલીસ તંત્ર અને મ્‍યુનિસીપલ કોર્પોરેશન વિભાગના અધિકારીઓ અને સ્‍ટાફના લોકોએ રસીકરણ ઝૂંબેશમાં ભાગ લીધો હતો.

રાજકોટ સીવીલ હોસ્‍પિટલ ખાતે મુલાકાત લઇને જિલ્લા કલેક્‍ટરશ્રી રેમ્‍યા મોહનએ કોરોના વેકસીનેશન કરાવ્‍યા બાદ લોકોને અપીલ કરતા જણાવ્‍યું હતું કે, કોરોનાની વેક્‍સિન સો ટકા સલામત અને અસરકારક છે. કોરાના મહામારીમાંથી બચાવ માટે કોરોના વેકસીન એ એક માત્ર બચાવનો વિકલ્‍પ હોઇ લોકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવાતા કોરોના વેકસીન અચૂક લેવી જોઇએ. આગામી તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરના લોકોને કોરોના વેકસીન અપાનાર છે. તેમાં તમામ લોકો અવશ્‍યપણે સહભાગી બને વેકસીનેશન કરાવે તે જરૂરી છે.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીનાએ કોરોના વેકસીનેશન બાબતે સકારાત્‍મક અભિગમ કેળવી સો ટકા વેકસીનેશન થાય તે માટે સૌ કોઇએ જાગૃતિ કેળવી આગળ આવવા અપીલ કરતા ઉમેર્યું હતું કે આ વેકસીનની કોઇ જ આડઅસર નથી તથા આપણા માટે સૌથી વધુ સુરક્ષિત છે. વેકસીન કોરોનાથી બચાવ માટેનો શ્રેષ્ઠ વિકલ્‍પ હોઇ જિલ્લાના પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ વેકસીનેશન વડે સુરક્ષીત બને તે માટે પ્રતિબધ્‍ધ હોવાનું જણાવ્‍યું હતું. 

કોરોના વેકસીનેશન બાદ અધિક નિવાસી કલેટકરશ્રી પરીમલ પંડયાએ પણ આગામી દિવસોમાં થનાર કોરોના રસીકરણમાં ભાગ લઇને સૌ કોઇ પોતાનું વેકસીનેશન કરાવે અને પોતાના પરિવાર સહિત રાષ્ટ્રને કોરોના મુકત બનાવવા સહભાગી બને તેવી અપીલ કરી હતી.

આ ઉપરાંત મ્‍યુનીસીપલ કમિશ્ન્રરશ્રી ઉદીત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયાએ પણ કોરોના વેકસીનનો ડોઝ લઇને લોકોને કોરોના મહામારી સામે વેકસીનેશનની મહત્‍વતા દર્શાવી લોકોને જાગૃત કરવા કોરોના વેસીનેશન માટે આગળ આવવા અપીલ કરી હતી.        

આ તકે કોરોના ફ્રન્‍ટલાઇન વોરિયર્સ એવા પોલીસ વિભાગના યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. એચ.જે. ભારવડીયાએ આનંદ સાથે ગૌરવની લાગણી વ્‍યકત કરતા જણાવ્‍યું હતું કે કોરોના મહામારી દરમિયાન તેઓએ કરેલી કામગીરી બજાવેલી છે. ફ્રન્‍ટલાઇન વોરીયર્સ તરીકે તેઓએ આજે પોતાનું વેકસીનેશન  કરાવેલ છે. આ વેકસીન ખુબજ સુરક્ષીત  અને આડ અસર વગરની છે. તમામ લોકોએ આ વેકસીન લઇને કોરોના મુકત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવું જોઇએ. આ તકે ફ્રન્‍ટલાઇન વોરીયર્સ તરીકેની તેઓના વિભાગની કામગીરીને અનુલક્ષીને વેકસીનેશનમાં મળેલ અગ્રતાક્રમ બદલ આભારની લાગણી વ્‍યકત કરી હતી.

આજ રોજ રાજકોટ શહેરમાં સીવીલ હોસ્‍પીટલ, પદ્મકુંવરબા હોસ્‍પીટલ સહિત ૪૫ કેન્‍દ્રો પર પાંચ હજાર ફ્રન્‍ટલાઇન વોરીયર્સને કોરોના વેકસીનેશન કરાયુ હતુંતેમ કોર્પેરેશનના આરોગ્‍ય અધિકારી ડો. લલીત વાંજાએ જણાવ્‍યું હતું. જયારે રાજકોટ જિલ્લાના કુલ ૧૨ જેટલા કેન્‍દ્રો પર ૬૫૦ જેટલા પોલીસ અને રેવન્‍યુ સ્‍ટાફનું પણ આજે વેકસીનેશન કરાયુ હતું તેમ જણાવી મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. મીતેષ ભંડેરીએ ઉમેર્યું હતું કે આ અગાઉ પ્રથમ તબક્કામાં જિલ્લાના ૪૭૨૯ જેટલા ફ્રન્‍ટલાઇન વોરીર્યસને વેકસીનેશન દ્વારા સુરક્ષિત કરાયા છે.

આ તકે આરોગ્‍ય વિભાગીય નિયામક રૂપાલીબેન મહેતા, સીવીલ હોસ્‍પીટલના ઇનચાર્જ સુપ્રિટેન્‍ડેન્‍ટ શ્રી આર.એસ. ત્રિવેદી, આસી. સુપ્રિટેન્‍ડેન્‍ટ ડો. કમલ ગોસ્‍વામી અને ડો. હેતલ ક્‍યાડા, ડો. જતીન ભટ્ટ, ડો. ખ્‍યાતી વાઘેલા અને વેક્‍સિનેટરો સહિતનો મેડીકલ-પેરામેડીકલ સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:39 pm IST)