Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ભાજપના હાલના ૧૧ કોર્પોરેટરો ચૂંટણી લડી નહિં શકે

૪ કોર્પોરેટર ૬૦ વર્ષથી ઉપરના અને ૭ કોર્પોરેટરો ૩ ટર્મથી વધુ ચૂંટણી લડી ચૂકયા છે : કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, ઉદય કાનગડ, બાબુભાઈ આહિર, ડો. જૈમીન ઉપાધ્યાય, મીનાબેન પારેખ, રૂપાબેન શીલુ સહિતના કોર્પોરેશનની ચૂંટણી લડી શકશે નહિં

રાજકોટ, તા. ૧ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે આજે જાહેરાત કરી છે કે ૬૦ વર્ષથી ઉપરના અને સતત ત્રણ ટર્મથી ચૂંટાતા આગેવાનો અને સંગઠનમાં હોદ્દા ધરાવતા નેતાઓના પરિવારજનોને ટીકીટ આપવામાં આવશે નહિં. જે અનુસંધાને રાજકોટ ભાજપમાંથી હાલના ૧૧ જેટલા કોર્પોરેટરો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી શકશે નહિં.

જાણવા મળ્યા મુજબ હાલમાં મીનાબેન પારેખ, વિજયાબેન વાછાણી, રૂપાબેન શીલુ અને ડો. જૈમીન ઉપાધ્યાય આ તમામ કોર્પોરેટરો ૬૦ વર્ષથી ઉપરના છે.

જયારે બાબુભાઈ આહિર, અનિલ રાઠોડ, કશ્યપ શુકલ, નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, ઉદય કાનગડ અને ડો.જૈમીન ઉપાધ્યાય આ તમામ હાલના કોર્પોરેટરો છે અને છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટણી જીતી ચૂકયા છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યુ છે કે, ૬૦ વર્ષથી ઉપરના અને સતત ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા આગેવાનો તેમજ સંગઠનમાં હોદ્દા ધરાવતા નેતાઓના પરિવારજનોને ટીકીટ આપવામાં નહિં આવે. તે અંતર્ગત શહેર ભાજપના હાલના ત્રણ મહિલા સહિત ૮ જેટલા કોર્પોરેટરોને આ વખતે ટિકીટ મળશે નહિં. જો કે નીતિન ભારદ્વાજ અને ઉદય કાનગડે તો અગાઉથી જ ચૂંટણી લડવાની ના પાડી હતી અને દાવેદારી પણ કરી ન હતી.

(3:26 pm IST)