Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કામદારને નોકરીમાંથી છૂટા કરવાના કેસમાં વળતર ચુકવવાનો ગુજરાત હાઈકોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૧ :. મોરબીના કામદાર નગવડીયા નટવરલાલ ડાયાલાલને મેનેજમેન્ટે તેમને ૨૦૦૧માં નોકરીમાંથી ગેરકાયદેસર છુટા કરતા અને હક્ક-હિસ્સા ન ચુકવતા, મેનેજમેન્ટ ઔદ્યોગીક વિવાદધારા ૧૯૪૭ના સેકશન ૨૫ (એફ) અને ૨૫ (જી.) (એચ.)નો ભંગ કરેલ છે તેવી રજૂઆત કરી લેબર કોર્ટ રાજકોટમાં રેફરન્સ કરાવેલો. કંપનીએ લેબર કોર્ટ સમક્ષ રજુઆત કરેલી કે, મજકુર કામદાર રાજીનામુ આપી છુટા થયેલ છે અને કામ પર ચડવાની ઓફર કરવાના છતાં ફરજ ઉપર હાજર થયેલ નથી. લેબર કોર્ટ, રાજકોટે માલિકે - કંપનીએ બચાવની જુદી જુદી થીયરીઓ ઉભી કરેલ છે અને પુરાવામાં વિરોધાભાસ છે અને રાજીનામાનો પત્ર પુરવાર થયેલ નથી, તેવુ ઠરાવી, મજકુર કામદારને સળંગ નોકરીમાં ૧૫ ટકા પગાર સાથે પરત લેવા ચુકાદો આપેલો હતો.

ઉપરોકત ચુકાદાથી નારાજ થઈ કંપનીએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલી અને રજુઆત કરેલી કે, કામદારને પત્ર લખવા છતાં ફરજ ઉપર હાજર થયેલ નથી. કામદારને કંપનીએ છુટા કરેલ નથી અને હાલ કામદારને વય મર્યાદાના કારણે પણ નોકરીમાં પુનઃ સ્થાપિત કરી શકાય નહીં.

ગુજરાત હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટે બી.એલ.એલ.ના કેઈસમાં આપેલ ચુકાદાઓ ૨૦૧૪(૭) એ.સી.સી. પાના નં. ૧૭૭ બીએસએનએલ વિ. ભુરામલ અને તપસ પોલ વિ. બીએસએનએલ અને બીજાઓ ૨૦૧૬ (૧) સ્કેલ પાના નં. ૯૨ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં લઈ મજકુર કામદારને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાના અને ૧૫ ટકા પડેલા દિવસોનો પગાર ચુકવવાના હુકમને મોડીફાઈડ કરી કુલ રૂ. ૧,૫૦,૦૦૦ (અંકે રૂપિયા એક લાખ પચ્ચાસ હજાર પુરા) ચુકાદાની તારીખથી ૩ મહિનામાં ચુકવવાનો હુકમ કરેલ છે.

ઉપરોકત કેઈસમાં લેબર કોર્ટ રાજકોટ સમક્ષ શ્રી મુકેશ તન્ના એડવોકેટ અને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ શ્રી પી.આર. દેસાઈ એડવોકેટ રોકાયેલ હતા.

(2:59 pm IST)