Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મેં ટિકિટ માંગી જ નથીઃ ધર્મેન્દ્ર મિરાણી

જે ઉમેદવારને ટિકિટ આપે તેની સાથે ખંતપૂર્વક કામગીરી કરીશ, બે ટર્મ કોર્પોરેટર તરીકે સેવા આપેલી, ભાજપ જે જવાબદારી આપશે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશ

રાજકોટ,તા.૧: વોર્ડ નં.૨માં મેં દાવેદારી કરી નથી અને ટિકિટ પણ માંગી નથી તેમ  પૂર્વ કોર્પોરેટર અને ભાજપ અગ્રણી શ્રી ધર્મેન્દ્ર મિરાણી (મો.૯૪૨૬૮ ૧૭૫૫૫)એ જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી એવી વિગતો ચર્ચાતી હતી કે આ વખતે વોર્ડ નં.૨ માં ધર્મેન્દ્ર મિરાણી કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છુક છે તેઓને ટિકિટ આપવામાં આવે તેવી પૂરી શકયતા છે. પરંતુ આ વાતનો જ છેદ ઉડાડતા શ્રી મિરાણીએ જણાવેલ કે હું ચૂંટણી લડવાનો નથી અને પક્ષ જે ઉમેદવારને  ટિકિટ આપે તેની સાથે તન- મન- ધનથી કામગીરી કરીશ.

બી.ટેક.સીવીલ એન્જીનીયર, માસ્ટર ઈન અર્બન પ્લાનીંગનો અભ્યાસ કરેલા શ્રી મિરાણી રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા, વોર્ડ પ્રમુખ- બે ટર્મ (છ વર્ષ), અન્ય વોર્ડ પ્રભારી- એક ટર્મ (ત્રણ વર્ષ), નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય- બે ટર્મ (દસ વર્ષ), કોર્પોરેટર- બે ટર્મ (એ બંને ટર્મમાં ૧૦ વર્ષ સુધી જગ્યા રોકાણ, ટાઉન પ્લાનીંગ તથા ડ્રેનેજ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવેલ), એક ટર્મ (ત્રણ વર્ષ) ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડના ડાયરેકટર તરીકેની જવાબદારી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રથમ વર્ષ શિક્ષિત સ્વયં સેવક, અયોધ્યા કારસેવા તેમજ કાશ્મીર એકતા યાત્રામાં ભાગ લીધેલ.  અગાઉ અને હાલ કન્સલ્ટીંગ સીવીલ એન્જીનીયર્સ એસોસીએશન રાજકોટના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

શ્રી મિરાણીએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ સુધી ઘણી બધી જવાબદારી આપવામાં આવેલ. આ બધી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવેલ છે. ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ખૂબ જ આદર,  વફાદારી તેમજ લાગણીથી હું જોડાયેલ કાર્યકર છું. હું બે ટર્મ કોર્પોરેટર રહ્યો માટે મેં સ્વેચ્છાએ નમ્રતાપૂર્વક નવા લોકોને ચાન્સ મળે તે ભાવનાથી આ વખતે ચૂંટણી  લડવા ઈચ્છા દર્શાવેલ નથી. હું આજીવન ભારતીય જનતા પાર્ટીનો ઋણી છું. તદ્દઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાંઈ જવાબદારી સોંપવામાં આવે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશ.

(3:01 pm IST)