Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વ્યાજ માટે રામનાથપરા હાઇસ્કૂલના નિવૃત કલાર્ક મહમદહનીફભાઇ પર છરીથી હુમલો

પગ ભાંગતા સારવાર માટે ૪ વર્ષ પહેલા પડોશી હનીફ આરબ પાસેથી ૬૦ હજાર લીધા'તાઃ તેની સામે પાંચ લાખ ચુકવ્યા છતાં વધુ વ્યાજ માંગી હેરાન કરવામાં આવતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧: રામનાથપરા હુશેન ચોક જુની જેલ પાસે રહેતાં રામનાથપરા હાઇસ્કૂલના નિવૃત કલાર્ક મહમદહનીફભાઇ અલ્લારખાભાઇ કુરેશી (ઉ.વ.૬૫) પર પડોશમાં જ રહેતાં હનીફ અબ્દુલભાઇ આરબે છરીથી હુમલો કરી સાથળમાં ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી છે.

મહમદહનીફભાઇના કહેવા મુજબ તેણે ચાર વર્ષ પહેલા પગમાં ફ્રેકચર થયું હોઇ સારવાર માટે પૈસાની જરૂર હોઇ હનીફ આરબ પાસેથી ૬૦ હજાર ૨૦ ટકાના વ્યાજથી લીધા હતાં. તેની સામે પોતાના મકાનનું સાટાખત પણ આપ્યું હતું. વ્યાજે લીધેલી આ રકમ માટે અત્યાર સુધીમાં તેણે પાંચેક લાખ ચુકવી દીધા છે. આમ છતાં તે સાટાખત પાછુ આપતો નથી અને હજુ વધુ ૪ લાખ ૮૦ હજાર માંગે છે.

મહમદહનીફભાઇએ વધુમાં આક્ષેપ સાથે કહ્યું હતું કે આજે ફરીથી પૈસાની ઉઘરાણી માટે હનીફે અજાણ્યા શખ્સ સાથે આવી ઝઘડો કર્યો હતો. જેમાં અજાણ્યા શખ્સે પોતાને પકડી લીધેલ અને હનીફે છરીથી હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ શરૂ કરી છે.

(3:50 pm IST)