Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પૈસા હોવાના અંદાજથી ઉઠાવેલા પર્સમાંથી દાગીના નીકળ્યાઃ એક ચેઇન ગિરવે પણ મુકી દીધો'તો!

પડોશીની ખબર પુછવા ગયો ને નજર ચુકવી પર્સ ચોરી કર્યુ હતું: રેલનગરની ચોરીનો ભેદ પ્ર.નગર પોલીસે કલાકોમાં ઉકેલી વિજયરાજસિંહની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ તા. ૨૧: રેલનગરમાં રહેતાં ગોસાઇ પરિવારના ઘરમાંથી રૂ. ૨,૭૧,૫૦૦ના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ પ્ર.નગર પોલીસે ઉકેલી રેલનગર રામેશ્વર પાર્ક-૫ રાધીકા ડેરીવાળી શેરીમાં રહેતાં વિજયરાજસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.૨૧)ની ધરપકડ કરી રૂ. ૧,૧૮૧,૫૦૦ના દાગીના કબ્જે લીધા છે. એક ૯૦ હજારનો ચેઇન તેણે ફાયનાન્સ પેઢીમાં ગિરવે મુકી રોકડા મેળવી વાપરી નાંખ્યાનું ખુલતાં વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે. ફરિયાદી મહિલા બહારગામ હોઇ તેની દિકરી ઘરે એકલી હતી. તે બિમાર હોઇ ખબર પુછવા આવેલા પડોશી વિજરાજસિંહે તેણીની નજર ચુકવી પર્સ ઉઠાવી લીધું હતું. તેને એમ હતું કે પર્સમાં પૈસા હશે, પણ તેમાં દાગીના નીકળ્યા હતાં.

ફરિયાદી મહિલા જાગૃતિબેન ગોસાઇ પોતાના પિતાશ્રીનું અવસાન થતાં ૨૪/૧ના બહારગામ જવા નીકળ્યા હતાં. એ વખતે ઉતાવળમાં દાગીનાનું પર્સ કબાટમાં મુકતા ભુલી ગયા હતાં. બીજી તરફ તેની દિકરી બિમાર હોઇ ઘરે એકલી હતી. એ પછી જાગૃતિબેન ઘરે આવ્યા ત્યારે રૂ. ૨,૭૧,૫૦૦ના દાગીનાનું પર્સ ગાયબ જણાયું હતું. દિકરીએ પોતાને પર્સ વિશે ખબર ન હોવાનું કહેતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કોણ કોણ ઘરે આવ્યું ગયું હતું? તેની તપાસ થતાં પડોશી વિજયરાજસિંહ આવ્યાનું સામે આવતાં પોલીસે તેને ઉઠાવી લઇ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ ૧,૮૧,૫૦૦ના દાગીના કાઢી આપ્યા હતાં. ૯૦ હજારનો ચેઇન ફાયનાન્સ પેઢીમાં મુકી રોકડા ઉપાડી લીધાનું કબુલ્યું હતું.

તેણે કબુલ્યું હતું કે પોતાને પૈસાની જરૂર હતી. પોતે ખબર પુછવા આવ્યો ત્યારે જાગૃતિબેનની દિકરીનું ધ્યાન ન હોઇ એ રીતે પર્સ લઇ લીધું હતું. તેને એમ હતું કે પૈસા હશે. પરંતુ તેમાંથી દાગીના નીકળ્યા હતાં. જેમાંથી એક ચેઇન ગિરવે મુકયો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ રાણા, અક્ષયભાઇ ડાંગર અને અશોકભાઇ હુંબલ તથા મહાવીરસિંહ જાડેજા વધુ તપાસ કરે છે.

(4:19 pm IST)