Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઓનલાઇન છેતરપીંડીમાં રાજસ્થાનનો વિકલાંગ શખ્સ રામહંસ પકડાયોઃ ૧૦ ટકા કમિશન માટે સુત્રધાર સાજીદને મદદ કરતો'તો

રાતે એક વાગ્યે મિત્રના મેસેન્જરમાંથી મેસેજ આવ્યો ને શિક્ષક સાથે ૫૦ હજારની ઠગાઇ થઇ : રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમની ટીમે રામહંસ જાટવને પકડ્યોઃ મખ્યુ આરોપી મળ્યે અનેક ભેદ ખુલવાની શકયતા

રાજકોટ તા. ૧: રૈયા રોડ પર કર્મચારી સોસાયટી-૧માં રહેતાં અને ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં કશ્યપભાઇ દિનેશભાઇ પંચોલીના મિત્રના નામનું બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી તેમાંથી 'અકસ્માત થયો છે, પૈસાની જરૂર છે' એવા મેસેજ મોકલી રૂ. ૫૦ હજારની છેતરપીંડી કરવાના ગુનામાં ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમની ટીમે રાજસ્થાનના ભરતપુર જીલ્લાના નગર તાબેના કુતકપુર ગામે રહેતાં વિકલાંગ યુવાન રામહંસ કિરોડીમલ જાટવ (ઉ.વ.૩૧)ને પકડી લીધો છે. જો કે મુખ્ય  સુત્રધાર તેના જ ગામનો સાજીદખાન સરજીદખાન હોવાનું ખુલતાં તેની શોધખોળ શરૂ થઇ છે.

શિક્ષક કશ્યપભાઇના ફેસબૂક ફ્રેન્ડ જેનીશ વાછાણીના મેસેન્જર એકાઉન્ટમાંથી તા.૨૧/૧ના રોજ રાતે એકાદ વાગ્યે મેસેજ આવ્યો હતો કે તેનું (જેનીશનું) એકસીડન્ટ થયું છે અને પોતે પરિવાર સાથે છે તેમજ સારવાર માટે પૈસાની જરૂર છે. તેમ કહી બે અલગ-અલગ બેંક એકાઉન્ટ નંબર મોકલી તેમાં પૈસા જમા કરાવવા કહ્યું હતું.  મોડી રાતે મિત્રનો મદદનો મેસેજ આવ્યો હોઇ કશ્યપભાઇએ લાંબો વિચાર કર્યા વગર પોતે નેટબેંકીંગ કે ઓનલાઇન ટ્રાન્જેકશનનો ઉપયોગ કરતાં ન હોઇ તેણે પોતાના બીજા મિત્ર નિશીથને ફોન કરી જેનીશના મેસેન્જરમાં અપાયેલા બે એકાઉન્ટ નંબર તેનેઆપી તાત્કાલીક ૫૦ હજાર જમા કરાવવા કહેતાં નિશીથે એક એકાઉન્ટમાં ૩૦ હજાર અને બીજામાં ૨૦ હજાર જમા કરાવી દીધા હતાં.

એ પછી સવારમાં કશ્યપભાઇએ મિત્ર જેનીશને ફોન કરી પૈસા મળી ગયા કે નહિ? તેની વાત કરતાં જેનીશે પોતાને કોઇ અકસ્માત નડ્યો નથી અને કોઇ મેસેજ પણ કર્યા નથી તેમ જણાવતાં કશ્યપભાઇ ચોંધી ગયેલ. તેણે જેમાંથી મેસેજ આવ્યો હતો એ એકાઉન્ટ જેનીશને બતાવતાં તેમાં પ્રોફાઇલમાં જેનીશનો ફોટો પણ જોવા મળ્યો હતો. ઓનલાઇન ફ્રોડ થયાની ખબર પડતાં સાયબર ક્રાઇમમાં અરજી અપાઇ હતી.

તેના આધારે તપાસ શરૂ થતાં પૈસા જે એકાઉન્ટમાં જમા થયા હતાં તે એકાઉન્ટ અલીમહમદ (રહે. સોમકા ભરતપુર રાજસ્થાન)ના નામે હોવાનું સામે આવતાં તેમજ બીજુ એક એકાઉન્ટ એરટેલ પેમેન્ટ બેન્કનું હોઇ તેના ખાતા ધારકની માહિતી મળી નહોતી. પરંતુ રૂ. ૩૦ હજાર જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતાં તે એકાઉન્ટ સુભાષ સુરેશભાઇ જાટવ (રહે. કુતકપુર રાજસ્થાન)નું હોવાનું ખુલતાં સાયબર ક્રાઇમના પીએસઆઇ જે. કે. ગઢવી અને ટીમ રાજસ્થાન રવાના થઇ હતી.

ત્યાંથી ખાતાધારક સુભાષ જાટવ મળી આવતાં તેણે પોતે બેંકમાં નોકરી કરતો હોવાનું અને પોતાના કોૈટુંબીક ભાઇ રામહંસ જાટવ કે જે વિકલાંગ છે તેણે પોતાને વિકલાંગતા સહાયની રકમ મળવાની હોઇ જેથી પોતાના બેંક એકાઉનટ, એટીએમ અને એટીએમ પાસવર્ડ માંગતા તેને આપ્યા હોવાનું કહેતાં પોલીસે રામહંસ જાટવને સકંજામાં લીધો હતો.

રામહંસ જાટવે કબુલ્યું હતું કે તેણે પોતાના જ ગામના સાજીદખાન સરજીદખાનના કહેવાથી પોતાના ભાઇ સુભાષના એકાઉન્ટ નંબર આપ્યા હતાં. સાજીદખાન આ રીતે ઓનલાઇન ચીટીંગ કરવા માટે ગામમાં પંકાયેલો છે. ચીટીંગથી તે જે રૂપિયા મેળવે તે રામહંસ બેંકમાંથી ઉપાડીને તેને આપી દેતો હતો અને તેના બદલમાં તેને ઠગાઇની જેટલી રકમ હોઇ તેમાંથી ૧૦ ટકા કમિશન મળતું હતું. પોલીસે રામહંસ જાટવની ધરપકડ કરી હતી. સાજીદખાન હાથમાં આવ્યો નથી. રામહંસ ઇલેકટ્રીક કામ કરે છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી.વી. બસીયાના માર્ગદર્શનમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ જે. કે. ગઢવી, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, કુલદીપસિંહ જાડેજા , સંજયભાઇ રૂપાપરાએ આ ડિટેકશન કર્યુ હતું.

(4:19 pm IST)