Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

અઢી વર્ષ પહેલાના ૧૫ સેકન્ડના વિડીયોએ ગાયક અને મિત્રને પોલીસ મથકના મહેમાન બનાવ્યા!

રોડ પર કાર ઉભી રાખીને ડાન્સ કરતાં યુવાનોના વાયરલ વિડીયોમાં ક્રાઇમ બ્રાંચની જેટ ઝડપે કાર્યવાહીઃ આર્ટિસ્ટ બલરાજસિંહ અને મિત્ર ભાવિને ભુલ થઇ ગયાનું કહી માફી માંગીઃ અટકાયતી પગલા બાદ મુકત

રાજકોટ તા. ૧: સોશિયલ મિડીયાનો ઉપયોગ સમજીને ન થાય તો ઘણીવાર મુશિબત આવી પડતી હોય છે. શહેરના કાલાવડ રોડ પર પારિજાત સોસાયટીમાં રહેતાં ગાયક-આર્ટિસ્ટ યુવાન બલરાજસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૨૧) અને તેના મિત્ર પ્રહલાદ પ્લોટના ભાવિન જીજ્ઞેશભાઇ ફીચડીયા (ઉ.વ.૨૨) સાથે આવુ જ થયું છે. અઢી વર્ષ પહેલા આ બંનેએ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાસે રોડ પર કાર ઉભી રાખી રેપસોંગ 'રાજકોટ કા રાજા'...નો ૧૫ સેકન્ડનો એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો હવે બલરાજસિંહે પોતાની યુ-ટ્યુબ પરની ચેનલ પર પોસ્ટ કરતાં જ કોઇએ સોશિયલ મિડીયામાં વાયરલ કરી દીધો હતો અને રોડ પર કાર ઉભી રાખી બે યુવાને ડાન્સ કર્યો...પોલીસ શું પગલા લેશે? તેવા સવાલો ખડા કર્યા હતાં. વિડીયો જેટલી ઝડપથી વાયરલ થયો એના કરતાં કયાં વધુ ઝડપથી ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી હતી અને વિડીયોમાં કાર રોડ પર રાખી ડાન્સ કરી રહેલા બંને મિત્રોને શોધી કાઢ્યા હતાં.

બંનેએ સપને પણ વિચાર્યુ નહિ હોય કે ૧૫ સેકન્ડના અને અઢી વર્ષ પહેલાના એક વિડીયોને કારણે પોલીસ મથકના મહેમાન બનવાની વેળા આવશે. પોલીસે બંને સામે અટકાયતી પગલા લઇ મુકત કર્યા હતાં. એ પહેલા બંનેએ પોતાનાથી ભુલ થયાનું અને હવે પછી આવી ભુલ નહિ કરે તેવી ખાત્રી પોલીસને આપી હતી. 

વિડીયો વાયરલ થતાં જ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ તપાસની સુચના આપતાં પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ઝાલાએ આ કાર્યવાહી કરી હતી.

(4:20 pm IST)