Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ, શરણ મળે સાચુ તમારૂ એ હૃદયથી માંગીએ, જે જીવ આવ્‍યો આપ પાસે શરણમાં અપનાવજો, પરમાત્‍મા એ આત્‍માને શાંતિ સાચી આપજો

સ્‍વ. વીણાબેન અજિતભાઇ ગણાત્રાની અશ્રુભીની અંતિમયાત્રા : પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

અકિલા પરિવાર અને ગણાત્રા પરિવાર શોકમગ્ન : અંતિમયાત્રામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા

રાજકોટ તા. ૧ : જેનું જીવન પ્રેરણારૂપ અને આદર્શો અન્‍ય માટે માર્ગદર્શક હતા તેવા લાગણીશીલ અને ધર્મપરાયણ શ્રીમતી વીણાબેન અજિતભાઇ ગણાત્રા (ઉ.વ.૭૦)નો જીવનદીપ ગઇકાલે બુઝાતા કાલે સાંજે તેમની અશ્રુભીનિ અંતિમયાત્રા નિકળેલ. જેમાં ગણાત્રા પરિવાર, અકિલા પરિવાર તેમજ જાહેરજીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને સગા-સબંધીઓ મોટી સંખ્‍યામાં જોડાયેલ. રામનાથપરા મુક્‍તિધામ ખાતે અકિલાના એકઝીક્‍યુટીવ એડિટર શ્રી નિમીષ ગણાત્રાએ પોતાના વ્‍હાલા કાકી વીણાબેનના પાર્થિવદેહને અગ્નિદાહ આપેલ. પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો ત્‍યારે ઉપસ્‍થિત લોકોની આંખોમાંથી અશ્રુધારા વહી હતી.

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગુણવંતરાય ગણાત્રા, જલારામ જ્‍યોતના તંત્રી શ્રી સુરેશભાઇ ગણાત્રા અને રાજેશભાઇ ગણાત્રાના ભાઇ અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતિ વીણાબેન તે અકિલાના એકઝીક્‍યુટીવ એડિટર નિમીષ ગણાત્રાના કાકી અને દિવ્‍યાબેન હિંમતભાઇ અઢીયા (મુંબઇ)ના મોટા બહેન તેમજ  શ્રીમતિ મીનાબેન હરિશભાઇ ચગ, શ્રીમતિ ભારતીબેન લલીતભાઇ સવજાણી, શ્રીમતિ ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા તથા શ્રીમતિ સ્‍મિતાબેન સુનિલભાઇ રાયચુરાના ભાભીનું ગઇકાલે દુઃખદ અવસાન થયું છે. તેમની પ્રાર્થના સભા તા. ૨ ફેબ્રુઆરી ગુરૂવારે સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ᅠ રાષ્ટ્રીય શાળા, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સ્‍વર્ગસ્‍થ વીણાબેન સ્‍નેહના સાગર અને સૌને પોતાના ગણનારા પ્રેમાળ હૈયાવાળા વ્‍યકિત હતા. ધર્મ પ્રત્‍યે ઉંડી લાગણી, અંતરમાં ઉર્મિ અને સૌમ્‍ય સ્‍વભાવ તેમની વિશેષતા હતી. અકિલાની વિકાસયાત્રામાં તેમનો મહત્‍વનો ફાળો રહ્યો છે. તેમની ચિર વિદાયથી અકિલા પરિવાર અને ગણાત્રા પરિવાર પર શોકના ઘટાટોપ વાદળો ઘેરાય ગયા છે.

ગઇકાલે ગણાત્રા પરિવાર નિવાસસ્‍થાન સદર મોટી ટાંકી ખાતે તેમણે ઇશ્વર નામ શ્રવણ સાથે અંતિમશ્વાસ ખેંચ્‍યા ત્‍યારે સૌની આંખો ભીની થઇ ગઇ હતી. અકિલા ખાતે તેમના પાર્થિવદેહના દર્શનાર્થે અને પુષ્‍પાંજલી માટે અકિલા પરિવાર - ગણાત્રા પરિવાર - સગા સબંધીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. અકિલાથી રામનાથપરા મુક્‍તિધામ સુધી અંતિમયાત્રા નિકળેલ. જ્‍યાં પરંપરાગત વિધિ મુજબ તેમની અંતિમક્રિયા કરવામાં આવેલ. અંતિમ સંસ્‍કાર બાદ પ્રાર્થનાસભામાં સૌએ સ્‍વર્ગસ્‍થ વીણાબેનના ઉમદા ગુણોને યાદ કરી શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા.(તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

(11:40 am IST)