Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાજકોટ યાર્ડમાં મગફળીનો સીઝનનો સૌથી ઉંચો ભાવ : ૧૬૫૬ રૂા.ના ભાવે સોદા પડયા

મણે પ૦ રૂા.નો ઉછાળો : એક વીકમાં મગફળીમાં ૧૦૦ થી ૧૫૦ રૂા. વધી ગયા : ચાલુ વર્ષે ઓછા ઉત્‍પાદનના કારણે મગફળીનો રેકર્ડબ્રેક ભાવ થાય તેવી શકયતા

રાજકોટ, તા., ૧: રાજકોટ યાર્ડમાં આજે ચાલુ સીઝનનો મગફળીનો સૌથી ઉંચો ભાવ એક મણના ૧૬૫૬ રૂપીયા બોલાયો હતો. છેલ્લા એક સપ્તાહથી મગફળીના ભાવમાં ઉછાળો થઇ રહયો છે.

રાજકોટ યાર્ડમાં મગફળી જાડીની ૧૪૦૦ કવીન્‍ટલની આવક હતી. એક મણના ભાવ ૧૨૨૦ થી ૧૬૫૬ રૂપીયા બોલાયા હતા. જે ચાલુ વર્ષે સીઝનનો સૌથી ઉંચો ભાવ હોવાનું વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું. જયારે મગફળી ઝીણીની ૨૨૦૦ કવીન્‍ટલની આવકો હતી. ભાવ એક મણના ૧૨૦૦ થી ૧૩૯૩ રૂપીયાના ભાવે સોદા પડયા હતા.

ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્‍પાદન ધારણા કરતા ઓછુ થયું હોય મગફળીના ભાવ સતત વધી રહયા છે. આજે મગફળીના ભાવમાં એક મણે પ૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. છેલ્લા એક સપ્તાહમાં મગફળીમાં ૧૦૦ થી ૧૫૦ રૂપીયાનો ભાવવધારો થઇ ગયો છે.

ગુજરાતમાં ૩૦ થી ૩૨ લાખ ટન મગફળીના ઉત્‍પાદન સામે ચાલુ વર્ષે મગફળીનું રપ લાખ ટન ઉત્‍પાદન થતા મગફળીના ભાવ વધી રહયા છે. આ અગાઉ ત્રણ વર્ષ પુર્વે મગફળી એક મણના હાઇએસ્‍ટ ભાવ ૧૭૫૦ રૂપીયા થયા હતા. ચાલુ વર્ષે મગફળીના ભાવમાં રેકર્ડ બ્રેક ભાવ સપાટી જોવા મળે તો નવાઇ નહી તેમ જાણકાર સુત્રોએ જણાવ્‍યું હતું.

(1:05 pm IST)