Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

તેલંગણાના ગેરેજ સંચાલક રમેશબાબુએ અસલી ૨૫ હજારની સામે નકલી ૧ લાખ લેખે જાલીનોટો મોકલી'તી

જાલીનોટ કોૈભાડઃ આરોપીઓનો આંકડો ૭ થયોઃ એ-ડિવીઝન પોલીસે સુત્રધાર તરીકે જેને દબોચ્‍યો તે હૈદરાબાદના શખ્‍સનું નામ આપે છે : રમેશબાબુને તેલંગણા પોલીસે પણ જાલીનોટો સાથે પકડયો હતોઃ પિતાને કેન્‍સર અને માતા પણ બિમાર પડતાં આર્થિક ભીંસમાં આવી જતાં નકલી નોટોનો ધંધો ચાલુ કર્યાનું રટણઃ રિમાન્‍ડ મેળવવા તજવીજઃ કુલ ૧૫,૮૪,૫૦૦ની નકલી નોટો કબ્‍જે થઇ છે : અગાઉ ઝડપાયેલા રાજકોટ-રાજુલાના પાંચ શખ્‍સો અને નકલી નોટો મોકલનારા પુનાના કમલેશ ઉર્ફ કનૈયાલાલની કબુલાતમાં તેલંગણાના શખ્‍સનું નામ ખુલ્‍યું હતું: પીઆઇ કે. એન. ભુકણ અને ટીમની મુળ સુધી પહોંચવા કવાયત

રાજકોટ તા. ૧: શહેર પોલીસે બેંકના ભરણામાં આવેલી ૫૦૦ના દરની જાલીનોટોના કેસની તપાસમાં ગંભીરતાથી તપાસ કરતાં જાલીનોટનું જબરૂ કોૈભાંડ ખુલ્‍યું હતું. રાજકોટ અને જામનગરના આંગડિયા મારફત ૫૦૦ના દરની નકલી નોટો વટાવી લેવાના કારસ્‍તાનમાં અગાઉ રાજકોટ-રાજુલાના પાંચ અને લાખોની નકલી નોટો મોકલનારા પુનાના શખ્‍સને પકડી જેલભેગા કરી દેવામાં આવ્‍યા હતાં. એ પહેલા પુનાના શખ્‍સે આપેલી કબુલાતના આધારે જાલીનોટોના મુખ્‍ય સપ્‍લાયર એવા તેલંગણાના ગેરેજ સંચાલકને પણ એ-ડિવીઝન પોલીસે દબોચી લીધો છે. પિતા અને માતાની બિમારીમાં મોટો ખર્ચ થઇ જતાં જાલીનોટના ધંધાના રવાડે ચડયાનું રટણ કરતાં આ શખ્‍સને તેલંગણા પોલીસે પણ અગાઉ જાલીનોટ વટાવવાના ગુનામાં દબોચ્‍યો હતો. તે હૈદરાબાદના શખ્‍સ પાસેથી આવી નોટો આવતી હોવાનું રટણ કરી રહ્યો છે. તેણે પુનાના શખ્‍સ પાસેથી ૨૫ હજારની અસલી નોટો સામે ૧ લાખની જાલીનોટો લેખે લાખોની નકલી નોટો આપી હતી.

એ-ડિવીઝન પોલીસે જાલીનોટ કોૈભાંડમાં સાતમા આરોપી તરીકે રમેશબાબુ વૈન્‍કટેહ કસ્‍તુરી (રહે. કોકટ રોડ તંદુર ગામ જી. વિંકારબાદ તેલંગણા)ને દબોચી લીધો છે. તે તેલંગણાના સિકંદરાબાદના ગોપાલપુરમ પોલીસના હાથે પણ અગાઉ જાલીનોટના ગુનામાં પકડાયો હતો. રમેશબાબુ તેના ગામમાં ટુવ્‍હીલરનું ગેરેજ ચલાવે છે. વાહનો રિપેર કરવાનું કામ કરતાં આ શખ્‍સે એવું રટણ કર્યુ હતું કે પોતાના પિતાને કેન્‍સર થઇ જતાં અને બાદમાં માતાને પણ બિમારી લાગુ પડતાં પોતાને મોટી આર્થિક ભીંસ ઉભી થઇ ગઇ હતી. ગેરેજના કામમાં મોટી રકમ મળતી ન હોઇ કેટલાક સમયથી જાલીનોટના ધંધામાં ઝંપલાવ્‍યું હતું. હૈદરાબાદના સાહીલ નામના શખ્‍સ મારફત પોતે નકલી નોટો મેળવી હતી અને પુનાના પીમ્‍પ્રી ગામના કનૈયાલાલ ઉર્ફ કમલેશને આપી હતી. રમેશબાબુએ રટણ કર્યુ હતું કે કમલેશ સાથે તેનો સંપર્ક સોશિયલ મિડીયાથી થયો હતો. તેણે એક લાખની નકલી નોટો સામે કમલેશ પાસેથી પચ્‍ચીસ હજાર અસલી નોટો લેખે સોદો કર્યો હતો અને આ રીતે સતર લાખની નકલી નોટો તેણે કમલેશને આપી હતી. જેમાંથ સાત લાખની નકલી નોટો રાજકોટમાં સપ્‍લાય થઇ હતી. બાકીની કમલેશ ઉર્ફ કનૈયાલાલના પુનાના પિમ્‍પ્રી ગામના ઘરેથી કબ્‍જે લેવામાં આવી હતી.

રમેશબાબુની કેફીયત કેટલી સાચી છે? ખરેખર તે કેટલા સમયથી જાલીનોટોનો ધંધો કરે છે? અત્‍યાર સુધીમાં કમલેશ સિવાય બીજા કોને કોને નોટો મોકલી? તેને આવી નોટો કોણ આપે છે? એ સહિતના મુદ્દે તપાસ હાથ ધરવાની હોઇ બપોર બાદ તેને રિમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ કોૈભાંડમાં અગાઉ પોલીસે રાજુલાના દુર્લભનગરમાં રહેતાં અને હાલ રાજકોટ સાધુ વાસવાણી રોડ નિધી એપાર્ટમેન્‍ટમાં રહેતાં રાજુલાના ઠંડાપીણાની ફેક્‍ટરીના સંચાલક ભરત ઉર્ફ કિશોર મેરામભાઇ બોરીચા (ઉ.૪૦), તેના મિત્ર બાબરા નિલકંઠ પાર્કના તેજસ ઉર્ફ ગોપાલ રાજુભાઇ જસાણી (ઉ.૩૦), રાજકોટ મોટા મવા પેન્‍ટાગોન એપાર્ટમેન્‍ટના વિમલ બિપીનભાઇ થડેશ્વર (ઉ.૩૯), તેના ભાઇ જંકશન પ્‍લોટ-૧૩/૭માં રહેતાં મયુર બિપીનભાઇ થડેશ્વર (ઉ.૪૩), આ બંનેના મિત્ર જંકશન પ્‍લોટ દેના બેંક સામે રહેતાં પંજાબી ઢાબાના સંચાલક ગુરપ્રિતસિંગ ઘનશ્‍યામદાસ કારવાણી (ઉ.૪૭) અને તેના પુનાના પિમ્‍પ્રી ગામે રહેતાં મામાના દિકરા કમલેશ ઉર્ફ કનૈયાલાલ શીવનદાસ જેઠવાણી (ઉ.૪૭)ને પકડી લઇ તમામ પાસેથી કુલ રૂા. ૧૫,૮૪,૫૦૦ની જાલીનોટો કબ્‍જે લીધી હતી.

અગાઉ તપાસમાં ખુલ્‍યું હતું કે રાજુલાનો ભરત ઉર્ફ કિશોર બોરીચા કરોડોના દેણામાં આવી જતાં તેણે લેણદારોને અસલી સાથે નકલી નોટો ભેળવીને ધાબડી દેવાનો વિચાર કર્યો હતો અને આ વાત મિત્ર તેજસ ઉર્ફ ગોપાલને કરતાં તેજસે રાજકોટના મિત્ર મયુર અને વિમલ સોનીનો સંપર્ક કર્યો હતો. આ બંનેના મિત્ર એવા ગુરપ્રિતસિંઘ સુધી વાત પહોંચતાં તેણે પુના સ્‍થિત મામાના દિકરા કમલેશનો સંપર્ક કર્યો હતો અને કમલેશે તેલંગણાના રમેશબાબુ પાસેથી નકલી નોટો ખરીદી રાજકોટ સુધી પહોંચાડી હતી. આ નોટો આંગડિયામાં ભરતે જમા કરાવતાં અને ત્‍યાંથી બેંકના ભરણામાં જતાં તેની તપાસમાં સમગ્ર કારસ્‍તાન ખુલ્‍યું હતું.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી દક્ષિણની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ જી. એન. વાઘેલા, બી. એચ. પરમાર, કે. કે. પરમાર, એએસઆઇ એમ. વી. લુવા, બી. વી. ગોહિલ, હેડકોન્‍સ. વિરભદ્રસિંહ જાડેજા, મુકેશભાઇ ચરમટા, કલ્‍પેશભાઇ બોરીચા, કોન્‍સ. જયરાજસિંહ કોટીલા, જગદીશભાઇ વાંક, કેતનભાઇ બોરીચા, સાગરદાન દાંતી, ભગીરથસિંહ ઝાલા, હરપાલસ્‍ંિહ જાડેજા, હરવિજયસિંહ ગોહિલ, નિરવભાઇ ખીમાણી, અશ્વિનભાઇ પંપાણીયા, રાણાભાઇ મોરી, ગજેન્‍દ્રસિંહ રાઠોડ, સંજયભાઇ જાદવ સહિતે આ કામગીરી કરી હતી. આરોપીના રિમાન્‍ડ બાદ કોઇ વધુ સપ્‍લાયરની સંડોવણી સામે આવવાની શક્‍યતા છે. 

(1:08 pm IST)