Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કાલાવડ રોડ જડુસ ચોક બ્રિજ શનિવારથી ધમધમશે

૨૮.૫૨ કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ : ૩૬૦ મીટર લંબાઇ અને ૧૫.૫૦ મીટર પહોળાઇનો બ્રિજ બે વર્ષમાં થયો તૈયારઃ રાજ્‍યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્‍તે લોકાર્પણ અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિત રહે તેવા પ્રયાસો : ૨ લાખથી વધુ શહેરીજનોની ટ્રાફિક સમસ્‍યાનો હવે આવશે અંત

રાજકોટ તા. ૧ : શહેરમાં ટ્રાફિક સમસ્‍યા હળવી કરવા મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્‍તારમાં ઓવરબ્રીજ બનાવામાં આવી રહ્યા છે ત્‍યારે શહેરના કાલાવડ રોડ પર જડુસ ચોકમાં ૨૮ કરોડથી વધુ ખર્ચથી બની રહેલ ઓવરબ્રીજનું કામ પૂર્ણ થઇ ગયું છે ત્‍યારે હવે આ ઓવરબ્રિજ તા. ૪ ફેબ્રુઆરી શનિવારે શહેરીજનો માટે ખુલ્લો મુકવાથી અંદાજીત ૨ લાખ નાગરિકોને લાભ થશે અને અવર-જવર પરિવહનમાં ફાયદો થશે સાથે ટ્રાફિકની સમસ્‍યા નહીંવત બનશે. આ બ્રિજનું લોકાર્પણ રાજ્‍યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્‍તે કરવામાં આવશે તેમજ આ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિત રહે તેવા પ્રયાસો મનપા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ અંગેની પ્રાપ્‍ત માહિતી મુજબ શહેરનો દિન પ્રતિદિન ખુબ જ વિકાસ થઇ રહ્યો છે અને શહેરમાં વાહનનો પણ ખૂબ જ વધારો થઇ રહ્યો છે તે ધ્‍યાનમાં રાખી ટ્રાફિક સમસ્‍યા હળવી બને તે માટે મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સરકારના સહયોગથી ૨૧ જાન્‍યુ. ૨૦૨૧ના શહેરના હોસ્‍પિટલ ચોક, નાના મવા, રામાપીર ચોકડી તથા જડુસ ચોક તેમજ કેકેવી ચોકમાં ફલાય ઓવરબ્રીજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્‍યું હતું અને તાજેતરમાં વડાપ્રધાન મોદીના હસ્‍તે હોસ્‍પિટલ ચોક ટ્રાયેન્‍ગલ ઓવરબ્રીજ, નાનામવા ચોક તથા રામાપીર ચોકડી ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.

શહેરના કાલાવડ રોડ પર આવેલ કેકેવી ચોકમાં ૧૨૯.૫૩ કરોડના ખર્ચે મલ્‍ટીલેવલ ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રીજનું કામ ૭૦ ટકા પૂર્ણ થયું હોવાનું તંત્રવાહકો જણાવી રહ્યા છે. આ બ્રીજના ૧૯૫ ગડરમાંથી ૧૪૨ ગડર મુકાય ગયા છે.

જ્‍યારે જડુસ ચોકમાં ૨૮.૫૨ કરોડના ખર્ચે એજી ચોકથી મોટા મવા પુલ સુધીનો ફોર લેનનો ઓવરબ્રીજનું કામ  પૂર્ણ થયુ છે. આ બ્રીજમાં બંને તરફના એપ્રોચ રોડનું કામ ચાલુ છે. આ બ્રીજનું લંબાઇ ૩૬૦ મીટર અને પહોળાઇ ૧૫.૫૦ મીટર છે.

(3:50 pm IST)