Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સવારથી રાત સુધી ‘ટ્રાફીક જામ'માં પીસાતી પ્રજા ઉપર દંડ રૂપી કોરડો વિંઝતી ભાજપ સરકાર : કોંગ્રેસ

ચુંટણી ઉપર દંડ વસુલાતમાં બ્રેકની જાહેરાત કરી મતો અંકે કરી લીધા બાદ ફરી સરકારી તિજોરી ભરવાનું શરૂ : આકરા પ્રહારો

રાજકોટ, તા., ૧:  રાજકોટમાં ખરડાયેલી ટ્રાફિક પોલીસને લીધે શહેરની ટ્રાફિક સમસ્‍યા દિવસે ને દિવસે વધુ વિકટ બની રહો છે--  ઓછામાં પૂરું જેને ખોબલે ખોબલે મત આપ્‍યા તે ભરોસાની ભાજપ સરકારે પણ ચૂંટણીમાં ખાલી થઇ ગયેલી તિજોરી  ભરવા રાજ્‍યભરની ટ્રાફિક પોલીસને પેન્‍ડિંગ મેમો ભરપાઈ કરાવવા સૂચના આપી દીધી છે તો બીજી તરફ માત્ર ટ્રાફિક  બ્રિગેડને હવાલો સોંપી દેતા સતત ટ્રાફિકજામનો સામનો કરતી પીસાતી અને પીડાતી પ્રજામાં પણ સરકારની આ પ્રજા  વિરોધી નીતિ સામે રોષ ભભુકી ઉઠયો છે ત્‍યારે રાજકોટમાં દંડ નહીં ભરનાર લોકોના વાહનો કબ્‍જે કરવાની ચીમકી  આપનાર ટ્રાફિક ડીસીપી સામે કોગ્રેસ ના જશવંતસિંહ ભટ્ટી, ગોપાલભાઈ અનડકટ, ડી.પી.મકવાણા, રણજીત મુંધવાએ  આકરા પ્રહારો કરી વિરોધ નોંધાવ્‍યો છે.   

પ્રદેશ કોગ્રેસના જશવંતસિંહ ભટ્ટી, ગોપાલભાઈ અનડકટ, ડી.પી.મકવાણા, રણજીત મુંધવા ની એક યાદીમાં  જણાવાયું છે કે શહેરમાં ટ્રાફિક સમસ્‍યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે લોકો આ કથડીને ખાડે ગયેલી ટ્રાફિક  કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે જયારે કાયદાના ક થી પણ વાકેફ ન હોય તેવા ટ્રાફિક બ્રિગેડને હવાલે વ્‍યવસ્‍થા  સોપી દઈ પોલીસે પોતાના પગ પર કુહાડો માર્યો છે ટ્રાફિક પોલીસના જવાનોને કામ કરવામાં રસ ન હોય તેમ નિરાંતે  બેઠા હોય છે જયારે ટ્રાફિક બ્રિગેડના જવાનો પોતે જ જાણે કમિશ્નર હોય તેમ વાહચાલકો સાથે બેહુદું વર્તન કરી ટ્રાફિક  પોલીસની આબરૂને કાળી ટીલી લગાડી રહ્યા છે લોકો સાથે કેમ વાત કરવી, કેવું વર્તન કરવું તેની પણ આ ટ્રાફિક  બ્રિગેડના રોજમદાર જવાનોને ભાન નથી હોતી.   

એક તરફ ટ્રાફિક સમસ્‍યા હળવી કરવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ દરરોજ કલાકો સુધી  ટ્રાફિકમાં ફસાઈને પેટ્રોલ તથા સમયનો વ્‍યય થતો હોય જેથી પીડાતી અને પીસાતી પ્રજામાં આવા બેકાર વહીવટ સામે  ભયંકર રોષ ભભુકી ઉઠયો છે સરકારે ચૂંટણી ટાણે બંધ કરેલા ઈ મેમોના બાકી ઉઘરાણા કરી તિજોરી ભરવા આદેશ  આપ્‍યા છે. જે લોકોના એક કે ત્રણથી વધુ મેમો બાકી હોય અને દંડ ન ભરતા હોય તેવા લોકોના વાહનો જપ્ત કરવા  આદેશો અપાતા પ્રજામાં ભારે નારાજગી પ્રવર્તી રહે છે.

સરકારના આ પ્રજા વિરોધી આદેશ સામે જશવંતસિંહ ભટ્ટી, ગોપાલભાઈ અનડકટ, ડી.પી.મકવાણા, રણજીત  મુંધવાએ વધુમાં પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે કોેરોનાકાળમાં લોકોએ પોતાના મા-બાપ, દીકરા, દીકરી કે અમુક  પરિવારોએ ઘરના મોભીને ગુમાવ્‍યા છે અમુક ઘરમાં કમાનાર કોઈ રહ્યું નથી આવી પરિસ્‍થિતિમાં લોકોને સાંત્‍વના  આપવાને બદલે પોલીસ દ્વારા થતી બાકી પેન્‍ડિંગ મેમોની ઉઘરાણી દાજયા પર ડામ સમાન છે ટ્રાફિક પોલીસ બાકી મેમો  ઉઘરાવે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ તે પહેલા યોગ્‍ય સુવિધા આપે તે જરૂરી છે.

(3:51 pm IST)