Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

વ્યવસાય અને રાજનીતિમાં જનજનને જોડતા રામભાઇ મોકરીયા

ઓકટ્રોયમાં નોકરીથી કારકીર્દી શરૂ કર્યા પછી કુરીયરનો પોતાનો વ્યવસાય વિકસાવ્યો : મારૂતિ કુરીયર્સનું આજે દેશ-વિદેશમાં નામ : પ્રેરણાદાયી સંઘર્ષગાથા

રાજકોટ : એક બહુ જાણીતી કાવ્યપંકિત છે 'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી'. તાજેતરમાં જ રાજયસભાના સભ્ય તરીકે બિનહરિફ ચૂંટાયેલા રામભાઇ મોકરીયા માટે આ પંકિત સુંસંગત બની છે.

આજે તો રામભાઇને  ઘણા લોકો ઓળખે છે. દેશભરમાં ૨૯૦૦ સેન્ટર્સ પર એમની ઓફિસ છે અને સેવાક્ષેત્રમાં પણ મોટું નામ છે પરંતુ બહુ ઓછા લોકો એવું જાણે છે કે સફળતાના આ શિખર પર પહોંચતાં પહેલાં એમણે પગની પીંડી તૂટી જાય એટલો સંઘર્ષ કર્યો છે. સમાજજીવન અને રાજકારણના રાજમાર્ગ પર તેઓ ઘણા આગળ વધ્યા છે. પરંતુ ત્યાં પહોંચતાં એમના પગમાં કેટલા કાંટા વાગ્યા છે, કેટલાં વાઢિયાં પડ્યાં છે તે તો રામભાઇ પોતે અને એમનો પરિવાર જ જાણે છે.

રામભાઇ મોકરીયા હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. સ્વ. અભયભાઇ ભારદ્વાજના અવસાનથી ખાલી પડેલી બેઠક પર એમની પસંદગી થઇ અને તેઓ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. તેઓ કહે છે, મારા પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહે વિશ્વાસ મૂકયો છે તેને હું ચરિતાર્થ કરી બતાવીશ. રાજય સભાનો સદસ્ય એ એક મતવિસ્તારનો નહીં પરંતુ રાજયના પ્રતિનિધિ ગણાય. તે દ્રષ્ટિએ રામભાઇ કહે છે, સૌરાષ્ટ્રના મહત્વના પ્રશ્ર્નોના નિરાકરણ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.

આમ તો નરેન્દ્રભાઇએ સૌરાષ્ટ્રને એઇમ્સ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મહત્વાકાંક્ષી યોજનાની ભેટ આપી દીધી છે. હવે આ પ્રોજેકટ ઝડપથી પૂર્ણ થાય એ માટે કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને સ્થાનિક તંત્રની વચ્ચે જે કંઇ પણ સંકલન કરવાનું હશે તેમાં હું સહભાગી બનવાની તત્પરતા રામભાઇએ વ્યકત કરી છે.

તેઓ કહે છે કેન્દ્ર સરકારે છેલ્લા છ વર્ષમાં લોકકલ્યાણની અનેક યોજના મૂકી છે. જેના સુધી એનો લાભ પહોંચવો જોઇએ એ લોકો સુધી પહોંચાડવામાં હું નિમિત્ત્। બનીશ. જેમને જાણ નથી એમને યોજનાની જાણ કરીશ. આવાસ યોજના, આયુષ્યમાન ભારત જેવી સ્વાસ્થ્યલક્ષી યોજનાથી લઇને બધું જ છે બસ લોકો સુધી વધુને વધુ પ્રમાણમાં એ પહોંચે એવા પ્રયાસ કરીશ.

રામભાઇ મોકરીયા સમાજના તમામ વર્ગ માટે ચિંતીત છે એનું કારણ એ છે કે તેઓ પોતે અત્યંત સાધારણ પરિવારમાંથી અને સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે.

પોરબંદરના ભાડમાં જન્મ

એમનો જન્મ ૧ જુન ૧૯૫૭ના  પોરબંદરના ભડ ગામે, હરજીભાઇ મહેતા અને ગંગાબહેન મહેતાના ઘરે થયો હતો. અબોટી બ્રાહ્મણ હરજીભાઇના વડવાઓ મોકર ગામના એટલે અટક રાખી મોકરિયા. ખીમજીભાઇ, ભાણજીભાઇ અને રમાબહેન, રામભાઇના ભાઇઓ અને બહેન. ઉછેર એમનો ભડમાં થયો. આમ અબોટી બ્રાહ્મણો ખેડુત ગણાય પરંતુ મોકરિયા પરિવારની આર્થિક સ્થિતિ એટલી બધી સદ્ઘર નહીં. સાવ એટલે સાવ સામાન્ય.

રામભાઇ પાંચમાં ધોરણમાં હતા ત્યારે સુતારીકામના વર્કશોપમાં જોડાયા હતા. દરરોજ પચાસ પૈસા મળે. એક માસ કામ કર્યું અને પંદર રૂપિયા મળ્યાં એમાંથી ભણવા માટેના પુસ્કત અને જુના કપડાં ખરીદ્યા. આઠમાંથી અગિયારમાં ધોરણ સુધી તેઓ પોરબંદરના દીનદયાળ છાત્રાલયમાં ભણ્યાં. રહેવા, જમવા, ભણવાનું બધું મફત. ભણતાં ભણતાં એમણે કયારેય કોઇ મોજ શોખ નથી પાળ્યાં. કયારેય નથી ફિલ્મ જોઇ. હંમેશા નોકરી કરી છે. ક્રિકેટનો શોખ હતો પણ બેટ-બોલ ખરીદવાના પૈસા નહોતા.

પાનના ગલ્લે નોકરીની શરૂઆત

રામભાઇએ પાનની દુકાને નોકરી કરી છે, સૌરાષ્ટ્ર કેમિકલ્સમાં ઓપરેટર તરીકે કામ કર્યું. ઓકટ્રોય કલર્ક તરીકે પણ નોકરી કરી. મોટાભાઇ ખીમજીભાઇ મજુરી કરતા અને પૈસા આવે એમાંથી રામભાઇને ભણવામાં મદદ કરતા. ૧૯૭૬માં ફીના પૈસા નહોતા એટલે ભણતાં ઊઠી ગયા.૧૯૭૮માં બન્ને ભાઇઓના લગ્ન કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે રૂ.૫૦૦૦માં ખેતર વેંચ્યું હતું. રામભાઇના પત્ની શોભનાબહેન એફ વાય બી.એ.માં ભણતાં. રામભાઇએ તો ભણવાનું મૂકી દીધું હતું પણ પછી ફરી શરૂ કર્યું અને ૧૯૭૮થી પોરબંદરની માધવાણી કોલેજમાં ભણતર શરૂ કર્યું. બન્ને સ્નાતક થયા. આજે પણ રામભાઇ કહે છે કે શોભના લક્ષ્મી છે. એના પગલે મારો ઉત્કર્ષ થયો છે. જે દિવસે રાજયસભાના સદસ્ય તરીકે એમની પસંદગી થઇ એ ૨૨ ફેબ્રુઆરી એમની સગાઇનો દિવસ હતો.

એસએસસી પાસ કર્યા પછી કોલેજમાં જવાના પૈસા નહોતા તો પીટીસી કરવાની કોશિશ કરી. શિક્ષક તરીકે નોકરી મળી જાય તો આવક શરૂ થાય. પરંતુ એમાં પણ એડમિશન ન મળ્યું.  મહિને દોઢ સો રૂપિયાના પગારથી ઓકટ્રોય કલાર્ક તરીકે કામ કર્યું. બીએ એલએલબી સુધી ભણ્યા. અને પછી મારૂતિ ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો સર્વીસ શરૂ કર્યું. જયારે કુરીઅર એટલે આંગડિયા એવો રૂઢિગત ખ્યાલ હતો ત્યારે એમણે આધુનિક ઢબે કુરીયર શરૂ કર્યું. આજે દેશમાં ૨૮૦૦ અને યુ.કે.માં ૪ ઓફિસ છે. મારૂતિ કુરીયર ઉપરાંત હાર્મની હોટેલ, મારૂતિ લોજીસ્ટિકસ, રીઅલ એસ્ટેટ સહિતના ક્ષેત્રે એમની સિદ્ઘિઓ છે. ૧૪૦૦૦ જેટલા લોકોને રોજગારી આપવામાં તેઓ નિમિતે બને છે.

મોકર અને પોરબંદરની આસપાસના ગામોમાંથી યુવકોને એમણે તાલીમ આપી, નોકરી આપી. રહેવા-ભોજનની સુવિધા ઉપરાંત પગાર. મુંબઇ કે અમદાવાદ જેવાં શહેરમાં યુવાનોને નોકરી મળતી. એમના સંતાનો-પરિવારને સારૂ જીવન ધોરણ મળ્યું આજે એમાના અનેક લોકોના સંતાનો વિદેશ ભણે છે. રામભાઇએ અબોટી બ્રાહ્મણ પરિવારો માટે પોતાનાથી બનતુ બધું કર્યું. કૃષિ એમનો મુખ્ય વ્યવસાય હતો પરંતુ અબોટી બ્રાહ્મણ પરિવારના યુવકોને એમણે કુરીઅર બિઝનેસમાં જોડયા. અબોટી સમાજમાં રીતસર એક પ્રકારે આર્થિક ક્રાંતિ કરી હતી એમ કહી શકાય.

રાજકોટમાં એન્ટ્રી

૧૯૭૮માં રામભાઇએ પહેલીવાર રાજકોટ જોયું હતું. આજે રાજકોટ, અમદાવાદ સહિત દેશના મોટાં-નાના શહેરોમાં એમની ઓફિસ છે. પોતાનો રૂ. ૭૦૦ના માસિક પગારથી નોકરી મળે એવી ઇચ્છા રાખનાર રામભાઇ મોકરીયા આજે ૧૪૦૦૦ લોકોની રોજગારી માટે નિમિત્ત્। બન્યા છે. કુરીઅર સર્વીસની શાખ એમણે બનાવી. પોસ્ટલ ડીપાર્ટમેન્ટની હડતાળ હતી ત્યારે સરકારી ટપાલો, પાર્સલ એમણે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર લોકો સુધી પહોંચાડીને સરકારને સહયોગ આપ્યો હતો. તાજેતરમાં કોરોનાકાળ દરમિયાન પણ અન્ય કંપનીઓની જેમ બમણાં-ત્રણ ગણા ચાર્જ લેવાના બદલે એમણે કુરીયરના જે ચાર્જ હોય એ જ પૈસાથી પાર્સલ પહોંચાડ્યાં હતાં.

મારૂતિ કુરીયર આજે કુરીઅર સર્વીસનો પર્યાય છે. આર્થિક કમાણીની સાથે એમણે સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવામાં પણ પાછીપાની કરી નથી.

કોરોના કાળ દરમિયાન પ્રધાનમંત્રી રાહત ફંડમાં મારૂતી કુરીઅર તરફથી રૂ. ૧ કરોડ ૮ લાખ અર્પણ કરાયા હતા. જયારે મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ. ૧૦ લાખ ૮૦ હજારનું દાન એમણે આપ્યું છે. મારૂતી કુરીયર સર્વીસીઝ પ્રાઇવેટ લિમિટેડના કર્મયોગીઓ દ્વારા એક દિવસના પગાર પેટે કુલ રૂ. ૮,૧૦,૦૦૦ દેશની પ્રજાના સ્વાસ્થ્ય માટે અર્પણ કરાયા છે.

સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો હોય કે કચ્છનો ધરતીકંપ  હોય, કે પછી કારગીલનું યુદ્ઘ હોય મારુતી કુરીઅર સર્વીસનું આર્થિક યોગદાન સમાજના હીતમાં હંમેશાં રહ્યું છે. પુલવામા હુમલા વખતે રાષ્ટ્રની રક્ષા કાજે શહીદ થયેલા ૪૦૦ સૈનિકોના પરિવાર માટે રાષ્ટ્રીય જવાબદારીના ભાગરૂપે રૂ.૧૧,૧૧,૧૧૧નું આર્થિક યોગદાન એમણે આપ્યું હતું.

     એમને પદ તો આજે મળ્યું છે પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી હંમેશા નિભાવી છે. સૌરાષ્ટ્રમાં કુરીઅર વ્યવસાયમાં જીએસટી અને ઇનકમટેકસ ભરવામાં મારૂતિ એકથી પાંચ ક્રમે હોય છે.

રાજકારણમાં કેવી રીતે આવ્યા?

રાજયસભાના સદસ્ય રામભાઇ મોકરીયા ફકત પોરબંદર વિસ્તારના નહીં સૌરાષ્ટ્રના સામાજિક અગ્રણી છે એવું કહેવામાં જરાય અતિરેક નથી. બેચલર ઓફર આર્ટ્સ અને એલ.એલ.બી. સુધીનો એમણે અભ્યાસ કર્યો છે.૧૯૭૬થી એટલે કે યુવાવસ્થાથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ૧૯૭૮થી જનસંઘમાં તેઓ સક્રિય છે. આજ સુધી ભાજપમાં એમનું નિસબત અને નિષ્ઠાપુર્વકનું યોગદાન રહ્યું છે.

૧૯૮૯ થી ૧૯૯૫ સુધી પોરબંદર નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષના તેઓ કાઉન્સિલર રહી ચૂકયા છે. ૧૯૯૦ થી ૧૯૯૨ પોરબંદર શહેર ભાજપ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી અદા કરી છે. જયારે ૯૨ થી ૯૪ દરમિયાન પોરબંદર શહેર ભાજપના પ્રમુખ રહ્યા બાદ લોકોને સાથે રાખીને ચાલવાની એમની કાર્ય પ્રણાલી, સમાજ જીવનના પ્રશ્ર્નોને પક્ષના માધ્યમથી કેમ વાચા આપવી એની સૂઝને પારખીને ૨૦૦૫ થી બે ટર્મ સુધી રામભાઇને ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીમાં પણ સ્થાન અપાયું હતું. આટલી સાતત્યપૂર્ણ રાજકીય કારકિર્દી ગરિમાપૂર્ણ અને સ્વચ્છ રહી છે.

     નરેન્દ્રભાઇ મોદી રાજકોટથી ચૂંટણી લડયા ત્યારે ઘણી બધી વ્યવસ્થા રામભાઇએ સંભાળી હતી. રામભાઇ પક્ષ અને લોકોની વચ્ચે, કાર્યકર્તાઓ અને મોટા નેતાઓની વચ્ચે સેતુ બન્યા છે. એટલે જ તેમણે વ્યવસાય પણ સેતુ બનવાનો પસંદ કર્યો છે.

મારૂતિ કુરીયર નામ કેવી રીતે પડયુ? રામભાઇ કહે છે, ભગવાન રામની વીંટી લઇને હનુમાનજી લંકામાં ગયા હતા. પર્વત પણ તેઓ ઊપાડીને આવ્યા હતા. કુરીયરનું કામ માણસને માણસથી જોડવાનું કામ છે. બસ આવા વિચારોથી રામભાઇએ કુરીયર્સના ધંધાને મારૂતિ કુરીયર નામ આપ્યુ. રામભાઇએ વ્યવસાયમાં અને જીવનમાં બન્નેમાં એ કામ કર્યું છે. (૧૬.૭)

રામભાઈ મોકરીયા

રાજયસભાના સાંસદ

મો.૯૯૨૫૧ ૧૮૯૯૯

(4:52 pm IST)