Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

આજી ડેમમાં ઠાલવવા ફરી નર્મદાના નીર વહેતા કરાયા

આનંદો : ઉનાળામાં વધુ એક વખત નર્મદાનીર બનશે તારણહાર : હાલ માત્ર ૩૦ દિવસનું જ પાણી હોઇ મનપાની અપીલ બાદ સરકારે ધોળી ધજામાંથી રાજકોટ તરફ નર્મદાનીર કર્યા રવાનાઃ ત્રણ દિવસમાં આજીમાં પહોંચશે 'માં નર્મદા'

રાજકોટ, તા., ૧: શહેરમાં ઉનાળામાં સંભવીત જળકટોકટીમાંથી હવે રાજકોટ ઉગરી જશે કેમ કે વધુ એક વખત નર્મદાનીરથી આજી ડેમ ભરી દેવાશે. આ માટે ધોળીધજાથી રાજકોટ તરફ નર્મદાનીર વહેડાવવાનું શરૂ કરાયું છે. જે બે ત્રણ દિવસમાં આજી સુધી પહોંચી જશે.

આ અંગે રાજય સરકારના ટોચના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં હવે માત્ર ૩૦ દિવસનું જ પાણી હોઇ ઉનાળામાં જળકટોકટીના એંધાણ વર્તાતા રાજકોટ મનપાએ આજી ડેમમાં વહેલી તકે નર્મદા નીર ઠાલવવા પત્ર પાઠવી અનુરોધ કર્યો હતો.

આ પત્રના અનુસંધાને આજથી સરકારે ધોળી ધજામાંથી પાણી ઉપાડીને રાજકોટ તરફ રવાના કરવાનો પ્રારંભ કરાવ્યો છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ આગામી બે-ત્રણ દિવસમાં નર્મદા નીર આજીમાં ઠાલવાનું ચાલુ થઇ જશે. અને ૧ મહિનામાં અંદાજે ૬૦૦ એમ.સી.એફ.ટી. જેટલો જળ જથ્થો ઠાલવી ડેમને ભરી દેવાશે.

નોંધનીય છે કે, હાલમાં આજી ડેમનો જીવંત જળજથ્થો ૧પ૦ એમ. સી. એફ. ટી. જળ જથ્થો છે. રોજનું પ એમ. સી. એફ. ટી. પાણી આજીમાંથી ઉપાડાય છે. આમ આ પાણી માત્ર ૧ મહીનાનું છે. ત્યારે હવે નર્મદા નીરથી ડેમ ભરી દેવાની ઉનાળો હેમખેમ પાર ઉતરી જવાની આશા છે.

(4:53 pm IST)