Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ડી.કે.ના ઉચ્ચારણોનો ધગધગતો મામલો પ્રદેશ સુધી પહોંચ્યોઃ વિરોધી જુથ પગલા લેવડાવવા મેદાને

માર્કેટયાર્ડની ચૂંટણી નજીક હોવાના સમયે જ રાજકીય ગરમાવો : સખિયા કહે છે કોઈએ મારા ભળતા અવાજમાં ઓડીયો વાઈરલ કર્યો છે

રાજકોટ, તા. ૧ :. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયાએ ધોરાજી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ નિલેષ કણસાગરા સાથે મોબાઈલ ફોનમાં કરેલી કથિત વાતચીતનો ઓડીયો વાઈરલ થતા મામલો ગરમાયો છે. ઓડીયોમાં ડી.કે. જિલ્લાના ભાજપના અમૂક ઉમેદવારોને હરાવવા પ્રયત્નશીલ હોય અને તેવુ આહ્વાન કરતા હોય તેવા ઉચ્ચારણો કર્યા છે. દસેક દિવસ પહેલાની આ વાતચીત તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીના બે દિવસ પૂર્વે વાઈરલ થઈ હતી. જો કે ડી.કે. સખિયા કથિત વાતચીતનો અવાજ પોતાનો હોવાનું નકારી પોતાને બદનામ કરવા માટે હિતશત્રુનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કરે છે.

વાતચીતમાં ડી.કે.એ જિલ્લા ભાજપ પ્રમુખ સામે આક્રોશ વ્યકત કર્યો છે. ત્રણેય મહામંત્રીઓ અંદરોઅંદર ઝગડી રહ્યાનો ઉલ્લેખ કર્યો છે. 'અમે તો બધા નીકળી ગયા છીએ, ધબધબાટી બોલાવીએ છીએ, અમે અત્યારે તાકાત બતાવીએ છીએ. ચૂંટણીમાં પાડી જ દયો એવું મેં કહી દીધુ છે. જિલ્લા પંચાયતના સભ્યો પાડવા માટે આ કરવુ પડે. નાગદાનના ભત્રીજાને પાડી દેવો (હરાળ દેવો) છે. પાડી દયો' વગેરે વિધાનો સાંભળવા મળે છે.

ભાજપમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીના જૂના ઓડીયોનો વિવાદ માંડ શાંત થયો ત્યાં પૂર્વ જિલ્લા પ્રમુખનો ઓડીયો વાઈરલ થતા ચર્ચા જાગી છે. જિલ્લા ભાજપનું તેમનુ વિરોધી જુથ ડી.કે. સખિયા સામે પગલા લેવડાવવા માટે મક્કમ છે. શિસ્તભંગના પગલાનો આધાર પ્રદેશના વલણ પર છે. ભાજપના બે જુથોના ઝગડામાં કાલનું પરિણામ પણ અસરકર્તા બનશે.

(4:55 pm IST)