Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પોતાના સુખે સુખી થનારા તે સ્વાર્થી, અન્યના દુઃખે દુઃખી થઈને સુખનું નિમિત્ત બનનારા પરમાર્થી : રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.

પરમ ગુરુદેવની એક સાથે ૪૧ સંત-સતીજીઓ સાથે શ્રી જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘમાં મંગલ પધરામણી

 રાજકોટઃ ભુપુત્ર જેવું જીવન અને જવાબદારી નિભાવવાના પરમ બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૪૧ સંત-સતીજીઓના શ્રી જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘમાં  મંગલ પદાર્પણ કરેલ.

છેલ્લાં નવ નવ મહિનાથી ગિરનારની ધરા પર બિરાજમાન થઈને પ્રભુધર્મનો જયનાદ ગજાવી રહેલાં પરમ ગુરુદેવ, શ્રી જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘની ભાવભીની વિનંતિને લક્ષમાં રાખીને એક સાથે ૪૧ સંત-સતીજીઓ સાથે શ્રી સંઘના આંગણે પધારતાં જ અત્યંત અહોભાવ અને અંતરના ઉમળકા સાથે સંયમી આત્માઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે પૂજ્ય શ્રી સરલાબાઈ મહાસતીજીની મંગલ ઉપસ્થિતિ સાથે સમસ્ત સંઘના સેંકડો ભાવિકો ભકિતભાવે ઉપસ્થિત રહ્યાં હતાં.

 નાભિનાદ સાથે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરાવ્યાં બાદ આ અવસરે પરમ ગુરુદેવે મધુર શૈલીમાં બોધ વચન ફરમાવતાં કહ્યું હતું કે, આત્માને પરમાત્માના યોગની પ્રાપ્તિ પુણ્યના આધારે જ થતી હોય છે માટે જ દરરોજ સવારે સ્વયંના પુણ્યનું એનાલિસીસ કરતાં કરતાં પુણ્યબંધનું પ્લાનીંગ કરતાં રહીએ. આપણી આસપાસના પુણ્યવિહિન પરિવારને ધર્મ સ્વજન બનાવીને આપણાં પુણ્યમાં એમને પણ ભાગીદાર બનાવીએ કેમકે, પ્રભુને યાદ કરતો એક પણ પરિવાર, કદી દુૅંખમાં કે મુંજવણમાં ન રહે એની જવાબદારી દરેક પ્રભુપુત્રની હોય છે. આત્મ કલ્યાણની સાધના સાથે હૃદયમાં જ્યારે અન્યના દુઃખ પ્રત્યે કરૂણાનો ભાવ જન્મે છે ત્યારે તે સાધના સાર્થક બની જતી હોય છે. કરૂણાભાવ વિનાનું આત્મકલ્યાણ કદી સાર્થક નથી બનતું. પ્રભુના પુત્ર હોય એનું જીવન પણ પ્રભુ સમાન હોય અને એની જવાબદારીઓ પણ  પ્રભુપુત્ર સમાન હોય. પોતાના સુખે જ સુખી થનારા આ જગતના અનેક સ્વાર્થી જીવો વચ્ચે જે અન્યના દુઃખે દુઃખી થઈને એના સુખનું નિમિત્ત બને છે તે પરમાર્થી હોય છે. પરમાર્થ કરીને પ્રભુપુત્ર બનવાની જવાબદારી જે નિભાવે છે એને ભવોભવ પ્રભુપુત્ર બનાવવાની જવાબદારી સ્વયં એના પુણ્ય નિભાવી લેતાં હોય છે.

પરમ ગુરુદેવની મનનીય વાણીધારા સાથે જ આ અવસરે ડો. પૂજ્ય શ્રી ડોલરબાઈ મહાસતીજી, નૂતનદીક્ષિત પૂજ્ય શ્રી પરમ ઋજુમિત્રાજી મહાસતીજી તેમજ પૂજ્ય શ્રી પરમ ઋષિમિત્રાજી મહાસતીજીએ સુંદર ભાવોની અભિવ્યકિત કરેલ.

 સંઘપ્રમુખ લલીતભાઈ દોશી, પ્રોફેસર વજુભાઈ દામાણી સાહેબ તેમજ શ્રી સુરેશભાઈ કામદારે પરમ ગુરુદેવ પ્રત્યે અહોભાવ અને ઉપકારભાવની અભિવ્યકિત કરી હતી. શ્રી સંઘ તરફથી કરવામાં આવેલી આગામી ચાતુર્માસની ભાવભીની વિનંતિનો સ્વીકાર કરીને વર્ષ ૨૦૨૧ના ડો. પૂજ્ય શ્રી ડોલરબાઈ મહાસતીજી આદિ ઠાણાઓના ચાતુર્માસની ઘોષણા થતાં સહુએ હર્ષનાદથી વધાવી લીધી હતી. શ્રી સંઘમાં અનન્ય સેવા પ્રદાન કરી રહેલાં નવા નિયુકત કરેલાં પદાધિકારીઓને નમસ્કારમંત્રની  ફ્રેમ અર્પણ કરેલ.

(4:59 pm IST)