Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

૧૮ વર્ષથી વધુના લોકો માટે આજે ખાસ દિવસઃ ગુજરાત દિન પર વિનામૂલ્યે વેકસીનેશન શરૂ

રાજકોટ મનપા દ્વારા અલગ અલગ ૪૮ સ્કૂલ પર વેકસીન માટે વ્યવસ્થા ગોઠવામાં આવી, તો વડોદરામાં ૭૬ સેન્ટર પર કોરોનાની રસી અપાશે

અમદાવાદ, તા.૧: આજે ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાતમા વેકસીનેશન અભિયાન શરૂ થઈ ગયો છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપવામાં આવશે. ગુજરાત રાજયના સ્થાપના દિવસ એટલે આજે ૧ મેથી ગુજરાતમાં વેકસીનેશનનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મોટી સંખ્યામાં જાગૃત લોકો વેકસીન લેવા સેન્ટર પર પહોંચી ગયા છે. રાજયના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજય સરકાર વિનામૂલ્યે વેકિસન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આજથી યુવાનોના વેકસીનેશનનો આરંભ થઈ ગયો છે.

સરકારે આપ્યો ૨.૫ કરોડ વેકસીનનો ઓર્ડર

ગુજરાત સરકારે રાજયના લોકોને નિશુલ્ક રસી લગાવવા માટે પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટને ૨ કરોડ વેકસીનનો તથા ભારત બાયોટેકને ૫૦ લાખ વેકસીનનો ઓર્ડર આપ્યો છે. આ તમામ વેકસીન સ્વદેશી છે. જે ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવી છે.

આજે ગુજરાતના સ્થાપના દિવસે સવારે ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજય સરકાર વિનામૂલ્યે વેકસીન આપવાનું શરૂ કરાયું છે. જયાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા ૧૦ જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આજથી વિનામૂલ્યે વેકસીન મળશે.

રાજકોટમાં અલગ અલગ ૪૮ સ્કૂલોમા વેકસીનની પ્રકિયાઓ હાથ ધરવામાં આવશે છે. રાજકોટ મનપા દ્વારા અલગ અલગ ૪૮ સ્કૂલ પર વેકસીન માટે વ્યવસ્થા ગોઠવામાં આવી છે. રાજકોટમાં આજે યુવાનો વેકસીનેશન કરાવશે. મનપાનો ૩૦૦ લોકોના સ્ટાફ આ માટે તૈનાત રહેશે. સાંજ સુધીમાં એક સેન્ટર પર ૨૦૦ લોકોને વેકસીનેશન થઇ શકશે. તો આવતીકાલે રાજકોટમાં ૧૦૦૦૦ લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે.

૧૮ વર્ષ થી ઉપરના નાગરિકોને આજથી વડોદરામાં રસી અપાશે. શહેરના ૭૬ સેન્ટર પર કોરોનાની રસી અપાશે. આજે દરેક સેન્ટર પર માત્ર ૧૪૦ લોકોને રસી મળશે. તો આવતીકાલથી માત્ર ૭૦ લોકોને જ રસી મૂકાશે. રસીનો મર્યાદિત જથ્થો હોવાથી વેકસીનેશન પર કાપ મૂકાયો છે. રજિસ્ટ્રેશન સિવાયના લોકોને વેકસીન નહિ મળે તેની ખાસ નોંધ લે.

cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે યુવાનોને જ વેકિસન અપાશે. જોકે, આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી. જેણે અગાઉથી રજિસ્ટ્રેશન કર્યું હસે તેને જ વેકસીન મળશે.

સમગ્ર દેશમાં આજથી ૧૮થી ૪૪ વયજૂથમાં વેકિસનેશનનો ચોથા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ ૧૦ જિલ્લાના યુવાનોને જ લ્પ્લ્ મળશે, અને લ્પ્લ્માં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેકિસન લેવાની રહેશે. વેકિસનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે.

સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેકિસન લેવા માટે જાય. ગુજરાતમાં વેકિસનેશનની કામગીરી ખૂબ જ સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ સૌએ જોવાનું રહે.

(11:07 am IST)