Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

હકકના પેન્શન માટે ઝુરતા સાયકલ પ્રવાસી વયોવૃધ્ધ સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પંચાલ

રાજકોટ તા. ૧ : સમગ્ર જીવન દરમિયાન ૧૧,૫૦,૦૦૦ કિ.મી.નો સાયકલ પ્રવાસ ખેડનાર વયોવૃધ્ધ સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પોપટલાલ પંચાલ આજે ઢળતી જીંદગીએ હકકના પેન્શન માટે ઝુરી રહ્યા છે.

તેઓ આ બાબતે અવારનવાર રજુઆતો કરી ચુકયા છે. ફરી વખત તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી પોતાને મળવા પાત્ર હકકનું પેન્શન શરૂ કરાવવા રજુઆત કરી હતી. તેમાં જણાવેલ છે કે મને એક વખત મુલાકાત ફાળવવામાં આવે તો એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે મારે કેવી હાલતમાં મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે તેની વ્યથા પણ ઠાલવી શકુ.

અહીં ઉલ્લેખનીય છે કે ૧૪ વર્ષની વયે સરધાર (રાજકોટ) થી વાયા ગોંડલ સોમનાથ સુધી પ્રથમ સાયકલ પ્રવાસ કરનાર મનસુખભાઇ આઝાદીની ચળવળમાં સક્રીય ભાગ લઇ ચુકયા છે. દેશને આઝાદી મળ્યા બાદ પુરે પુરો સમય સાયકલ પ્રવાસમાં ગાળવા તેમણે મન બનાવ્યુ હતુ. જુદા જુદા રાજયો ફરી ચુકયાછે. ૭૦ વર્ષના અવિરત સાયકલ પ્રવાસ દરમિયાન દેશનો ખુણે ખુણો ફરી ચુકયા છે. અત્યાર સુધીમાં ૧૨ સાયકલો બદલાવી છે.

યુવાનોને સાયકલ ચલાવવા પ્રેરણા પુરી પાડી રહેલ મનસુખભાઇ પી. પંચાલ (મો.૯૪૨૭૦ ૨૦૪૨૯) હાલ અમદાવાદ રહે છે. પાછલી જીંદગીમાં નિર્વાહ માટે હકકનું પેન્શન તેમને ઝડપથી મળતુ થાય તેવા પ્રયાસો હાથ ધરવા તેઓએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ માંગણી ઉઠાવી છે.

(11:53 am IST)