Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

મીડિયાના કર્મચારીઓ માટે વેકસીનેશન કેમ્પનું સમાપન

રસીકરણ સાથે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનો પણ લાભ લીધોઃ રાજુભાઈ ધ્રુવનું સન્માન

 રાજકોટ, તા.૧: રાજકોટ મહાનગપાલિકા દ્વારા વેસ્ટઝોન શાખા ખાતે વિવિધ માધ્યમોનાં મીડિયાકર્મીઓને કોરોના મહામારી થી રક્ષણ આપતી રસી તથા ડાયાબિટીસ-બ્લડપ્રેશર નિદાન ચેકઅપનાં બીજા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સવારથી જ મોટી સંખ્યામાં તમામ પત્રકારો-મીડિયામિત્રો અને તેમના પરિવારજનોને કોરોના વિરૂદ્ધની વેકિસન લેવા પહોંચ્યા હતા. રસીકરણની સાથે ડાયાબિટીસ-બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પમાં જરૂરી નિદાન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટઝોન ઓફિસ ૧૫૦ ફુટ રિંગરોડ ખાતે સવારે ૯થી રાત્રીનાં ૮ વાગ્યા સુધી રાજકોટ મનપા દ્વારા યોજવામાં આવેલા કોરોના વિરોધી રસીકરણ-ડાયાબિટીસ-બીપી નિદાનનાં બીજા કેમ્પનું ઉદ્દઘાટન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર શ્રીમતી દર્શીતાબેન શાહ, મનપા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઈ પટેલ,  તથા ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ દ્વારા કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણા અનેમાર્ગદર્શનથી યોજવામાં આવેલા આ કેમ્પનાં ઉદ્દઘાટન પ્રસંગે રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામેના લાંબા ગાળા ના યુદ્ધ માં સમાચાર માધ્યમો ના સૌ પત્રકારમિત્રો -ફ્રન્ટલાઈન કોરોના વોરિયર પોતાના જીવના જોખમે સેવા કરી રહ્યા છે.કોરોના મહામારી સામે લડનારા પ્રજાજનો તથા  પત્રકાર મિત્રો- મીડિયાકર્મીની સતત  ચિંતા કરતા  રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આ બાબતે રજૂઆત કરતા તેઓશ્રીએ તાત્કાલિક પત્રકારો માટે કોરોના વિરોધી વેકિસન કેમ્પ માટેની મંજૂરી આપી અને જેના કારણે કોરોના વિરોધી વેકસીનેસન પ્રથમ ડોઝ  કેમ્પનું આયોજન  ગુજરાત અને સમગ્ર દેશમાં સૌથી પ્રથમ રાજકોટ માં થયેલ અને કોરોના વિરોધી વેકસીનેસનના બીજા ડોઝ માટે આજે આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા કોરોના વિરોધી વેકસીનેસનની પ્રક્રિયા પુર જોશમાં ચલાવવામાં આવી રહી છે. પ્રથમ ફ્રન્ટલાઇન વોરિયર્સ ત્યારબાદ સિનિયર સીટીઝન અને કોમોર્બીડીટી ધરાવતા લોકોને કોરોના વિરોધી વેકસીન આપવામાં નિર્ણય કરવામાં આવ્યો હતો એ બધા વચ્ચે કોરોનાના પ્રથમ કેસથી લઇ લોકડાઉન, અનલોક અને કરફ્યુના સમય દરમ્યાન સતત ફિલ્ડમાં રહી -જા સુધી સાચી માહિતી પહોંચાડી પોલીસ અને આરોગ્ય વિભાગની સાથે ખડેપગે રહેનાર પત્રકારોને પણ ફ્રન્ટલાઇન વોરિયર્સ સમજી કોરોના વિરોધી વેકસીનેસન માટે આયોજન કરવા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ દ્વારા   મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી જેને મુખ્યમંત્રીશ્રીએ માન્ય રાખી પત્રકારોને તાકીદે વેકસીન આપવા વિશેષ આયોજન-વેકસીનેસન કેમ્પ કરવા  માટે મહાનગરપાલિકા ને  સૂચના આપી હતી.

 પત્રકારોને ફ્રન્ટલાઇન વોરિયર્સ સમજી કોરોના વિરોધી વેકસીનેસનનું આયોજન કરવા મુખ્યમંત્રીને રજુઆત કરવા તથા બે વેકસીનેસન કેમ્પ કરાવવા બદલ રાજકોટ ઇલેકટ્રોનિક મીડિયા અને ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવનું સાલ ઓઢાડી તથા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે તમામ પત્રકાર મિત્રો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ખાસ આભાર માનવામાં આવ્યો હતો.

(2:44 pm IST)