Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

સ્માર્ટસીટી બસ સ્ટોપનું કામ ગતિમાં : પ્રદિપ ડવ

કુલ ૪૦ પૈકી ૨૦ બસ સ્ટેન્ડનું કામ પૂર્ણ : બાકીના ૩૦ જૂન સુધીમાં થશે કાર્યરત : આજથી ૧ ઇલેકટ્રીક બસ સીટીમાં દોડશે : ટ્રાયલ : મેયરે શહેરીજનોને મળતી બસ સુવિધા અંગે સમીક્ષા બેઠક યોજી

રાજકોટ,તા. ૧: શહેરમાં માસટ્રાન્સપોર્ટની સુવિધા લોકોને મળી રહે તે માટે મ.ન.પા. તંત્ર દ્વારા ૯૦ નાની -મોટી સીટી બસ અને ૧૦  બી.આર.ટી.એસ. બસ દોડવાવામાં આવી રહી છે. ત્યારે સીટી બસનો વધુને વધુ લોકો ઉપયોગ કરે તે માટે તંત્ર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. શહેરમાં હાલ ૪૦ નવા સ્માર્ટસીટી બસ સ્ટોપ બનાવવામાં આવનાર છે. તે પૈકી ૨૦ બસોનું કામ પૂર્ણ થઇ ગયું છે. બાકીના ૨૦ બસ સ્ટેન્ડ આગામી તા. ૩૦ જૂન સુધીમાં તૈયાર થઇ જશે. તેમ મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતું.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરજીયાત સિટી બસની સેવા ન હોવા છતાં શહેરના નગરજનોની સુખાકારી માટે અને માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ થાય તેવા હેતુથી સિટી બસ સર્વિસ સેવા ૨૦૧૩માં ચાલુ કરવામાં આવેલ. આ ઉપરાંત ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ફ્લાઈ ઓવરબ્રિજ અને બી.આર.ટી.એસ. નિર્માણ થતા તા.૧ઓકટોબરથી બી.આર.ટી.એસ. પર બસ ચલાવવાનું શરૂ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા સિટી બસ સેવા માટે ૯૦ સિટી બસ તેમજ ૧૦ બસ બી.આર.ટી.એસ. રૂટ પર ચલાવવામાં આવે છે. હાલમાં, કોરોના મહામારીના કારણે તેમજ સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર ૪૨ સિટી બસ અને ૮ બી.આર.ટી.એસ. બસ ચલાવવામાં આવી રહી છે.

વિશેષમાં, સિટી બસના કારણે થતું પ્રદુષણ દ્યટાડવાના પ્રયત્નોના ભાગરૂપે સૌ પ્રથમ જાહેર પરિવહન સેવામાં એટલે કે, બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવામાં ૫૦ મીની કુલિંગ એ.સી. ઈલેકટ્રીક બસ 'ગ્રોસકોસ્ટ મોડેલ' થી PMI ઈલેકટ્રોનિક મોબિલીટી સોલ્યુસન પ્રા.લિ. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને હાલમાં, ૧ ઈલેકટ્રીક બસ ટ્રાયલ ઝોન માટે આવેલ છે અને હાલમાં ટ્રાયલ ઝોનની પ્રકિયા હાથ ધરવામાં આવેલ છે. ઇલેકટ્રીક બસની ટેસ્ટિંગ બાદ અને કેન્દ્ર સરકારની ટેસ્ટિંગ સર્ટિફિકેટ આવ્યા બાદ ઈલેકટ્રીક બસ શહેરમાં ચલાવવામાં આવશે. આગામી થોડા સમય બાદ ૩૫ ઈલેકટ્રીક બસ રાજકોટ મહાનગરપાલિકાને મળી જશે. ઈલેકટ્રીક બસના ચાર્જીંગ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૮૦ ફૂટ રોડ પર ચાર્જીંગ પોઈન્ટની કામગરી ચાલુ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે.

ઈલેકટ્રીક બસમાં ૨૪+૩=૨૭ સીટિંગની સુવિધા હશે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ ૪૦ સ્માર્ટ સિટી બસ સ્ટોપ બનાવવાનું આયોજન છે. જેમાં ૨૦ બસ સ્ટોપની કામગીરી પૂર્ણ થયેલ છે અને ૨૦ બસ સ્ટોપ આગામી ૩૦ જુન સુધીમાં પૂર્ણ થઇ જશે. હૈયાત જુના ૭૪ બસ સ્ટોપમાં જે બસ સ્ટોપને રીનોવેશન કરવાની જરૂર જણાશે તે બસ સ્ટોપનું રીનોવેશન કરાશે અને બસના ટાઈમ ટેબલ ખરાબ થઈ ગયા ત્યાં ફરીથી નવા ટાઈમ ટેબલ લગાડવા કાર્યવાહી હાથ ધરાશે.

સ્માર્ટ સિટી બસ સ્ટોપની કામગીરી પૂર્ણ થાય બાદ બસ સ્ટોપ પર જાહેરાત માટેની ટેન્ડર પ્રકિયા કરી એજન્સીઓને જાહેરાતના રાઈટ આપવામાં આવશે. જેનાથી રાજકોટ મહાનગરપાલિકાને આવક થશે.

ઓકટોબર ૨૦૧૨થી ૩૦ મે ૨૦૨૧ દરમ્યાન ૧,૯૩,૭૫,૮૦૮ પેસેન્જરોએ બી.આર.ટી.એસ. રૂટ ઉપર લાભ લીધેલ છે. જયારે શહેરમાં જુદા જુદા રૂટ પર ચાલી રહેલ સિટી બસમાં ઓકટોબર ૨૦૧૩ થી ૩૦ મે ૨૦૨૧ સુધીમાં ૬,૧૯,૬૭,૦૫૯ પેસેન્જરોએ લાભ લીધેલ છે. શહેરના વધુ ને વધુ લોકો માસ ટ્રાન્સપોર્ટેશનનો લાભ લેશે તો પોતાના પ્રાઇવેટ વાહનનો પેટ્રોલનો બચાવ થશે તેમજ ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને શહેરમાં પ્રદુષણ ઓછું ફેલાશે જેથી શહેરીજનોએ સિટી બસ સેવાનો વધુ ને વધુ લાભ લેવા મેયરશ્રીએ અનુરોધ કરેલ છે.

સ્માર્ટ સિટી બસ સ્ટોપમાં કઇ કઇ સુવિધા

. આકર્ષક તથા સ્માર્ટ ડિઝાઈન (Smart bus stop 15’ feet  5’ feet)

. સંપૂર્ણ બસ સ્ટોપ s.s. (સ્ટેનલેસ સ્ટીલ)માંથી બનાવવામાં આવેલ છે.

. મુસાફરો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા, તેમજ મહિલા, દિવ્યાંગ અને સિનિયર સીટીઝન માટે અલાયદી બેઠક વ્યવસ્થા.

. મુસાફરોની સલામતી માટે ૨૪ કલાક CCTV કેમેરા સર્વેલન્સ સિસ્ટમ.

. દીવ્યાંગો અને વૃદ્ઘોને ચડવા માટે અલાયદા રેમ્પની સુવિધા

  મુસાફરોની હાજરી પ્રમાણે ચાલું બધ થતી સેન્સર બેઇઝ સ્માર્ટ લાઈટીંગ

. USB મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટની સુવિધા

. બસ સ્ટોપ પર ૩ જગ્યા પર આકર્ષક જાહેરાત મુકવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

(4:04 pm IST)