Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રમઝાન ઇદ પછી આજે ઇદુલઅદહામાં પણ છવાયેલી સાદગી

વૈશ્વિક મહામારી, અનલોક-થ્રીના ધાર્મિક મેળાવડા ઉપર પ્રતિબંધના નિયમ કલમ-૧૪૪નો અમલ અને જાહેરનામા સંદર્ભે : ગઇકાલે શુક્રવારે 'સાપ્તાહિક ઇદ'ના લીધે આજે ઇદનો : આધ્યાત્મિક ઉત્સાહ બેવડાયોઃ રૂબરૂ મિલન શકય ન હોઇ ફોન ઉપર શુભેચ્છાનો ધોધ વહયોઃ મોબાઇલ સતત વ્યસ્ત રહયા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા બલિદાન પર્વની ઉજવણીઃ ઇદગાહો બંધ રહીઃ ઇદની વિશેષ નમાઝ સવારે ઘરમાં જ સંપન્ન કરાઇઃ સોશ્યલ ડીસ્ટેન્સનો આપોઆપ અમલ

ઘરમાં જ નમાઝ અદા : આજના ઈદના પાવન પ્રસંગે સોશ્યલ ડિસ્ટન્સ રાખવાના આદેશના લીધે પોતાના ઘરમાં જ ઈદની નમાઝ પઢતા મુસ્લિમ અગ્રણી હબીબભાઈ કટારીયા સહિતના મુસ્લિમ આગેવાનો દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા., ૧: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પરંપરાગત 'ઇદુલ  અદહા' ની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી રાબેતા મુજબ ત્રણ દિ' સુધી ચાલશે. પરંતુ હાલમાં કોરોના વાયરસના લીધે ચાલી રહેલી વૈશ્વિક મહામારી વચ્ચે આ' ઇદ'આવતા સરકારની ગાઇડ લાઇન મુજબ સર્વત્ર ઇદની સાદગીભેર ઉજવણી કરવામાં આવી છે.

હજુ બે મહિના ૧૦ દીવસ પહેલા જ રમઝાન માસ પુર્ણ થયા બાદ ઉજવાયેલી ઇદુલ ફિત્ર લોકડાઉન વચ્ચે આવી હતી ત્યારે પણ ઇદની સાદાઇથી ઉજવણી કરાયેલ તેમ ઇદુદદોહા પણ આજે મુસ્લીમ સમાજ દ્વારા સાદગીભેર ઉજવવામાં આવી છે.

ઇસ્લામી પંચાગના ૧ર મા મહિના જીલ હજ્જની ૧૦ મી તારીખે આ ઇદની ઉજવણી ઈસ્લામ ધર્મના મહાન પૈગમ્બર અને ધર્મપિ,તા હઝરત ઇબ્રાહીમ અને તેઓના સુપુત્ર પૈગમ્બર હઝરત ઇસ્માઇલની સ્મૃતિમાં મુસ્લીમ સમાજ દ્વારા કરવામાં આવે છે.

જો કે આ મહિનો હજ્જનો છે અને જેથી ધનિક પરીવારો પૈકી કોઇને કોઇ આ મહિનામાં નિયમ મુજબ હજ્જ કરવા જતા હોય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ સેંકડો મુસ્લીમો તેમાં સામેલ થાય છે. જે હજ્જ યાત્રાનો મક્કા શરીફ શહેરમાં આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારે ૧૦મીના દિવસે હાજીઓ સિવાયના મુસ્લીમો ઇદ ઉજવે છે.

ઇદ પ્રસંગે વિશેષતઃ આજે સવારે મુસ્લીમ સમાજે ઇદની વિશેષ નમાઝ પઢી હતી અને પછી લાખો હાથ દુઆઓ માટે ઉઠી જતા સમગ્ર ભારત દેશ માટે સુખ-શાંતિ અને સમૃધ્ધિની પ્રાર્થનાઓ કરવામાં આવી છે.

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના નાના મોટા ગામો કે શહેરોમાં પણ વૈશ્વીક મહામારી વચ્ચે બલિદાનની ભાવના પ્રકટ કરતા આ પર્વની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી.

હાલમાં વૈશ્વીક મહામારી વચ્ચે અનલોક-થ્રીના નિયમ ધાર્મિક મેળાવડા ઉપર  પ્રતિબંધ સોશ્યલ ડીસ્ટન્સ અને વર્તમાન જાહેર નામા મુજબ કલમ ૧૪૪ મી લાગુ હોવાના લીધે આજે સવારે મુસ્લીમ બિરાદરોએ વધારાની ઇદ પ્રસંગની નમાઝ ઘરમાં જ પઢી હતી.

આ ઉપરાંત ઘરે ઘરે ઇદની નમાઝ લોકોએ પઢતા સોશ્યલ ડીસ્ટન્સનો આપોઆપ અમલ થઇ ગયો હતો જો કે ૧૪૪મી કલમના લીધે ઇદની નમાઝ માટે મસ્જીદો બંધ જ રહી હતી.

રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અન્ય નાના  મોટા ગામો કે શહેરોમાં ઇદગાહો  બંધ હોય સવારના સમયે મુસ્લીમ બિરાદરો ઘરમાં જ હોવાના કારણે અને ઘરમાં જ વધારાની નમાઝ  પઢવાની હોય ચહલ પહલનો પણ અભાવ દેખાતા સર્વત્ર ઇદની સાદાઇ વર્તાઇ હતી.

બીજી તરફ દરેક ગામ કે શહેરના ઉલેમાઓ અને અગ્રેસરો દ્વારા પ્રવર્તમાન સ્થિતિ અને કલમ ૧૪૪ અન્વયે સામુહીક પ્રાર્થના ઉપર મનાઇ હોય તમામ મુસ્લીમ સમાજને ઇદના અવસરે ઘરે જ નમાઝ પઢવા અગાઉથી જ અપીલ કરી દેવામાં આવી હતી.

આ ઉપરાંત છેલ્લા બે મહીના થયા કોરોના વાયરસની સામે સાવચેતીરૂપે ચાલી રહેલ લોકો વધુ પ્રમાણમાં ઘરમાં જ હોઇ, રોજીંદી પ્રવૃતીઓ પણ ઠપ હોઇ તેના લીધે પણ ઇદ ઉજવણીમાં સાદાઇ જોવા મળી હતી.

બીજી તરફ મહામારીના લીધે લોકો અન્યોના ઘરે જવાનુ ટાળતા હોય અને સોશ્યલ ડીસ્ટેન્સ રાખવાનંુ અમલી હોય પ્રત્યક્ષ ઇદની મુબારકબાદની આપલે કરવાના બદલે ફોન ઉપર ઇદની શુભેચ્છાઓનો ધોધ વરસી રહેતા મોબાઇલ ફોન સતત વ્યસ્ત રહયા હતા.

જો કે ગઇકાલે શુક્રવાર હતો અને તે સાપ્તાહિક ઇદ તરીકે ઉજવાતો હોઇ અને આજે ઇદ હોવાના લીધે આધ્યાત્મિક ઉત્સાહ બેવડાઇ ગયો હતો.

જયારે શનિવારે ઇદ, રવિવારની જાહેર રજા અને સોમવારે રક્ષાબંધનના લીધે ત્રણ દિ' રજા હોઇ કર્મચારી વર્ગને ત્રણ દિ'ની રજાનો લાભ મળી ગયો હતો.

(11:18 am IST)