Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વેદોમાં 'શ્રાધ્ધ'ની વિધિ શું છે ?

વેદોમાં શ્રાધ્ધ એ 'પર્વ' છે, અને તે ૧૫ દિવસ નહિ પરંતુ આખુ વરસ નિરંતર કરતા રહેવાનું છે

હમણા શ્રાધ્ધ પર્વનું આગમન થશે ત્યારે એક વાત યાદ આવે છે. એકવાર એક શ્રધ્ધાળુએ પૂછયું કે વેદમાં શ્રાધ્ધની શું વિધિ છે ? તે કયારે આવે છે ? સૌને જિજ્ઞાસા થાય એવા પ્રશ્નો છે. મહર્ષિ દયાનંદે આપણા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે કે 'ખાખાખોળા' કરીને વેદની શુધ્ધ આવૃત્તિ આપણને આપી છે.

વેદમાં શ્રાધ્ધની વિધિ જુદાજુદા મંત્રો દ્વારા આપવામાં આવી છે. તેમાં 'સ્વ'થી માંડીને સર્વજન સુધીના વ્યવહારને સ્પષ્ટ સમજાવાયો છે.

અત્યારે દેશમાં શ્રધ્ધાનું પ્રચલન એવું છે કે, ભાદરવા માસનું બીજું પખવાડિયું શ્રાધ્ધ પક્ષ કહેવાય છે. આ ૧૫ દિવસમાં જુદી જુદી તિથિએ પોતાના મૃત્યુ પામેલા સ્વજનોની પાછળ શ્રાધ્ધ વિધિ કરતા હોય છે પરંતુ વેદમાં શ્રાધ્ધ ૧૫ દિવસમાં નહિ પરંતુ સદા નિરંતર અને રોજ કરવાનું હોય છે.

પંચ મહાયજ્ઞ

વેદોમાં સ્પષ્ટ આદેશ છે કે ગૃહસ્થે તેની દૈનિક દિનચર્યામાં પાંચ પ્રકારના યજ્ઞ કરવાના હોય છે. આ પાંચ યજ્ઞ એટલે (૧) દેવયજ્ઞ - એટલે કે પૂજા - ધ્યાન (ર) બ્રહ્મયજ્ઞ - એટલે કે હવન અથવા અગ્નિહોત્ર (૩) પિતૃયજ્ઞ - એટલે કે માતા - પિતા ઘરના વડીલો - ગુરૂજનો આદિની સેવા કરવી અર્થાત તેમને તેમની જરૂરીયાતો જેવી કે અન્ન-વસ્ત્ર ઔષધ અને યથાયોગ્ય માન-સન્માન આપવા તેમની આજ્ઞાનું પાલન કરવું તેમની સાથે સંવાદ કરવો વગેરે વગેરે (૪) અતિથિયજ્ઞ એટલે કે આપણા આશ્રીતો - કર્મચારીઓ, આપણા પરિવાર ઉપર નભતા હોય તેવા આપણી આસપાસના વિકલાંગ - નિર્બળ - અશકત - લાચાર લોકોની યથાશકિત સહાય કરવી અને છેલ્લું (પ) બલિવૈશ્ય યજ્ઞ એટલે કે પશુ - પક્ષી - અબોલ જીવો માટે અન્ન - પાણીની વ્યવસ્થા કરવી.

આ પાંચેય કાર્યો યજ્ઞની વ્યાખ્યામાં આવે છે જે કોઇ નિશ્ચિત સમયકાળમાં નહિ પરંતુ સતત નિરંતર અને યથાશકિત કરવાના હોય છે. આ કાર્યથી મન પ્રસન્ન રહે છે, જીવન હળવું ફૂલ લાગે છે.

તર્પણ અને શ્રાધ્ધ

હવે આપણે તર્પણ અને શ્રાધ્ધની સાચી સમજ મેળવીએ. 'પિતૃ' એટલે મૃત્યુ પામેલા સ્વજન નહિ પરંતુ સદેહે સાક્ષાત આપણી સામે જીવતા, આપણને પ્રેમ કરતા, આપણી ચિંતા કરતા, આપણું રક્ષણ કરતા અને સદા આશિર્વાદ વરસાવતા જીવીત માતા - પિતા આ જીવીત માતા-પિતાની જરૂરીયાત પુરી કરી અને તેમને સંતોષ થાય એ તર્પણ કહેવાય.

શ્રાધ્ધ એટલે શ્રધ્ધાથી કરેલી સેવા : પિતૃ શબ્દ સંસ્કૃતમાં 'પિતરૌ' તરીકે આવે છે જેનો અર્થ 'માતા-પિતા' એવો થાય છે. એટલે હયાત વડીલોની સેવા કરીએ શ્રાધ્ધ છે. તેમના મૃત્યુ પછી ઉત્તરક્રિયા કે શ્રાધ્ધ એ બધું કર્મકાંડ છે તેનો ફાયદો તેમને કોઇપણ રીતે થતો નથી. કેમકે આપણે હિંદુઓ પુનર્જન્મમાં માનીએ છીએ અને કરેલા કર્મો અનુસાર માણસ મૃત્યુ પછી બીજો જન્મ તુરંત ધારણ કરે છે. એ આત્મા બીજા ઘરે બીજો દેહ ધારણ કરીને રહેતો હોય છે. આપણે પણ આ પહેલાના જન્મમાં કોઇકના માતા-પિતા, ભાઇ-બહેન, દાદા-દાદી વગેરે હતા એ લોકો જે આપણુ શ્રાધ્ધ કરતા હશે તો આપણને કેવી રીતે મળે ? ન જ મળે. આપણે કોઇ દિવસ કાગડો બનીને કોઇ અગાસી ખીર ખાવા નથી ગયા એટલે એક દિવસ કાગડા - કૂતરા કે ગાયને રોટલી - ખીર ખવડાવાને બદલે આખુ વરસ અનુ કૂળતા અને શકિત મુજબ ગૌશાળાને દાન, ગરીબોને સહાય, પશુ-પક્ષીને ચણ અને દુઃખીયારાને આશ્વાસન આપીને પુણ્ય મેળવો એ જ સાચું શ્રાધ્ધ છે. અને વેદોમાં શ્રાધ્ધને એક 'પર્વ' કહ્યું છે. પર્વનો અર્થ છે 'જોડવું'. હાથની અંદર આંગળા - અંગુઠા કેમ જોડાયેલા છે એ રીતે આપણી આસપાસના જીવોની સાથે જોડાઇએ એટલે શ્રાધ્ધ.

આલેખન

નટવરસિંહ ચૌહાણ

મંત્રી : આર્યસમાજ,

રાજકોટ (મધ્ય)

મો. ૯૮૨૪૮ ૪૦૯૧૭

(11:39 am IST)