Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોરોના પછી ઉજ્જવળ કારકિર્દી માટે કયા ક્ષેત્રોમાં નોકરી મળશે ? આ રહી માહિતી

રીસર્ચ,જર્નાલિઝમ, ડીજીટલ પેમેન્ટ, એજ્યુકેશન ટેકનોલોજી, હેલ્થકેર સહિતના ફીલ્ડમાં રોજગારી

રાજકોટ,તા. ૩૧: વૈશ્વિક મહામારી કોરોના (COVID-19)એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. લાખો લોકો મૃત્યુ પામ્યા છે તથા કરોડો લોકો કોરોનાગ્રસ્ત થયા છે અને થઇ રહ્યા છે.સતત લોકોડાઉન, અનલોક, કોલેજ -યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં હજુ સુધી શિક્ષણ કાર્ય સ્થગિત વિગેરેને કારણે ભારતની ઇકોનોમી ઉપર પણ ગંભીર અસર દેખાઇ રહી છે.

વિવિધ કંપનીઓ, કારખાનાઓ, બિઝનેસ યુનિટ, કોર્પોરેટ ઓફીસીસ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ યુનિટ, સેલ્ફ ફાયનાન્સ એજ્યુકેશનલ યુનિટ, પ્રોફેશનલ યુનિટ વિગેરેના મેનેજમેન્ટ દ્વારા ખર્ચ ઘટાડવા માટે ઘણા બધા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. ઘણાં યુનિટ બંધ થઇ ગયા તો ઘણાંની હાલત સાવ કફોડી બની ગઇ છે. પરિણામે બેરોજગારીમાં પણ વધારો થયો હોવાનું જોવા મળે છે. આજનું યુવાધન ઉજ્જવળ ભવિષ્ય આપતી નોકરી મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે. આ બધાં જ પરિબળો વચ્ચે કોરોનાના સમયગાળા પછી નોકરી થકી જે ક્ષેત્રોમાં ઉજ્જવળ ભવિષ્ય દેખાઇ રહ્યું છે તેની ઉપર એક નજર કરીએ તો ..

. રીસર્ચ

વિવિધ ક્ષેત્રોમાં વર્ષોથી રીસર્ચ (સંશોધન)નું મહત્વ જોવામાં આવી રહ્યું છે. ડોકયુમેન્ટેશન, ડેટા કલેકશન તથા ડેટા એનાલિસીસના સહારે સતત સમાજોપયોગી સંશોધન થઇ રહ્યા છે.

જ્યારથી કોરોના (COVID-19)એ દેશ-દુનિયામાં ભરડો લીધો છે ત્યારથી રીસર્ચનું મહત્વ ખૂબ જ વધી ગયાનું જોવા મળે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, મેડીકલ, સોશ્યલ સાયન્સીઝ, કોર્પોરેટ ફીલ્ડ, મેનેજમેન્ટ વિગેરે જેવા તમામ ફીલ્ડસમાં સંશોધનનું મહત્વ અવિરત વધી રહ્યું છે. આ બધુ જ જોતા કોરોના પછી પણ રીસર્ચ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડી શકાશે.

. જર્નાલિઝમ

જો જર્નાલિસ્ટસ, ન્યુઝ એન્કર્સ, માસ મિડીયા પ્રોફેશનલ્સ, વર્તમાનપત્રો, પત્રિકાઓ, ઇલેકટ્રોનિક મિડીયા વિગેરે ન હોત તો કોરોના સંદર્ભેની તથા તકેદારીની માહિતી લોકો સુધી ન પહોંચી હોત. વિવિધ સરકારી યોજનાઓ તથા પગલાઓની જાણકારી પણ કદાચ ન મળી હોત. જર્નાલિઝમ ક્ષેત્રે જોડાયેલ લોકો જીવના જોખમે પણ માહિતી લોકો સુધી પહોંચાડે છે. કોરોના પછી પણ આ ક્ષેત્રમાં સતત રોજગારી સર્જાતી રહેવાનું દેખાઇ રહ્યું છે.

. ડીજીટલ પેમેન્ટ

કોરોનાના કારણે સતત લોકડાઉન તથા સોશ્યલ ડીસ્ટન્સીંગ અને કામ સિવાય ઘરની બહાર ન નિકળવાને કારણે લોકોએ રોજની જરૂરીયાતો પુરી કરવા ઓનલાઇન વેબસાઇટસનો પુરો લાભ લીધો. સાથે -સાથે વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે કે બિલનું પેમેન્ટ કરવા માટે ડીજીટલ પેમેન્ટ સિસ્ટમનો ભરપુર ઉપયોગ કર્યો. સરકાર દ્વારા પણ વિવિધ એપ થકી ડીજીટલ પેમેન્ટને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે ભવિષ્યમાં પણ મોબાઇલ પેમેન્ટ ટેકનોલોજી ડોમેનમાં કારકિર્દી બનાવી શકાય છે.

. એજ્યુકેશન ટેકનોલોજી

લોકડાઉન દરમ્યાન તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી અને મોટાભાગની હજુ પણ બંધ છે ત્યારે ઓનલાઇન પ્લેટફોર્મ તથા વર્ચ્યુઅલ કલાસરૂમ દ્વારા સતત શિક્ષણ અપાઇ રહ્યું છે. આવી એજ્યુકેશન ટેકનોલોજીનું મહત્વ પણ વધી રહ્યું છે અને લોકો પસંદ પણ કરી રહ્યા છે. કોરોના પછી પણ આ ક્ષેત્રે નોકરીની ડીમાન્ડ રહેશે તેવી આશા છે.

. હેલ્થકેર

વૈશ્વિક મહામારી કોરોનાના સમય દરમ્યાન ડોકટર્સ, નર્સ, ફાર્માસીસ્ટસ, મેડીકલ ક્ષેત્રે સંબંધિત તમામ પ્રોફેશનલ્સ તથા સ્ટાફ વિગેરેએ પોતાના જીવના જોખમે પણ દર્દીઓ -લોકોની સેવા કરી છે. મેડીકલ ક્ષેત્રના ઘણા લોકો તો દર્દીઓની સેવા કરતા-કરતા ખુદ કોરોનાગ્રસ્ત થયા. 'કોરોના સમય' દરમ્યાન મેડીકલ તથા મેડીસીન સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ જેવી કે મેડીકલ ઇકિવપમેન્ટસ, મશીનરી, ડ્રગ્સ (દવાઓ) મેન્યુફેકચરીંગ વિગેરેમાં વૃધ્ધિ જોવા મળી છે. આ ક્ષેત્રોનું ભવિષ્ય પણ ઉજળું દેખાઇ રહ્યું છે.

કોરોનાને કારણે દેશ -દુનિયા તથા સમાજમાં ઘણાં બધા ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. હજુ પણ સતત બદલાવ થઇ રહ્યો છે અને દુનિયામાં ઘણું બધું બદલી જશે. આ બધાં વચ્ચે પણ ઉજ્જવળ કારકિદી આપતા વિવિધ ક્ષેત્રો આપણી સામે છે. યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને આગળ વધવા માંડો. સોનરી ભવિષ્ય આપ સૌની રાહ જોઇ રહ્યું છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

સવારે ચા સાંજે અકિલા આ લેખ સાચવી રાખો

(11:40 am IST)