Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

રાજકોટથી દિલ્હી ડાયરેકટ ફલાઇટ પેસેન્જર્સના ૩ થી ૪ કલાક બચી જશે

એર ઇન્ડિયાની એઆઇ-૪૦૩ ફલાઇટ ૧૦ સપ્ટેમ્બરથી અઠવાડીયામાં બે દિવસ જશેઃ દિલ્હીથી બપોરે ૨.૧૦ વાગ્યે ઉપડીને ૩.૫૦ વાગ્યે રાજકોટ આવશેઃ રાજકોટથી સાંજે ૫ વાગ્યે ઉપડશે. : હાલમાં રાજકોટથી દિલ્હી જવા માટે વાયા સુરત એર ઇન્ડિયાની ફલાઇટ ચાલે છે.

રાજકોટ, તા. ૧ : સામાજીક, સાંસ્કૃતિક, ઔદ્યોગિક, શૈક્ષણિક વગેરે ક્ષેત્રે દેશમાં સદાય અગ્રેસર અને સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટથી બાયએર દિલ્હી જવા માંગતા લોકો માટે ખુશખબર આવ્યા છે.

તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૦થી રાજકોટથી દિલ્હી ડાયરેકટ ફલાઈટ શરૂ થઈ રહી છે. જેને કારણે પેસેન્જર્સના ૩ થી ૪ કલાક બચી જશે તેવો અંદાજ છે. સાથે સાથે ઉદ્યોગકારો સહિતના લોકો થોડો વધુ સમય પોતાના બિઝનેસમાં આપી શકશે.

હાલમાં અઠવાડીયામાં બે વખત રાજકોટથી દિલ્હી એર ઈન્ડિયાની જે ફલાઈટ જાય છે તે વાયા સુરત થઈને જાય છે. જેને કારણે સમયનો ઘણો બગાડ થતો હતો. આજના નવા શેડ્યુલ પ્રમાણે એર ઈન્ડિયાની એઆઈ૪૦૩ ફલાઈટ ૧૦ સપ્ટેમ્બરથી મંગળવાર તથા ગુરૂવાર એમ અઠવાડીયામાં બે વખત સીધી જ દિલ્હી જશે. હાલમાં આ શેડ્યુલ ૧૦ સપ્ટેમ્બરથી ૨૨ ઓકટોબર સુધીનું આવ્યુ હોવાનું જાણવા મળે છે.

નવા શેડ્યુલ પ્રમાણેની એર ઈન્ડિયાની ફલાઈટ બપોરે ૨.૧૦ વાગ્યે દિલ્હીથી ઉપડીને ૩.૫૦ વાગ્યે રાજકોટ આવશે. ત્યારબાદ રાજકોટથી સાંજે ૫ વાગ્યે ઉપડીને ૬.૪૫ વાગ્યે દિલ્હી પહોંચશે. હાલમાં સપ્ટેમ્બર મહિનામાં દિલ્હી - રાજકોટ - દિલ્હી ડાયરેકટ ૬ ફલાઈટ હોવાનું જાણવા મળે છે. રાજકોટથી દિલ્હી ડાયરેકટ ફલાઈટ શરૂ થતા પેસેન્જર્સમાં રાહતની લાગણી ફેલાઈ છે.

(2:39 pm IST)