Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

લોકડાઉનને કારણે લોન ચડી જતાં બજરંગવાડી પુનિતનગરના દિપક દેગામાએ દુનિયા છોડી

૩૦ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ લીધોઃ યુવાન પુત્રના મોતથી કોળી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧: લોકડાઉનને કારણે અગાઉ અનેક લોકોએ ટૂંકો માર્ગ અપનાવી લીધાના બનાવ બન્યા છે. વધુ એક યુવાને લોકડાઉનને કારણે લોનના હપ્તા ચડી જતાં ટેન્શનમાં આવી જઇ આપઘાત કરી લીધો છે. બજરંગવાડી પુનિતનગર-૨ શેરી નં. ૮માં ચામુંડા કૃપા ખાતે રહેતાં દિપક ગોકુળભાઇ દેગામા (ઉ.વ.૩૦) નામના યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી રાજુભાઇ મારફત પોલીસ કન્ટ્રોલ રૂમને થતાં પીએસઆઇ જે. એચ. ખાચરે ગાંધીગ્રામ પોલીસને વાકેફ કરતાં હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસે ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર દિપક ત્રણ ભાઇમાં નાનો હતો અને છુટક કામ કરતો હતો. તેણે લોકડાઉન પહેલા અલગ-અલગ લોન લીધી હતી. ત્રણેક મહિના મજૂરી કામ ઠપ્પ રહેતાં લોનના હપ્તા ચડત થઇ ગયા હતાં. આ કારણે તે કેટલાક દિવસથી સતત ટેન્શનમાં હતો અને ગઇકાલે પંખાના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

મૃતકના સ્વજનોના વિસ્તૃત નિવેદન અંતિમવિધી બાદ પોલીસ નોંધશે.યુવાન દિકરાના આ પગલાથી કોળી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

(1:09 pm IST)