Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સુલેહશાંતિ અને કોરોના અંતર્ગતના શહેર પોલીસ કમિશનરના જાહેરનામા લંબાવાયા

રાજકોટ તા.૧: શહેરમાં કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ  ન થાય અને જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોરોના અંતર્ગત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા માટેના અલગ અલગ જાહેરનામા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડ્યા છે તેને એક મહિના માટે લંબાવવામાં આવ્યા છે.  શ્રી અગ્રવાલે શહેર પોલીસ કમિશનર  વિસ્તારમાં આ હુકમ પ્રસિધ્ધ કરી તા.૦૧/૦૯ થી તા. ૩૧-૧૦ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.

     હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શ સ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા  પર, પ્રાઇવેટ સિકયુરીટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે હથીયાર રાખવા પર  અથવા બીજા કોઇ સ્ફોટક પદાર્થો લઇ જવા પર, અથવા જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બુમો પડવા ગીતો ગાવા કે વાદ્યો વગાડવા પર પર પ્રતિબંધ મૂકયો છે. પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાર પર આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યો સામે પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.

ઉપરાંત કોરોનાવાયરસ કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોઇ તથા આગામી દિવસોમાં જુદી જુદી ધાર્મિક શોભાયાત્રાઓ તથા ધાર્મીક તહેવારો તેમજ રેલી અને ધરણાઓના કાર્યક્રમો યોજવા પર તેમજ ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. સરકારી અથવા અર્ધસરકારી નોકરીમાં ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

(1:10 pm IST)