Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પાયાની ઈંટ ગણાતા લઘુ- મધ્યમ ઉદ્યોગોને મજબૂત કરાશેઃ મદલાણી

રાજકોટ,તા.૧: કોઈ ઈમારત બનાવવી હોય તો તેને મજબૂત બનાવવા માટે ઈંટ સૌથી મહત્વની હોય છે. તેવી જ રીતે જો કોઈ રાજયની આર્થિક વ્યવસ્થાના બિલ્િંડગને સજજડ અને મજબૂત બનાવવું હોય તો તેના પાયાના પથ્થર એવી ઔદ્યોગિક ગતિવિધિની ખેવના જરૂરી બની રહે છે. ખાસ કરીને લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો મોટી સંખ્યામાં કાર્યરત હોવાથી રાજય સરકારે ગુજરાત ઈન્ડસ્ટ્રીલ પોલીસી- ૨૦૨૦માં તેના ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરી તેને પૂરપાટ ઝડપે દોડવા કરવા માટે અનેક મહત્ત્વના અને ચાવીરૂપ પગલાં ઉઠાવ્યા હોય નાના- લઘુ- મધ્યમ ઉદ્યોગો જેટસ્પીડે કાર્યરત થઈ જશે તેવો આશાવાદ રાજકોટ જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વીનર દીપક મદલાણીએ વ્યકત કર્યો છે.

તાજેતરમાં જ રૂપાણી સરકારે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલીસી- ૨૦૨૦ બનાવી છે અને તેમાં આ ક્ષેત્રને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવા માટે અનેક પગલાંની જાહેરાત કરી છે. આ પગલાંઓમાં નાના- લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પાત્ર ધિરાણની રકમના ૨૫ ટકા સુધીની અને મહત્તમ રૂપિયા ૩૫ લાખ સુધીની કેપિટલ સબસીડી આપવા, કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ રૂપિયા ૧૦ કરોડથી વધી હોય તો તે ઔદ્યોગિક એકમને રૂપિયા ૧૦ લાખની વધારાની કેપિટલ સબસીડી આપવા, આ ઉદ્યોગોને સાત વર્ષ સુધી પ્રતિ વર્ષ ટર્મ લોન પર લાગતાં વ્યાજના દરના ૭ ટકા સુધી અને મહત્તમ રૂપિયા ૩૫ લાખ સુધીના વ્યાજ સબસીડી આપવા, ૩૫ વર્ષથી નાના યુવા ઉદ્યોગ સાહસિકોને લોન મંજૂર થયાના દિવસે ૧ ટકા વધારાની વ્યાજ સબસીડી આપવા સહિતના નિર્ણયો સમાવિષ્ટ છે.

એમએસએમઈને વધુ રાહત આપવા માટે સર્વિસ સેકટર કે જેમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ટુરીઝમ, કેટરર્સ, ટ્રાન્સપોર્ટ સહિતના વ્યવસાયો આવી જાય છે તેમને સાત ટકા સુધીની વ્યાજ સબસીડી આપવાની જાહેરાત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ૨૦૧૪- ૧૫ના વર્ષથી લઈ ૨૦૧૯-૨૦ના વર્ષ સુધીમાં નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની માત્રા ૬૦ ટકા સુધી પહોંચી ગઈ છે. જે રૂપાણી સરકારના આવકારદાયક પગલાંને આભારી છે તેમ અંતમાં દીપક મદલાણીએ જણાવ્યું હતું.

(2:38 pm IST)