Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આજી જીઆઇડીસી વિસ્તારમાં ર૦ર કામદારોના એન્ટીજન ટેસ્ટ કરાયા

મ્યુ. કોર્પોરેશન દ્વારા મેગા મેડીકલ કેમ્પ યોજાયો

રાજકોટ, તા. ૧ : મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તા. ૧ સપ્ટેમ્બરના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી જીઆઇડીસી ખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી અને આવશ્યકતા અનુસાર એન્ટીજન ટેસ્ટ કરવા માટે વધુ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર,  SPO2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ર૦ર લોકોના ટેસ્ટ કરાયા હતાં તેમ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ કેમ્પના આયોજન વિશે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે વધુમાં એમ જણાવ્યું હતું કે, આજી જીઆઇડીસી ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓ સવારથી સાંજ સુધી એકબીજાના સંપર્કમાં આવતા હોય છે, અને કોરોનાની ચેઇન તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ અગાઉ પણ તા. ર૯ ઓગષ્ટના રોજ આજી જીઆઇડીસી ખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટ કેમ્પ કરવામાં આવ્યો હતો અને ટેમ્પરેચર, SPO2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૧૯૭ લોકોના ટેસ્ટ કરાયા હતાં.

(3:19 pm IST)